“વોલ ઓફ કાઈન્ડનેસ”: જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો એક ઉમદા વિચાર

Uncategorized

આ દુનિયામાં ઘણાબધા લોકો એવા છે કે જેમની પાસે ન તો પેટ ભરવા માટે પૂરતું ભોજન છે કે ન તો પહેરવા માટે પૂરતાં કપડા. આવા જરૂરતમંદ લોકો સુધી જૂની થઇ ગયેલી તથા પોતાને બિનઉપયોગી એવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે, આજના આધુનિક યુગના વ્યસ્ત લોકો પાસે સમય પણ નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક નાગરિકોના સહયોગથી “વોલ ઓફ કાઈન્ડનેસ” (ઉદારતા ની દીવાલ) નામક યોજના શરુ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત, જાહેરમાર્ગ પરની દીવાલ પર વિવિધ ઉક્તિઓ લખીને જીવન જરૂરી વસ્તુઓ મુકવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દીવાલ પર કોઈપણ વ્યક્તિ કપડા, પગરખા, પુસ્તકો, ધાબળા તથા બીજી અન્ય કોઈપણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકી શકે છે અને તે વસ્તુઓને કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ તેને વિના સંકોચે ત્યાંથી લઇ શકે છે. આ વિચારને ચંદીગઢ, જયપુર, મૈસૂર, ભોપાલ અને દિલ્હી જેવા ભારતના વિવિધ શહેરોએ પણ અમલમાં મુક્યો છે.

Wall-of-Kindness-Chandigarh
ચંદીગઢમાં આવેલી એક “વોલ ઓફ કાઈન્ડનેસ”

“વોલ ઓફ કાઈન્ડનેસ” ની શરૂઆત સર્વપ્રથમ ઈરાનના મશહદ શહેરમાં એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. એક દીવાલ પર ચિત્રકામ કરીને કેટલાક નકુચા તથા ખીંટીઓ લગાવીને બે વાક્યો લખવામાં આવ્યા: “જે વસ્તુની તમને જરૂર નથી તે અહિયાં છોડી જાઓ. તથા જે વસ્તુની તમને જરૂર છે તે અહીંથી લઇ જાઓ”. લોકો તરફથી આ ઉદ્દેશ્યને બહોળો પ્રતિસાદ મળ્યો અને એક દીવાલના માધ્યમથી જીવનજરૂરી ચીજવસ્તુઓની આપ-લે થવા લાગી. ઝડપભેર ઈરાનના કેટલાક બીજા શહેરોમાં પણ આ પ્રકારની દીવાલો બનવા લાગી. આ વિચારને એટલો પ્રતિસાદ મળ્યો કે ઈરાન સિવાય બીજા દેશોમાં પણ અપનાવવામાં આવ્યો.

Wall-Of-Kindness---Iran
ઇરાનના મશહદમાં આવેલી એક “વોલ ઓફ કાઈન્ડનેસ”

ઈરાનમાં “વોલ ઓફ કાઈન્ડનેસ” એવા સમયે અસ્તિત્વમાં આવી હતી કે જયારે પરમાણુ હથિયાર વિકસાવવાના આરોપ હેઠળ પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે સમયે ઈરાન ભયંકર મંદીમાં સપડાયેલું હતું અને દેશમાં લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા. દેશમાં ઘણા લોકો એવા હતા જેમની પાસે કડકડતી ઠંડીમાં પોતાના શરીરનું રક્ષણ કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં કપડા ન હતા. વળી ઘણા લોકો એવા પણ હતા કે જેમણે પોતાના આખા જીવનમાં કોઈની સામે હાથ પણ ફેલાવ્યો ન હતો. એવા કપરા સમયમાં “વોલ ઓફ કાઈન્ડનેસ” એકબીજાની મદદ કરવા માટેના સંગમસ્થાન સમાન સાબિત થઇ હતી.

આમ જોવા જોઈએ તો “વોલ ઓફ કાઈન્ડનેસ” એક સામાન્ય વિચાર જ છે પરંતુ ઘણીવાર આવા સામાન્ય વિચાર પણ દુનિયામાં પોતાની મોટી છાપ છોડી જતા હોય છે.

ઈમેજ સોર્સ: indianexpress.com અને officechai.com

Leave a Reply