મોબાઈલ વપરાશકર્તાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહત આપતો હુકમ જારી કરવામાં આવ્યો છે. નવા મોબાઈલ સિમકાર્ડ ખરીદવા તથા સિમકાર્ડ વેરિફિકેશન માટે ફરજિયાત આધારકાર્ડની જરૂરિયાત સમાપ્ત કરી દેવામાં આવી છે.
નવા સિમકાર્ડ ખરીદવા તથા વેરિફિકેશન માટે ફરજિયાતપણે આધારકાર્ડ ન માંગવા તથા ડ્રાઇવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ જેવા બીજા અન્ય દસ્તાવેજો પણ માન્ય રાખવા બાબતે સરકારી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. ટેલિકોમ સચિવ અરુણા સુંદરારાજને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે "મંત્રાલય દ્વારા ટેલિકોમ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે, આધારકાર્ડ ન હોવાના કિસ્સામાં કોઈપણ વ્યક્તિને સિમકાર્ડ આપવાથી ઇન્કાર ન કરવો. વેરિફિકેશન માટે બીજા અન્ય ઓળખપત્રો માંગવા તથા આધાર વગર નવા સિમકાર્ડ આપવાનું ચાલુ રાખવાની તાકીદ કરાઈ છે." વપરાશકર્તાઓ પર ટેલિકોમ કંપનીઓ દ્વારા આધારકાર્ડને સિમકાર્ડ સાથે જોડવા તથા નવા જોડાણ માટે આધાર આપવા માટે ફરજ પાડવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને જારી કરાયેલા આ હુકમથી નાગરિકોને રાહત મળી છે.
આધારકાર્ડની અનિવાર્યતા પર સુપ્રીમ કોર્ટમાં ૫ જજોની સંવિધાન પીઠ દ્વારા સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આધારકાર્ડ ની અનિવાર્યતા પર કહ્યું છે કે જ્યાં સુધી સંવિધાન પીઠનો અંતિમ ચુકાદો ન આવી જાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર નાગરિકો પાસે આધારકાર્ડ અનિવાર્ય પણે ન માંગી શકે. લોકનીતિ ફાઉન્ડેશનની જનહિત યાચિકાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશના તમામ મોબાઇલ નંબરનું વેરિફિકેશન કરવાનો હુકમ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના હુકમને બરાબર સમજ્યા વગર કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને તમામ નવા તથા ચાલુ જોડાણોને આધારકાર્ડ સાથે જોડવાની સૂચના આપી દીધી જેને કારણે ટેલિકોમ કંપનીઓ દ્વારા નાગરિકોને આધારકાર્ડ માટે ફરજ પાડવામાં આવતી હતી અને આધારકાર્ડ ન હોવાની સ્થિતિમાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આધારની અનિવાર્યતાની સુનાવણી દરમિયાન બુધવાર તારીખ ૨૫ એપ્રિલના રોજ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આધારકાર્ડ ને સિમકાર્ડ સાથે જોડવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ હુકમ બહાર પાડવામાં આવ્યો નથી. તથા ઠપકો આપતા કહ્યુકે કેન્દ્ર સરકાર નાગરિકો પાસે મોબાઇલ નંબરને આધાર નંબર સાથે જોડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. વધુમાં સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સિમકાર્ડ માટે આધાર ફરજિયાત નથી.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા માં મળેલ સંવિધાન પીઠે લોકનીતિ ફાઉન્ડેશનની જનહિત યાચિકા પર હુકમ આપતા કહ્યું હતું કે "રાષ્ટ્રની સુરક્ષા માટે મોબઈલ નંબર વપરાશકર્તાનું વેરિફિકેશન જરૂરી છે." વર્ષ ૨૦૧૨ માં કર્ણાટક હાઇકોર્ટના રીટા. જસ્ટિસ કે. એસ. પુટ્ટાસ્વામીએ આધારકાર્ડ વિરુદ્ધ જનહિત યાચિકા દાખલ કરી હતી જેમાં તેમણે આધાર ઉપર નાગરિકના મૂળભૂત અધિકાર છીનવાનો ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭ માં "રાઈટ ટુ પ્રાઇવેસી" નો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આધારકાર્ડની અનિવાર્યતા તથા વર્ષ ૨૦૧૬ માં બનાવાયેલા આધાર એક્ટ પર ૧૭મી જાન્યુઆરી ૨૦૧૮ થી સુનાવણી ચાલી રહી છે.
ઇમેજ સોર્સ: thequint.com