કેરળનું આ ગામ ભારતનું પ્રથમ “કાર્બન ન્યુટ્રલ“ ગામ બનવા માટે તૈયાર છે

Uncategorized

જ્યારે આખું વિશ્વ હજુપણ આબોહવામાં થતા પરિવર્તનથી થતી અસરોને રોકવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સખત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે કેરળની એક નાનકડી ગ્રામ પંચાયત ભારતની સર્વપ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામની ઉપાધિ મેળવવાની તૈયારીમાં છે.

કેરળના વાયાનાડ જિલ્લાની મિનાનગડી પંચાયતે ૨૦૨૦ સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ યોજનાને વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે, ગયા વર્ષે ૫મી જૂને, લોકપ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. કેટલીક નવીન અને વ્યૂહાત્મક પદ્ધતિઓ દ્વારા, દેશના સૌથી સશક્ત અભિયાનો પૈકીના એક અભિયાન માટે, પંચાયત અને ગામના તમામ રહેવાસીઓ નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી શક્યા છે.

“કાર્બન ન્યુટ્રલ” અથવા “ઝિરો કાર્બન ફૂટપ્રિન્ટ” એટલે માનવીય પ્રવૃત્તિઓના કારણે વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય તેટલા કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી દૂર કરીને પરિણામે શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવું તે.

પંચાયતના ૯ હજાર ઘરોમાં વીજળી અને ઇંધણના ઘરેલુ વપરાશમાંથી અને વાહનોમાંથી ઉદ્દભવતા કાર્બન ઉત્સર્જનના મૂલ્યાંકન સાથે આ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. ત્યારબાદ જમીનમાં કાર્બનની માત્રા અને ઝાડોમાંથી ઉત્પન્ન થતા કાર્બનનું માપ લેવામાં આવ્યું. તે મુજબ નક્કી કરવામાં આવ્યું કે કયા વિસ્તારોમાં કાર્બનના ઉત્સર્જનને સરભર કરવા માટે વધુ વૃક્ષો વાવવાની જરૂર છે.

પંચાયત દ્વારા કેટલાક અન્ય કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા હતા; ૩૮ એકર જમીન પર વિવિધ વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા. છેલ્લા એક વર્ષમાં વિવિધ નર્સરીઓ દ્વારા મનરેગાના (MNREGA) કાર્યકરોની મદદથી ૩ લાખથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોપાઓને વ્યક્તિગતરીતે ઘરોમાં વહેંચવામાં આવ્યાં હતાં. મનરેગાના કાર્યકરો દરેક ઘરની મુલાકાત લેતા અને ખેડૂતોને આ રોપાઓ ઉગાડવામાં મદદ કરતા અને તેની કેળવણી વિષે તાલીમ આપતા.

Pond
મિનાનગડીમાં આવેલું એક વ્યક્તિગત તળાવ

પંચાયતે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરની નિર્ભરતાને ઘટાડવા માટે સૌરઊર્જાનો પ્રયોગ કરવાનો તથા તમામ ઘરોમાં ઉર્જા કાર્યક્ષમ (એનર્જી એફિશ્યંટ) લાઇટો પૂરી પાડવા માટે એલઇડી (LED) લેમ્પનો એક ઉત્પાદન એકમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. કચરાની વ્યવસ્થા પણ એક અન્ય પાસું છે જેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પંચાયતે કચરાની વ્યવસ્થા માટે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓની નકલ કરી છે. પાણીનો સંગ્રહ કરવા માટે પંચાયતના જુદા જુદા ભાગોમાં લગભગ ૪૫૬ જેટલા વ્યક્તિગત તળાવો પણ ખોદવામાં આવ્યાં છે. શાકભાજીની ખેતીને પણ વાવણી માટે આશરે ૭૦ એકર જમીનની ફાળવણી સાથે મોટું પ્રોત્સાહન મળ્યું છે જેના કારણે મિનાનગડી ગામ શાકભાજીના ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર થઈ ગયું છે. પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ અભિયાને લોકોને પર્યાવરણને અનુકૂળ આવે એવી થેલીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આ વિસ્તારમાં એક વિદ્યુતીય સ્મશાનગૃહની સ્થાપના પણ કરવામાં આવી છે જેના કારણે અંતિમ સંસ્કારો માટે થતા લાકડાંના ઉપયોગનો ઘટાડો થયો છે.

Waste-Management
મિનાનગડીમાં આવેલો બાયોડિગ્રેડેબલ કચરામાથી વાયુજીવી ખાતર બનાવવાનો એકમ

છેલ્લા એક વર્ષમાં, મિનાનગડીના લોકોએ અવિરતપણે કામ કર્યું છે અને આ સ્વપ્નસમી યોજનાને પૂર્ણ કરવા વિવિધ નવીન અને સફળ યોજનાઓ અમલમાં મૂકી છે. તેના અદભુત પ્રયત્નોના કારણે, આ ગ્રામ પંચાયતે સમગ્ર વિશ્વનું ધ્યાન અને સન્માન પ્રાપ્ત કર્યું છે.

This story was originally published in Achhikhabre.com in English.
All translations are the responsibility of Prasannprabhat.com

Image source: IndianExpress.com

Leave a Reply