૭ કરોડ ૩૦ લાખ વૃક્ષો દ્વારા થઇ રહેલું ઇતિહાસનું સૌથી મોટું પુનઃવનીકરણ

Uncategorized

બ્રાઝીલના એમેઝોન જંગલમાં ૭ કરોડ ૩૦ લાખ વૃક્ષોના પુનઃવનીકરણના એક પ્રોજેક્ટનુ આયોજન કરવામાં આવી રહયું છે. જે ઇતિહાસનો સૌથી મોટો પુનઃવનીકરણનો પ્રોજેક્ટ છે.

એક અમેરિકન બિનનફાકારક પર્યાવરણીય સંગઠન, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ (સી.આઈ.), ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પુનઃવનીકરણની સૌથી મોટી યોજના દ્વારા ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સંગઠન બ્રાઝીલના એમઝોન જંગલમાં ૨૦૨૩ સુધીમાં ૭ કરોડ ૩૦ લાખ જેટલા વૃક્ષો પુનઃસ્થાપિત કરવાનું આયોજન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં આશરે ૭૪,૦૦૦ એકર જેટલા વિસ્તારમાં પુનઃવનીકરણ કરવામાં આવશે તે સાથે આ પ્રોજેક્ટ વિશ્વમાં પુનઃવનીકરણનો સૌથી મોટો પ્રોજેક્ટ કહેવાશે.

છેલ્લા ૪૦ વર્ષમાં અમેઝોન જંગલના અંદાજે ૨૦% જેટલા વૃક્ષોનો નાશ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગામી કેટલાક દાયકાઓમાં વરસાદમાં ૨૦% જેટલો ઘટાડો થવાની શક્યતા છે જેની પર્યાવરણ પર વિપરીત અસરો થશે, જે એક ચિંતાદાયક મુદ્દો છે.

આ પ્રોજેક્ટમાં અન્ય સંસ્થાઓ જેમકે, બ્રાઝીલનું પર્યાવરણ મંત્રાલય, ગ્લોબલ એન્વાયરોનમેન્ટ ફેસિલિટી (જી.ઇ.એફ.), એમેઝોનીયા લાઇવ, બ્રાઝીલીયન બાયોડાયવર્સિટી ફંડ(ફનબાયો), રોક ઇન રિઓની પર્યાવરણીય શાખા અને વિશ્વ બેંક પણ જોડાયેલી છે

કન્ઝર્વેશન ઇન્ટરનેશનલના સી.ઈ.ઓ. એમ સંજયન કહે છે કે, “આ એક અદભુત અને સાહસથી ભરપૂર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ એમેઝોન જંગલ તથા તેમાં રહેતા અઢી કરોડ રહેવાસીઓ, અસંખ્ય પ્રજાતિઓ અને પૃથ્વીના વાતાવરણ માટે ખુબજ ફાયદાકારક પુરવાર થશે.”

પુનઃવનીકરણ માટે “મુવુકા” પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. આ પધ્ધતિમાં ૨૦૦ જેટલા અલગ અલગ સ્થાનિક વનવૃક્ષો વાવવામાં આવશે જેના બીજ શીન્ગું સીડ નેટવર્ક ધ્વારા પુરા પાડવામાં આવશે. પરંપરાગત પદ્ધતિઓમાં જ્યાં ૧ હેક્ટરમાં ૧૬૦ જેટલા વૃક્ષો સમાય છે ત્યાં મુવુકા પધ્ધતિથી ૧ હેક્ટરમાં શરૂઆતમાં જ ૨૫૦૦ જેટલા વૃક્ષોનો સમાવેશ થશે જે આવતા દસ વર્ષમાં ૫૦૦૦ જેટલા થઇ જશે. આમ આ જંગલ પરંપરાગત પદ્ધતિઓ કરતા વધુ વૈવિધ્યપૂર્ણ, ગાઢ અને ઓછું ખર્ચાળ સાબિત થશે.

એમેઝોનનું જંગલ પૃથ્વી પરનું સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતું જંગલ છે, જેમકે તાજેતર ના એક રીપોર્ટ અનુસાર આ જંગલમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૫ સુધીમાં જ ૪૦૦ જેટલી નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો ની તથા પ્રજાતિઓ ની સુરક્ષાની ચિંતા કાર્ય વગર લોકોએ કુદરતી ભંડારો, ખનીજો તથા કૃષિ વ્યવસાય માટે ૨૦% જંગલ નો નાશ કરી દીધો છે. આ કારણે જંગલમાંથી ઘણીબધી પ્રજાતિઓ હવે ઝડપથી અદ્રશ્ય થઇ રહી છે. આ પુનઃવનીકરણ દક્ષીણ એમેઝોનાસ, રોન્ડોનિયા, એકરે, પારા અને શીન્ગું વોટરશેડ જેવા અત્યંત આવશ્યક વિસ્તારોમાં કરવામાં આવશે.

Image Source: Conservation International

Leave a Reply