જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લગાવીને સિક્કિમે ૧૦૦% ઓર્ગેનિક ખેતી અપનાવી

Uncategorized

આપણા રોજિંદા જીવનમાં આપણે અગણિત માત્રામાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક દેખાવમાં તાજો લાગતો હોય છે પણ લાંબાગાળે સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર કરતો હોય છે. તો આવા સમયમાં આપણા માટે ઓર્ગેનિક ખેતી તરફ પાછા ફરવું અનિવાર્ય બની ગયું છે. એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (ASSOCHAM) ના એહવાલ અનુસાર ભારતમાં ઓર્ગેનિક પેદાશની માંગ ૨૫% ના વાર્ષિક દરે વધી રહી છે. દેશ માટે ગર્વ લેવા સમાન સમાચારોમાં સિક્કિમ આજે ૧૦૦% ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બની ગયું છે.

સિક્કિમ હાલમાં વાર્ષિક ૮ લાખ ટન ઓર્ગેનિક પેદાશો ઉત્પન્ન કરે છે, જે ભારતના કુલ ઓર્ગેનિક ઉત્પાદનનો ૬૫% હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં સિક્કિમ લગભગ ૭૫ હજાર હેક્ટર ખેતી લાયક જમીનમાં ફક્ત ઓર્ગેનિક ઉત્પાદન કરીને ભારતનું પ્રથમ ૧૦૦% ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું હતું.

સિક્કિમને સંપૂર્ણ પણે ઓર્ગેનિક બનાવવાની કામગીરી વર્ષ ૨૦૦૩માં હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં, તેમણે રાસાયણિક ખાતરો પર સબસિડી ઘટાડી હતી અને આખરે ૨૦૧૪માં તેના પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ અને વેચાણ કાયદાકીય રીતે સજાને પાત્ર ઠેરવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે તેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ૧ એપ્રિલના રોજ અન્ય રાજ્યોમાંથી બિનઓર્ગેનિક શાકભાજીના આયાત પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

અધિકારીઓનું કહેવું છે કે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ વળવાથી સિક્કિમના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે, તથા તેઓ પૌષ્ટિક આહાર મેળવે છે અને તેમની જમીન તેમજ વન્યજીવનમાં પણ ઘણો બધો સુધારો થયો છે. તે ઉપરાંત ઇકો-ટુર અને ફાર્મ વેકેશન માટેની વધતી માંગને લીધે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનું પગલું સિક્કિમના પ્રવાસન ઉદ્યોગ માટે એક વરદાન સમાન સાબિત થયું છે. રાજ્યના પ્રવાસન વિભાગનું કહેવું છે કે આના પરિણામે, પ્રવાસન વિભાગ, રાજ્યની કુલ આવકનો ૬-૮% હિસ્સો પૂરો પાડે છે.

આપણાં દેશમાં હરિયાળી ક્રાંતિ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી થઈ હતી, જેણે ખોરાક ઉત્પાદનમાં ધરખમ વધારો કરીને દુષ્કાળથી બચાવ્યા હતા અને વિદેશી સહાય પર દેશની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. પરંતુ જંતુનાશકોના આડેધડ ઉપયોગથી કેન્સર જવી બીમારીઓના દરમાં વધારો થયો છે. નદીઓ પ્રદૂષિત અને માટી બિનફળદ્રુપ બની છે.
આપણે હજુ આ બાબતને ગંભીરતાથી લેતા નથી પરંતુ તેના ઘણા બધા નુકસાન છે.

એવું માનવમાં આવે છે કે સતત ઉપયોગથી જંતુનાશક દવા બિનઅસરકારક બની જાય છે અને ખેડૂતોને ભારે જંતુનાશકો તરફ વળવું પડે છે. જંતુનાશકો નુકસાનકારક જંતુઓ સિવાયના અન્ય જીવ કે જે છોડને ઉપયોગી હોય છે તેને પણ મારી નાખે છે અથવા નુકસાન કરે છે. જંતુનાશક દવાઓના લીધે ઘણા રોગ થતા હોય છે, જેમકે યાદશક્તિ ઘટી જવી, મગજની વિચારશક્તિમાં ઘટાડો થવો, દ્રશ્યક્ષમતામાં ઘટાડો થવો વિગેરે. જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ અસ્થમા, હોર્મોનમાં મોટા ફેરફાર, એલર્જી, કેન્સર જેવા રોગોને નોતરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નામની સંસ્થાએ ૨૦૧૧માં અંદાજ મૂક્યો હતો કે, મુખ્યત્વે વિકાસશીલ દેશોમાં દર વર્ષે જંતુનાશકોના ઝેરના ૩૦ લાખ કેસ નોંધાય છે જેમાંથી ૨,૨૦,૦૦૦ જેટલા મૃત્યુના બનાવો હોય છે. ભારતના કૃષિ ઉત્પાદકો દ્વારા જંતુનાશકોના વધુ પડતાં ઉપયોગના કારણે ઘણીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખેતપેદાશની આયાત કરવામાં નથી આવતી.

સિક્કિમના આ સાહસથી બીજા રાજ્યોએ પણ શીખ લેવાની જરૂર છે. જે રાજ્યો ઓર્ગેનિક ખેતીમાં આગળ વધવા માંગતા હોય તેમણે પણ પોતાના રાજ્યમાં એક માળખું તૈયાર કરવાની જરૂર છે. પરંતુ આજના સમયમાં જ્યાં ખેડૂતોને પોતાની પેદાશનો યોગ્ય ભાવ નથી મળતો તેવા હાલાતમાં સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તેવી જોગવાઈ કરવી જોઈએ.

Image Source: The NorthEast Today

Leave a Reply