ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની ૬૮ વર્ષની દુશ્મનાવટનો સુખદ અંત

Uncategorized

સતત સાત દાયકાથી ચાલી આવતા ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો છે. વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૩ દરમિયાન થયેલા કોરિયન યુદ્ધનો સત્તાવાર રીતે અંત લાવવા બંને દેશના રાષ્ટ્રપ્રમુખ સંમત થયા છે અને કોરિયાઈ દ્વીપકલ્પમાં કાયમી અને નક્કર શાંતિની સ્થાપના માટેની ઘોષણા કરવામાં આવી છે.

૨૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય શિખર મંત્રણામાં ઘોષણા કરવામાં આવી હતી કે હવે પછી કોરિયન દ્વીપકલ્પ પર કોઈ યુદ્ધ નહિ થાય અને આ રીતે શાંતિના નવા યુગનો પ્રારંભ થઇ ચુક્યો છે. કોરિયન યુદ્ધનો અંત લાવવાની જાહેરાત ઉપરાંત, ઘોષણામાં તબક્કાવાર લશ્કરી શસ્ત્રોનો ઘટાડો અને સરહદ પર આવેલા ડીમિલિટરાઇઝ્ડ ઝોન (ડીએમએઝેડ) ને શાંતિક્ષેત્ર માં રૂપાંતરિત કરવાનું પણ સામેલ છે. તે સાથે ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણો સ્થગિત કરવા તથા પોતાના પુંગયે-રી પરમાણુ પરીક્ષણ કેન્દ્રને કાયમી રીતે બંધ કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે.

બંને દેશના લશ્કર વચ્ચે સરહદ પર શ્રેણીબદ્ધ સંઘર્ષને વેગ મળતાં, ૨૫ જૂન ૧૯૫૦ ના રોજ ઉત્તર કોરિયાની પીપલ્સ આર્મીના સૈનિકોએ દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું હતું અને આ રીતે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અમેરિકી દળોની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ કોરિયાને મદદ કરી હતી જયારે ચીન અને સોવિયત સંઘ જેવા દેશો ઉત્તર કોરિયાની સહાય માટે આવ્યા હતા. આ યુદ્ધ ૨૭ જુલાઇ ૧૯૫૩ સુધી લડવામાં આવ્યું, જો કે, કોઈ ઔપચારિક શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.

૧૯૫૩ થી લઈને અત્યાર સુધી ઘણીવાર યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પરંતુ શાંતિની સંધિ ક્યારેય અનુસરાતી ન હતી. જેને કારણે બંને દેશો મૂળ રીતે હજુપણ યુદ્ધની સ્થિતિમાં હતા. વર્ષ ૨૦૧૭ દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણોથી દ્વીપકલ્પનો માહોલ અશાંત બન્યો હતો અને બંને દેશ વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જાપાનના ઉત્તરે આવેલા હોક્કાઈડો ટાપુને ઓળંગીને કરવામાં આવતા ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોથી જાપાન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તર કોરિયા પોતાની મિસાઈલની મારક ક્ષમતા વધારવા અને ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલને વિકસાવવા પાછળ જોરશોર થી કાર્ય કરી રહ્યું હતું. પરમાણુ શસ્ત્ર ધરાવતા ઉત્તર કોરિયા માટે આ પ્રકારની મિસાઈલ પોતાનો દબદબો કાયમ રાખવા માટે ખુબજ વ્યૂહાત્મક હથિયાર સમાન બની રહેત. આથી ઉત્તર કોરિયા દૃવારા પરમાણુ પરીક્ષણ સ્થગિત કરવાના તથા લશ્કરી શસ્ત્રો ઘટાડવાના નિર્ણયથી જાપાની સમુદ્રના વિસ્તારમાં આવેલા તમામ દેશો માટે રાહતના સમાચાર છે.

આવનારા સમયમાં બંને દેશ વચ્ચે મૈત્રી વધારવા માટે મંત્રણામાં વિવિધ પગલાંના ભાગરૂપે ઘણા નિર્ણયો લેવાયા છે. એક નિર્ણય મુજબ, બંને દેશ એકબીજાની વિરુદ્ધ દુષ્પ્રચાર બંધ કરશે અને બંને રાષ્ટ્રપ્રમુખ ટેલિફોનથી એકબીજા સાથે જોડાયેલા રહેશે. વર્ષ ૨૦૧૮ ના અંતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈન ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયોંગ ની મુલાકત લેશે. બીજી બાજુ કિમ જોંગ-ઉન ૧૯૫૩ના યુદ્ધ વિરામ બાદ દક્ષિણ કોરિયા ની મુલાકાત લેનારા પ્રથમ ઉત્તર કોરિયાઈ નેતા બન્યા છે.

