રમઝાનના પવિત્ર મહિનામાં કોઈ ઓપરેશન હાથ ન ધરવા સેનાને કેન્દ્રનો આદેશ

Uncategorized

કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને એક અગત્યનો આદેશ જારી કરાયો છે. પોતાના આદેશમાં સરકારે સેનાને રમઝાન મહિનામાં કોઈ ઓપેરશન હાથ ન ધરવા જણાવ્યું છે. તથા શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન મહિનો ઉજવાય તે માટે મદદરૂપ થવા લોકોને અનુરોધ કર્યો છે.

ગૃહમંત્રાલય દ્વારા આજે ટ્વિટર પર જણાવવામાં આવ્યું કે "કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને જમ્મુ અને કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કોઈ જ ઓપરેશન હાથ ન ધરવાનું જણાવ્યું છે. આ નિર્ણય શાંતિપ્રિય મુસલમાનો રમઝાન મહિનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પાળી શકે તે માટે લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા કેન્દ્રના આ નિર્ણયની જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી છે."

પરંતુ સાવચેતીના ભાગરૂપે, મંત્રાલયે સાથે સાથે તે પણ જણાવ્યું કે, "કોઈ હુમલો થાય અથવા નિર્દોષ નાગરિકોના જીવના રક્ષણ માટે, જવાબી કાર્યવાહી હાથ ધરવા સેનાને અધિકાર રહેશે. સરકાર આ પહેલમાં દરેકના સહકારની આશા રાખે છે અને મુસ્લિમ ભાઈઓ તથા બહેનો રમઝાન મહિનો શાંતિપૂર્વક અને કોઈ અડચણ વગર પાળી શકે તે માટે મદદરૂપ થવા અનુરોધ કરે છે."

વધુમાં મંત્રાલયે જણાવ્યું કે, "ઇસ્લામને હિંસા અને આતંક દ્વારા બદનામ કરનારા પરિબળોને અલગ તારવવા અત્યંત જરૂરી છે."

કેન્દ્ર સરકારના આ નિર્ણયને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આવકર્યો હતો અને સરકારનો આભાર માન્યો હતો.

૯ મે ના રોજ મહેબૂબા મુફ્તીએ સરકાર સમક્ષ રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન સીઝફાયરની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ પ્રકારનું સીઝફાયર અટલ બીહારી બાજપેયીની સરકાર દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું.

ઇમેજ સોર્સ: dnaindia.com

Leave a Reply