આહાર એજ ઔષધ

સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા દર્દીઓને જીવનભર નિયમિતપણે દવાઓ લેતા રહેવું પડે છે જે લાંબાગાળે શરીરમાં બીજી આડ અસરો પણ ઉભી કરે છે, જેને કારણે બીજી બીમારીઓ પણ ઉદ્ભવે છે. શું દવા સિવાય આવી બીમારીઓનો બીજો કોઈ ઈલાજ નથી?

વિશ્વભરની સંસ્કૃતિઓએ રોગોના ઉપચાર તથા તેમની અટકાયત માટે યોગ્ય આહારના ઉમદા પુરાવા રજુ કર્યા છે. સદીઓથી આહારના તબીબી ફાયદાઓ પર સંશોધન થતું આવ્યું છે. આધુનિક યુગમાં, આહારનું વિશ્લેષણ હમણાં સુધી તેમાં રહેલા પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોહાઇડ્રેટ્સ તથા વિવિધ ખનીજ તત્વોને આધારે થતું આવ્યું છે. પરંતુ પાછલા એકાદ-બે દશકથી વૈજ્ઞાનિકોનો અભિગમ બદલાયો છે. હવે આહારના વિશ્લેષણમાં તેમાં રહેલા એન્ટિઓક્સીડન્ટ્સ, પ્રોબાયોટીક્સ તથા ફાઈટોકેમીકલ્સ જેવા વિવિધ રાસાયણિક ઘટકોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.

એન્ટિઓક્સિડન્ટ્સ એવા પરમાણુઓ હોય છે જે કોશિકાઓને નુકસાન પહોચાડતી રાસાયણિક પ્રક્રિયાઓને ધીમી કરી દે છે. પ્રોબાયોટીક્સ એટલે સારા બેક્ટેરિયા કે જે શરીરના પાચનતંત્ર માટે ખુબજ મદદરૂપ હોય છે. ફાઈટોકેમીકલ્સ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો છે જે શરીરમાં રહેલા રોગાણુઓને નષ્ટ કરે છે તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આમ આ પ્રકારના રાસાયણિક ઘટકો શરીર માટે દવાનું કામ કરે છે.

અમેરિકાના કેલીફોર્નિયામાં "આહાર એજ ઔષધ" સૂત્રને સાર્થક કરતી એક પરિયોજના શરુ કરવામાં આવી છે. જેમાં લાંબાગાળાની બીમારીના દર્દીઓને ચિકિત્સકની સલાહ અનુસાર તૈયાર કરેલ આહાર આપવામાં આવશે. આ પરિયોજનામાં, આવતા ત્રણ વર્ષ સુધી આર્થિક રીતે નબળા એવા એક હજાર જેટલા ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને ચિકિત્સકની સલાહ અનુસાર તૈયાર કરેલ આહાર આપવામાં આવશે. સંશોધકો દ્વારા, આ પ્રકારનો આહાર મેળવતા તથા ન મેળવતા દર્દીઓ વચ્ચે આરોગ્ય તથા આરોગ્ય ખર્ચ પર સંશોધન કરવામાં આવશે.

તે પહેલા અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં આ પ્રકારની પરિયોજના વર્ષ ૨૦૧૦માં શરુ કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ કરતાં વર્ષ ૨૦૧૩માં પ્રકાશિત “જર્નલ ઓફ પ્રાઇમરી કેર એન્ડ કોમ્યુનીટી હેલ્થ” અનુસાર ૬૫ વિવિધ લાંબાગાળાની બીમારીના દર્દીઓને દિવસમાં ત્રણ વાર ચિકિત્સકની સલાહ અનુસાર તૈયાર કરેલ આહાર આપવામાં આવ્યો. જેમાં આવા દર્દીઓના ચિકિત્સીય ખર્ચમાં ૫૫% સુધીનો ઘટાડો જોવા મળ્યો તદુપરાંત તેમના હોસ્પિટલમાં દાખલ રહેવાના સમયગાળામાં પણ ઘટાડો થયો. આ પ્રકારનો આહાર દર્દીની બીમારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો જેમકે ડાયાબિટીસ માટે ઓછું કાર્બોહાઈડ્રેટ અને હૃદયરોગી માટે ઓછુ સોડિયમ. બધાજ પ્રકારનો આહાર તાજા ફળો, શાકભાજી, કઠોળ અને વધુ માત્રામાં પ્રોટીનથી બનાવામાં આવેલો.

યોગ્ય આહારના ઉપયોગથી લાંબાગાળાની બીમારીઓ પર નિયંત્રણ મેળવી શકાય છે. ડાયાબિટીસ, હૃદયરોગની બીમારીઓ જેવી કે બ્લડપ્રેશર તથા કૉલેસ્ટેરોલ, પાચનતંત્રની બીમારીઓ તથા સ્થૂળતા જેવી વિવિધ બીમારીઓમાં યોગ્ય આહાર ખુબજ મદદરૂપ સાબિત થાય છે.

ઇમેજ સોર્સ: selkrig.com

Leave a Reply