ઉત્તર કોરિયાએ દેશની એકમાત્ર ન્યૂક્લિયર સાઇટ જમીનદોસ્ત કરી દીધી.

Uncategorized

અમેરિકા સાથે આગામી સમયમાં ન્યૂક્લિયર ડીલ કરવા જઈ રહેલ ઉત્તર કોરિયાએ એની ઉત્તરી પર્વતીય વિસ્તારમાં આવેલ પુંગેય-રી ન્યૂક્લિયર સાઈટ કે જ્યાં હાઇડ્રોજન બોમ્બ સહિત દેશના અત્યાર સુધીના બધા ન્યૂક્લિયર ટેસ્ટ થયા હતા, તેને વિદેશી મીડિયાની હાજરીમાં જમીનદોસ્ત કરી દીધી છે. લગભગ ત્રિસેક જેટલા વિદેશી પત્રકારોને આ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એટલા માટે પણ મહત્વનું છે કે થોડાં દિવસો પહેલા અમેરિકાએ ઈરાન સાથે કરેલ ન્યૂક્લિયર ડીલ અમાન્ય કરતા જ ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે ન્યૂક્લિયર ડીલ ન કરવાની ધમકી આપી હતી. આમ ન્યૂક્લિયર સાઇટ જમીનદોસ્ત કરવાના આ કાર્યને ઘણા લોકો બિરદાવી રહ્યા છે તો કેટલાક વિશ્લેષકો આને પ્રતિકાત્મક રાજકીય ખેલ કહીને તેના પર પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરિયા દ્વીપકલ્પ અત્યારે ઐતિહાસિક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અગાઉ આ વર્ષના એપ્રિલ મહિનામાં ઉત્તર અને દક્ષિણ કોરિયાના લીડર એકબીજાને મળ્યા હતા અને વર્ષો જુના શીત યુધ્ધનો અંત આણીને રાજનૈતિક સફળતા મેળવી હતી. આ સમયને વિશ્વશાંતિ માટે મહત્વનો માનવમાં આવે છે.

ઉત્તર કોરિયાના લીડરની આવતા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થવાની હતી અને આ મુલાકાત દરમિયાન અમેરિકા સાથે બહુચર્ચિત એવી ન્યૂક્લિયર ડીલ વિષે પણ ચર્ચા થવાની સંભાવના હતી પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ ઉન સાથેની હાઇ પ્રોફાઇલ મીટિંગ રદ કરી દીધી છે. આ બેઠક ૧૨ જૂને સિંગાપોરમાં યોજાવાની હતી.

હવે અમેરીકા સાથે ડીલ થાય છે કે નહીં એતો સમય જ બતાવશે પણ અત્યારે ઉત્તર કોરિયાના આ પગલાંને બધી જગ્યાએથી બિરદાવવામાં આવી રહ્યો છે.

એ નોંધવું જરૂરી છે કે ૨૦૦૮માં પણ ઉત્તર કોરિયાએ પોતાના ન્યૂક્લિયર કુલિંગ પ્લાન્ટને આજ રીતે વિદેશી પત્રકારોની હાજરીમાં તોડી દીધા હતા પણ અમેરિકા સાથે મંત્રણાઓનો યોગ્ય ઉકેલ ન આવતા તેમણે ફરીથી બીજો કુલિંગ પ્લાન્ટ બનાવી દીધો હતો. તો હવે અમેરિકા સાથેની ડીલ પર આખી દુનિયાની નજર મંડાયેલી રહેશે.

****

વધુમાં વાંચો: ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની ૬૮ વર્ષની દુશ્મનાવટનો સુખદ અંત

Leave a Reply