ઇથોપિયા: કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતો આફ્રિકાનો પ્રથમ દેશ

Uncategorized

આફ્રિકાના ઘણા દેશોમાં વેસ્ટ મેનેજમેંટ (કચરાનો નિકાલ) એક સૌથી મોટો પડકાર છે. કચરાના નિકાલનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નિષ્ફળ જવાથી ઘણી વખત આ દેશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે છે તથા મોટાપાયે જાનહાની પણ થતી હોય છે. ગયા વર્ષે ઇથોપિયાની રાજધાની એડીસ અબાબામાં પાણીથી થતા ઝાડાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઠેર ઠેર ભરાઈ રહેલા પાણીમાં નાગરિકો દ્વારા ફેંકવામાં આવતા કચરાને લીધે આ રોગચાળો ફાટી નીકળ્યો હતો. કચરાના અયોગ્ય નિકાલથી, રોગચાળા સિવાય પણ બીજી ઘણીબધી મુસીબતો ઉભી થાય છે.

એડીસ અબાબામાં કચરાનો નિકાલ શહેરની બહાર આવેલા કોશે નામક વિસ્તારમાં અસ્થાયીરૂપે તૈયાર કરાયેલી ફૂટબોલના ૩૬ મેદાનો જેટલી મોટી જગ્યામાં કરવામાં આવતો હતો. તે કચરાને લીધે તેની નજીક આવેલી નદીઓ પણ પ્રદુષિત થઇ રહી હતી. તથા આજુબાજુના વિસ્તારોમાં મિથેન જેવા ગ્રીન હાઉસ ગૅસનું પ્રમાણ પણ ભયજનક સ્તરે પહોંચી જવાથી ત્યાનું વાતાવરણ ખુબ જ પ્રદુષિત બન્યું હતું. જેની માઠી અસરો લોકોના સ્વાસ્થ્ય પર દેખાવા લાગી હતી. વર્ષ ૨૦૧૭માં આ જગ્યાએ ભૂસ્ખલનને લીધે ૧૧૪ લોકો મૃત્યું પામ્યા હતા. આમ કચરાના નિકાલની આ જગ્યા સ્થાનિકો માટે જોખમકારક બની ગઈ હતી.

હાદસાની ગંભીરતાને સમજી કચરાના યોગ્ય નિકાલ માટે, ઇથોપિયાની સરકાર રેપ્પી વેસ્ટ મેનેજમેંટ પ્લાન્ટની સ્થાપના કરી રહી છે, જેથી કચરાનો કાયમી નિકાલ થઇ શકે તથા શહેરમાં વીજળીની વધતી જતી માંગ ને પણ પહોંચી વળાય. આ પ્લાન્ટ કચરો ઠાલવવાની જગ્યાની પાસેજ બનાવવામાં આવ્યો છે જેથી કચરાનું પરિવહન આસાન બની રહે.

આ પ્લાન્ટમાં કચરાને બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. કચરાને બાળવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને પાણીમાંથી વરાળ બનાવવામાં આવશે. આ વરાળ દ્વારા ૨૫ મેગાવોટના બે સ્ટીમ ટર્બાઇન ચલાવીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા દ્રવ્યોનો નિકાલ કરતાં પહેલા તેમનું યૂરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે શુધ્ધિકરણ કરવામાં આવશે જે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટે મહત્વનો મુદ્દો છે.

આ પ્લાન્ટ શહેરના ૮૦% એટલેકે ૧૪૦૦ ટન કચરા પર દૈનિક પ્રક્રિયા કરી વાર્ષિક ૧૮૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જેનાથી શહેરના લગભગ ૨૫-૩૦% ઘરોમાં વીજળી પૂરી પાડી શકાશે. તદુપરાંત, કચરાના બળતણને અંતે બાકી રહેતી રાખમાંથી વર્ષે અંદાજિત ૩૦ લાખ ઈંટો બનાવી શકાશે. ભીના કચરામાંથી આશરે ૩ કરોડ લિટર પાણી પ્રાપ્ત કરી શકાશે. આ પ્લાન્ટ ધ્વારા વાતાવરણમાં ભળતા ૧૨ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડને અટકાવવામાં આવશે. આ પ્લાન્ટમાં રોજગારીની પણ અનેક તકો ઉભી થશે.

આ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા સાથે સાથે ધાતુઓને રીસાઇકલ પણ કરવામાં આવશે. વધુમાં, તે ૨૨૦ ઘન મિટર દૂષિત પ્રવાહીને પણ શુધ્ધ કરશે, જે આ પ્લાન્ટની ગેરહાજરીમાં પર્યાવરણમાં છોડી દેવામાં આવ્યું હોત. આ પ્લાન્ટના દ્વારા ઇથોપિયાએ આફ્રિકાના બીજા દેશો માટે કચરાના કાયમી અને યોગ્ય નિકાલ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઇમેજ સોર્સ: ગવર્મેન્ટ ઓફ ઇથોપિયા

Leave a Reply