શા માટે શાંતિનિર્માણના અહેવાલ સમાચારોમાં ઓછા હોય છે?

Uncategorized

આંતરરાષ્ટ્રીય સમાચારોમાં મોટેભાગે હિંસાને લગતા સમાચાર જોવા મળતા હોય છે, પરંતુ શાંતિનિર્માણના સમાચાર ભાગ્યેજ હોય છે. આવું શા માટે હોય છે તે જાણવા માટે “વૉર સ્ટોરીઝ પીસ સ્ટોરીઝ” નામક એક સંસ્થાએ તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા અને શાંતિનિર્માણ ક્ષેત્રમાં કાર્યરત એવા અગ્રણીઓને ભેગા કરવામાં આવ્યા હતા.

સ્પેક્ટ્રમ મીડિયાના જમીલ સાઇમન, કે જેઓ આ સંમેલનના આયોજક હતા, તેમણે જણાવ્યું કે, “શાંતિનિર્માણના સમાચારોથી લોકો બિલકુલ અજાણ છે, અને વાસ્તવિક રીતે તે એક સમસ્યા છે, કારણ કે જો લોકોને શાંતિનિર્માણથી લગતા સમાચાર બતાવવામાં જ આવતા ન હોય, તો આપણે કઈ રીતે તેમને શાંતિસ્થાપના માટેની હિમાયત કરી શકીએ?”

“લોકોને શાંતિ વિશેની કેવળ એવી જ પ્રવૃત્તિઓ જોવા મળતી હોય છે કે જેમાં બે લોકો વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થતા હોય. પરંતુ તેઓ કઈ રીતે તે કરાર સુધી પહોંચ્યા, અથવા તો કરાર બાદ શું થયું તેના વિશે સમાચારોમાં ખુબ જ ઓછા અહેવાલ અપાય છે.”

પત્રકાર મેરીયાના પલાઉના કહેવા અનુસાર સંસાધનોની કમી પણ એક સમસ્યા છે. તેઓ કહે છે કે, “વિશ્વમાં ઘણા સંપાદકો આ પ્રકારના સમાચારોમાં રસ ધરાવે છે પરંતુ તેમની પાસે એટલા નાણાંની વ્યવસ્થા હોતી નથી કે અમને એવી જગ્યાઓ પર મોકલે કે જ્યાંથી ખુબજ અર્થપૂર્ણ સમાચાર મેળવી શકાય.”

પુલિત્ઝર સેન્ટર ઓન ક્રાઈસીસ રિપોર્ટિંગના જૉન સોયરે આ વાતથી સંમત થતા કહ્યું કે, “લોકોને યુદ્ધથી લગતા મહત્વના અહેવાલો આપવા માટે, ફકત તે વિસ્તારમાં રહી મૃત્યુની ગણતરી કરવા કરતાં સંઘર્ષના કારણો તથા તેના સંભવિત ઉકેલો જાણવા માટે મોટા ભંડોળની જરૂર પડતી હોય છે.”

આવા સમાચારોને રસપ્રદ બનાવવા એ પણ એક પડકારરૂપ છે. “શાંતિનિર્માણના સમાચારોની એક મર્યાદા એ પણ છે કે તે અત્યંત શાંત હોય છે,” સાઇમન કહે છે કે, “સમાચારમાં જો કોઈ હિંસા ન હોય તો પરંપરાગત સમાચાર માધ્યમો તે સમાચારને બતાવતા નથી.”

નિષ્ણાંતો ઘર્ષણને દુર કરવા માટે જે તે વિસ્તારના શાંતિસ્થાપકો સાથે વાત કરવાની સલાહ આપે છે. સોયર જણાવે છે કે, “મને લાગે છે કે મ્યાનમારથી માંડીને ગાઝા સુધી તથા દક્ષિણ સુદાન અને કોન્ગોથી માંડીને મિડલ ઇસ્ટના વિવિધ દેશોમાં ચાલી રહેલા ઘર્ષણમાં, ત્યાં રહેતા લોકોના અવાજને સમાચારોમાં લાવવાથી સફળતા મળી શકે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આવા વિસ્તારમાં રહેતા લોકો પર થતી માઠી અસરોને સમાચારમાં આવરી લેવી જોઈએ. સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં રહેતા બાળકો, માતાઓ, પિતાઓ, વૃદ્ધો તથા કુટુંબો પર ઘણી માઠી અસર થાય છે ના કે ત્યાંના નીતિ-ઘડવૈયાઓ તથા સંચાલકો પર.”

સાઈમાને જણાવ્યું કે, “હું પત્રકારોને અનુરોધ કરું છું કે તેઓ શાંતિસ્થાપક સંગઠનો સુધી પહોંચવાની કોશિશ કરે કે જેઓ સંઘર્ષને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે તેઓ વિશ્વના એવા નિઃશસ્ત્ર શૂરવીરો છે કે જેઓ હિંસા રોકવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છે.”

This story, by Safiya Songhai, was originally published in Peace News Network in English. All translations are the responsibility of Prasannprabhat.com

Image source: NATO

Leave a Reply