શિખર મંત્રણા પહેલાનો માહોલ કંઈક જુદોજ હતો. દક્ષિણ કોરિયાની એક રિસર્ચ એજન્સી રિયલમીટર દ્વારા ૨૩ એપ્રિલ ના રોજ કરવામાં આવેલા એક સર્વે અનુસાર મંત્રણા પહેલા ફકત ૧૪.૭% લોકોનું માનવું હતુંકે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયાર નષ્ટ કરશે અને ફકત ૨૭.૪% લોકોજ ઉત્તર કોરિયા પર ભરોસો મુકવા તૈયાર હતા. વિવિધ રાજકીય વિશ્લેષકો એટલે સુધી કહી ચુક્યા હતા કે આ શિખર મંત્રણા પણ બીજી મંત્રણાઓની જેમ નિરર્થક સાબિત થશે. આ અગાઉ બંને દેશ વચ્ચે, વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૭ માં શિખર મંત્રણાઓ થઇ ચુકી છે, જો કે આ મંત્રણાઓ ને દેશ વચ્ચે સંબંધો સુધારવામાં નિષ્ફળ સાબિત થઇ હતી.

કૂકમિન યુનિવર્સીટીના પ્રોફેસર અને કોરિયન રાજનીતિના નિષ્ણાત એવા ડૉ.એન્ડ્રેઇ લેન્કોવ એ ન્યુ યોર્ક ટાઈમ્સને જણાવતા કહ્યું હતું કે "આ શિખર મંત્રણામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો નહીં લેવાય. દક્ષિણ કોરિયન સરકાર માટે આ મંત્રણા એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ છે. તેઓ મોટાભાગના મુદ્દાઓ કે જે ખુબજ અગત્યના છે તે અંગે ચર્ચા કરવાની સ્થિતિમાં નથી. આ મંત્રણા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચે થવા જઈ રહેલી બેઠક માટે માર્ગ તૈયાર કરવા માટેની એક પ્રારંભિક ઘટના માત્ર છે."

પરંતુ બધાની ધારણાઓથી વિપરીત શિખર મંત્રણા ખુબજ સફળ રહી. મંત્રણા બાદ રિયલમીટર દ્વારા કરવામાં આવેલા બીજા સર્વે અનુસાર ૬૪.૭% લોકોએ વિશ્વાશ જતાવ્યો કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર નષ્ટ કરશે. એટલુંજ નહિ પરંતુ, મંત્રણા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું સમર્થન ૭૦% સુધી પહોંચી ગયું. પોતાના રાષ્ટ્રપતિ આવાસ "ચેઓન્ગ વા દાઈ (બ્લ્યુ હાઉસ)"માં સાથીદારો તથા કર્મચારીઓને સંબોધતા કહ્યુકે "મને વિશ્વાસ છે કે કોરિયન દ્વીપકલ્પ પર શાંતિનો એક નવો યુગ આવશે" તથા મંત્રણાની જાહેરાતમાં કરાયેલા કરાર પર ઝડપથી આગળ વધવા માટે તાકીદ કરી.

દક્ષિણ કોરિયાએ લાઉડસ્પીકર બંધ કરાવી દીધા છે, કે જેમાં, ઉત્તર કોરિયાના શાસનની ટીકા, દુષ્પ્રચાર તથા કોરિયન ગીતો વગાડવામાં આવતા હતા. બીજી તરફ ઉત્તર કોરિયાએ ૫ મે ૨૦૧૮ થી પોતાનો સમય દક્ષિણ કોરિયા સાથે મિલાવવા માટે ૩૦ મિનિટ આગળ કરવાની ઘોષણા કરી છે.

૬૮ વર્ષની મડાગાંઠ, દુષ્પ્રચાર અને કાવતરા બાદ બંને દેશની વચ્ચે સંબંધો સુધરવાની આશા કોઈ ભાગ્યેજ રાખી શકે. પરંતુ આપણી સમક્ષ યુરોપિયન યુનિયન જેવા ઉદાહરણ પણ મોજુદ છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપના જે હાલાત હતા તે સમયે યુરોપિયન યુનિયનની કલ્પના પણ કોઈએ ભાગ્યેજ કરી હશે, જે સાબિત કરે છે કે સંબંધો કેટલા પણ ખરાબ થાય પણ સુધારી શકાય છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે શાંતિ સ્થપાય અને બંને દેશ એકબીજા સાથે હળી મળીને રહે એ બાબત બંને તરફના લોકો માટે તો ફાયદા કારક છેજ સાથે-સાથે વિશ્વશાંતિ માટે પણ ખુબજ જરૂરી છે. તથા સતત યુદ્ધના ભયને કારણે સૈન્ય શક્તિ પાછળ કરવામાં આવતા ખર્ચને માળખાકીય સુવિધાઓ, સ્વાસ્થ્ય તથા શિક્ષણ જેવા વિકાસલક્ષી કાર્યોમાં લગાવી શકાય છે જે દેશના અને લોકોના વિકાસ માટે ખુબજ જરૂરી છે.

ઈમેજ સોર્સ: ચેઓન્ગ વા દાઈ (બ્લ્યુ હાઉસ), સિઓલ, દક્ષિણ કોરિયા

Leave a Reply