નનાવું: પ્રકૃતિપ્રેમી દંપતીનું એક અનોખું ઘર

Uncategorized

વધતા જતા ઔદ્યોગીકરણ અને વાહનોના પ્રદુષણને લીધે તથા ઘટતા જતા વૃક્ષોને લીધે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઇ રહ્યો છે. જે પ્રકૃતિ માટે ખુબજ હાનિકારક છે. આવા સમયે કેરળના કન્નુર જીલ્લાના એક દંપતી, હરી અને આશા, એક નવા પ્રયોગથી પ્રકૃતિને મદદ કરી રહ્યા છે. તેમનું ફક્ત એકજ સ્વપ્ન હતું કે પ્રકૃતિ સાથે રહીને આધુનિક જીવન પસાર કરવું.

હરિ કન્નુરના સ્થાનિક જળ વિભાગના કર્મચારી છે જ્યારે આશા, ખેડૂતોને કુદરતી રીતે ખેતી કરવા માટે પ્રોત્સાહન આપતી એક સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ બંને પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિ સાથેના લગાવને કારણેજ હરી અને આશા એકબીજાની નજીક આવ્યા અને ૨૦૦૭ માં તેમણે લગ્ન કર્યા.

જયારે આ દંપતીએ પોતાનું ઘર બનાવવાનું વિચાર્યું ત્યારે તેમણે મનોમન નક્કી કર્યું કે તેમનું ઘર ઉર્જાક્ષમ તથા પ્રકૃતિની નજીક હશે. તેમનું માનવું છે કે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ દ્વારા, લોકો પ્રકૃતિને નુકસાન પોહચાડે છે જયારે પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી બનાવવામાં આવતું ઘર ઉત્તમ છે. તેમનું આ સ્વપ્ન તેમના એક મિત્રની મદદથી સાકાર થયું અને ૯૬૦ ચો.ફૂટમાં માટીનું એક ઘર બનાવવામાં આવ્યું. આ ઘર કેરળના આદિવાસી સમુદાયથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું કે જે પોતાના ઘર બનાવવા માટીનો ઉપયોગ કરે છે. આ ઘરનું નામ “નનાવું” (એકતાનું ઘર) રાખવામાં આવ્યું. આમ તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે તેમની જીવનશૈલીમાં દેખાઈ આવે છે.

વીજળીની ઓછી જરૂરિયાત

આ ઘરમાં વીજળીનો વપરાશ ઘણો ઓછો છે. ઘરની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે દિવસે સૂર્યપ્રકાશ દરેક બાજુ સમાન રીતે પહોંચે. તે સિવાય સૌરઊર્જાનો ઉપયોગ કરીને ઘરના વિવિધ ઉપકરણો જેવાકે ટીવી, મિક્સર તથા કમ્પ્યુટર માટે જરૂરી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. બહારનું તાપમાન ઊંચું રહેવા છતાં નનાવુંને કોઈ પંખા કે વાતાનુકુલનની જરૂર પડતી નથી. સામાન્ય ઘરમાં જ્યાં વીજળીનો વપરાશ ૫૦ યુનિટથી વધારે હોય છે ત્યાં આ દંપતી મહિનામાં ફક્ત ૪ યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે.

કુદરતી ફ્રીઝ

આ ઘરમાં એક કુદરતી ફ્રીજ પણ બનાવવામાં આવ્યું છે જેમાં એક ઘડાને ખાડામાં મૂકી તેની આજુબાજુ રેતી પાથરવામાં આવી છે. વધેલું પાણી ઘડાની આજુબાજુ નાખવામાં આવે છે જેથી તેની અંદરનું તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. આમ આ ફ્રીજમાં મુકવામાં આવેલો ખોરાક અઠવાડિયા સુધી ખરાબ થતો નથી.

રાંધણગેસ અને જૈવિક ખેતી

આ ઘરમાં એક બાયોગેસ પ્લાન્ટ પણ છે. જેમાં વધેલો ખોરાક તથા ઘરના કચરાથી રાંધણગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. ગેસ ઉત્પાદન પછી જે કંઈ વધે છે, તેનો ઉપયોગ ખાતર તરીકે ફળો અને શાકભાજીની જૈવિક ખેતીમાં થાય છે.

આ ઘરની આજુબાજુના ૩૪ એકર વિસ્તારમાં તેમણે જંગલ જેવો માહોલ ઉભો કર્યો છે જેથી મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓને આકર્ષી શકાય. શહેરી ઘોંઘાટથી દુર તેમણે પોતાની માટે એવા પ્રાકૃતિક વાતાવરણનું સર્જન કર્યું છે જે તેમના સ્વાસ્થ્યને ખુબજ ફાયદો પહોંચાડી રહ્યું છે. પૌષ્ટિક ખોરાક અને કુદરતી જીવનશૈલીને કારણે, આ દંપતીને કોઈ ગંભીર બીમારી નથી થઇ તથા છેલ્લા ૧૭ વર્ષથી કોઈ દવાની જરૂર પડી નથી.

Leave a Reply