ફિલીસ્તીન અને ઇઝરાઈલનો ઓલિવ ઉદ્યોગ બન્યો આશાનુ એક કિરણ

Uncategorized

ફિલીસ્તીન, ઈઝરાઈલ અને જોર્ડનના આશરે ૯૦ ગામો, ઓલિવના ખેડૂતોને ટેકો આપવા માટે ભેગા થયા છે જે ફિલીસ્તીન અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને નવી દિશા આપી રહ્યા છે.

ફિલીસ્તીન અને ઇઝરાઈલ વચ્ચેનો સંઘર્ષ સહેલાઈથી હલ ન થઇ શકે તેમાનો એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિવાર્તાના ઘણાજ પ્રયાસો થયા છે પરંતુ બંને દેશના રાજનીતિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ ને કારણે કોઈ હલ નીકાળી શકાયો નથી. બીજી તરફ જોર્ડન અને ઇઝરાઇલ વચ્ચેના સંબંધો ઘણા સારા છે, જે પ્રાદેશિક સ્થિરતાને ટેકો પૂરો પાડવામાં ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિલીસ્તીન તથા ઈઝરાઈલના પાડોશી દેશ તરીકે, જોર્ડન આ સંઘર્ષમાં મધ્યસ્થી કરવા તથા શાંતિને પ્રોત્સાહન આપવા માટે ખુબજ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.

પાડોશી દેશો વચ્ચેના સંબંધો ત્યાંની પ્રજાના આપસી સંબંધોથી ખુબજ પ્રભાવિત હોય છે. તેટલે સુધીકે દરેક દેશની સરકારે પોતાના પાડોશી દેશ સાથેની નીતિઓને પોતાની પ્રજાની લાગણીઓને ધ્યાનમાં રાખીને બનાવવી પડતી હોય છે. ફિલીસ્તીનીઓ અને ઇઝરાઇલીઓ વચ્ચે આવા સંબંધો ખુબજ નહિવત છે. એક અહેવાલ અનુસાર, માત્ર ૨૧% ઇઝરાઈલી લોકો ફિલીસ્તીની સાથે સંવાદ ધરાવે છે તથા ફિલીસ્તીની લોકો તરફથી પણ ઇઝરાઇલી લોકો સાથેનો સંપર્ક ઘણો નહિવત છે, જે બંને દેશ વચ્ચેના સંબંધો ન સુધરવા માટેના ઘણા બધા કારણો માનું એક કારણ છે.

પ્રાચીનકાળથી, વ્યાપારિક સંબંધોએ લોકો વચ્ચે ભૌગોલિક, સામાજિક, ધાર્મિક, વગેરે જેવી વિષમતાઓ હોવા છતાં પણ આપસી સંબંધો વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આર્થિક સહયોગ અને વ્યાપારિક સંબંધ, ફિલીસ્તીની તથા ઇઝરાઈલી લોકો વચ્ચે પણ સંબંધો સુધારવાનું કાર્ય કરી શકે છે.

પ્રતિબંધોને લીધે આર્થિક મંદીમાં સપડાયેલા ફિલીસ્તીનનું ગ્રામીણ અર્થતંત્ર મુખ્ય રીતે ખેતી પર આધાર રાખે છે જેમાં ઓલિવની ખેતી મુખ્ય છે. બીજી તરફ ઈઝરાઈલના વિકસિત એવા ઓલિવ ઓઇલ ઉદ્યોગને ઘરેલુ જરૂરિયાતને પુરી પાડવા માટે ઓલિવ ઓઇલની આયાત પર નિર્ભર રહેવું પડે છે. ઓલિવ ઉદ્યોગ બંને દેશની ગ્રામીણ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોઈ બંને તરફના લોકો માટે નવા સંબંધો, સંસ્થાઓ તથા સાહસોને વિકસાવવા હેતુ, સહકાર અને સાર્વજનિક હિતનો માહોલ પેદા કરે છે. જો બંને દેશ વચ્ચે ઓલિવને લઈને કોઈ સમજૂતી થાય તો બંને તરફના લોકોને ફાયદો થાય એમ છે, પરંતુ આપસી સંબંધોને લીધે સરકારી સ્તરે આવો કોઈજ પ્રયાસ નથી.

નિયર ઈસ્ટ ફાઉન્ડેશન નામક એક સંસ્થા આ દિશામાં કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા "ઓલિવ ઓઇલ વિધાઉટ બોર્ડર્સ" નામની એક યોજના શરુ કરવામાં આવી છે. યોજના વર્ષ ૨૦૧૧ માં શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ ફિલીસ્તીની અને ઇઝરાઈલી લોકો વચ્ચે સમાધાનને પ્રોત્સાહન આપવા માટે, ફિલીસ્તીની અને ઇઝરાઈલી ખેડૂતો તથા ઓલિવ ઓઇલ ઉદ્યોગના વ્યાપારીઓ વચ્ચે આર્થિક સહકારને મજબૂત કરવા તથા વ્યાપારિક સંબંધોને વિકસાવવાનો છે. આ યોજના અત્યારે પોતાના ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણનો હેતુ જોર્ડનના લોકોનો અભિપ્રાય લેવો તથા સરહદી વિસ્તારમાં વ્યક્તિગત સંબંધો વિકસાવીને શાંતિની પ્રક્રિયાને વેગ આપવા માટેનું સક્ષમ વાતાવરણ ઉભું કરવાનો છે.

આ યોજના અંતર્ગત ફિલીસ્તીન, ઈઝરાઈલ અને હવે જોર્ડનના મળીને આશરે ૯૦ ગામો સામેલ થઇ ચુક્યા છે, જેમાં ૩૦૦૦ થી વધુ ઓલિવ ઉત્પાદકો, ૨૫ થી વધુ ઓઇલ મિલ માલિકો અને ૫૦ જેટલા ઓલિવ ઉદ્યોગથી સંબંધિત વ્યવસાયોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નવા વ્યવસાયોનો પણ વિકાસ થયો છે. નિયર ઈસ્ટ ફોઉન્ડેશનના સર્વે અનુસાર ઓક્ટોબર ૨૦૧૬ થી સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચે ૨૦ જેટલી નવી ઓઇલ કંપનીઓ ખુલી છે જેમાં ૭ ફિલીસ્તીનની, ૭ જોર્ડનની તથા ૬ ઇઝરાઈલની કંપનીઓનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૩ થી લઈને અત્યાર સુધી રૂ. ૧૭૦ કરોડ થી વધુ ફિલીસ્તીની અર્થતંત્રમાં ઉમેરાઈ ચુક્યા છે.

આ યોજનામાં ત્રણેય દેશોના લોકોએ વ્યાપક રીતે ભાગ લીધો છે જે દર્શાવે છે કે લોકો સહકાર આપવા તથા નવા સંબંધો વિકસાવવા માટે તૈયાર છે. નોંધનીય બાબત એ છે કે ફિલીસ્તીન અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોમાં મીઠાશ ન હોવા છતાં પણ બંને તરફના લોકોએ એકબીજા સાથે આર્થિક સંબંધો વિકસાવ્યા છે, જે બંને દેશ વચ્ચેના સંબંધો માટે નવા દ્વાર ખોલે છે. આમ જો બંને તરફના લોકો વચ્ચે સંબંધો વધતા જશે તો એક દિવસ તેમની વચ્ચેના સંઘર્ષનો પણ અંત આવી જશે.

ઇમેજ સોર્સઃ નિયર ઈસ્ટ ફાઉન્ડેશન

Leave a Reply