માલીનો એક હીરો

Uncategorized

પેરિસમાં મામૌડોઉ ગાસામા નામના માલીના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટનો વિડિઓ વાયરલ થયો હતો, જેમાં તે એક ૪ વર્ષના બાળકને બચાવતો નજરે પડ્યો હતો. બાળક તેના એપાર્ટમેન્ટની બાલ્કનીથી લટકી રહ્યું હતું જેને બચાવવા માટે આ વ્યક્તિ પોતાના જીવની પરવાહ કર્યા વિના તે બિલ્ડીંગના ઘણાંબધા માળ ઝડપથી ચડી ગયો. તેના આ સાહસિક કાર્યને લીધે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. તેના આ પરાક્રમને લીધે વિવિધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા રાજકીય નેતાઓ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. અને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં તે “સ્પાઇડરમેન ઓફ પોરિસ” તરીકે લોકપ્રિય બની ગયો.

આ ઘટનાના સમયે, બાળકના પિતા કરિયાણું ખરીદવા ગયા હતા. ત્યારબાદ તે મોબાઈલમાં “પોકેમોન ગો” નામની રમત રમવા લાગ્યા હતા. ફ્રાન્સના વકીલ ફ્રેન્કોઇસ મોલીન્સે એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, “દુકાનથી પાછા ફરતા સમયે મોબાઈલમાં પોકેમોન ગો નામની રમત રમવામાં વ્યસ્ત થઈ ગયા હોવાથી બાળકના પિતાને ઘરે પાછા ફરતા લાંબો સમય લાગી ગયો હતો.” તે જ સમયે, મામૌડોઉ ગાસામા તે એપાર્ટમેન્ટની નજીકની રેસ્ટોરન્ટમાં ટેલિવિઝન પર ફુટ્બૉલની મેચ જોવા જઈ રહ્યો હતો. તેણે બાળકને મુશ્કેલીમાં જોયું અને તેનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાંં મુક્યો. કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડિઓ લીધો હતો, જે સ્વાભાવિક રીતે પ્રચલિત થતા, તે સોશિયલ મીડિયા પર હીરો બની ગયો હતો.


ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૅન્યુએલ મૅક્રોને તેની સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી હતી અને તેને “બ્રેવરી એન્ડ ડીવોશન” નામક મેડલ અર્પણ કર્યું હતું. તે સાથે તેને ફ્રાંસની નાગરિકતા તથા ત્યાના ફાયર ડિપાર્ટમેન્ટમાં નોકરી પણ એનાયત કરી હતી. આ ઘટના દરમિયાન તેના અનુભવ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, “ત્યાં લોકો બુમો પાડતા હતા અને હોર્ન વગાડી રહ્યા હતા. આ સમયે કશું વિચાર્યા વગર જ હું આ બાળકને બચાવવા માટે સીધો રસ્તાને પાર કરી દોડી ગયો હતો. ભગવાનનો આભાર માનું છું કે હું તેને બચાવી શક્યો.”પેરિસના મેયર એન્ન હિડાલ્ગોએ ટ્વીટ કર્યું હતું કે, “તેણે મને જણાવ્યું કે થોડા મહિના પહેલાં તે માલીથી પોતાનું ભવિષ્ય બનાવવા માટે ફ્રાંસમાં આવ્યો હતો. મેં તેને કહ્યું કે તેનું આ પરાક્રમ બધા નાગરિકો માટે એક ઉદાહરણરૂપ છે, અને તેઓ તેને ફ્રાંસમાં સ્થાયી થવા માટે ચોક્કસપણે મદદરૂપ થશે.”

માલીના રહેવાસી મામૌડોઉ ગાસામાએ બર્કિના ફાસો, નાઈજર અને લિબિયામાંથી પસાર થઈને સહારા રણમાં જોખમી મુસાફરી ખેડી હતી. છેવટે તેણે એક હોડીમાં ભૂમધ્ય સમુદ્ર પાર કરીને ઇટાલી મારફતે યુરોપમાં પ્રવેશ કર્યો હતો. બીજા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની જેમજ, આ ઘટના પહેલાં તે એક ઇમારતના નિર્માણ સ્થળ પર ગેરકાયદેસર રીતે કામ કરતો હતો. યુરોપમાં, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મોટેભાગે હમાલ, સફાઈ કામદાર, ટેક્સી ડ્રાઈવર તથા બાંધકામ કામદાર તરીકે કામ કરતા હોય છે. જીવન ટકાવી રાખવા માટે તેમને એવા કામો કરવા પડતા હોય છે કે જે કોઈને કરવા પણ ન ગમે. તેઓ ગેરકાયદેસર હોવાથી તેમની પાસે સલામત નોકરી નથી હોતી, વળી ઓછા પગારે કામ કરીને શોષણનો શિકાર પણ બનતા હોય છે.

વિશ્વભરમાં આજે ઇમિગ્રન્ટ્સ વિરોધી માહોલ સર્જાયેલો છે. તેવી પરિસ્થિતિમાં આ ઘટના ખુબ જ અગત્ય ની પુરવાર થઈ છે. મામૌડોઉ ગાસામાનું આ બહાદુરી ભર્યું પરાક્રમ કેવળ ઇમિગ્રન્ટ્સ પર જ નહિ પરંતુ લઘુમતી સમુદાયો પર પણ લગાવવામાં આવતા લાંછનને વખોડી કાઢે છે.

Image Credit: Thibault Camus (Source: voanews.com)

Leave a Reply