ભારતમાં પણ ડેટા પ્રોટેકશન માટે મજબૂત કાનૂન બનવો જોઈએ

Uncategorized

ટેક્નોલૉજી અને ઇન્ટરનેટના આ યુગમાં જેમ-જેમ ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ-તેમ યુઝર્સ (વપરાશકર્તા)ના ડેટા (માહિતી)ને લગતા પ્રશ્નો પણ વધી રહ્યા છે. લોકો પોતાની અંગત માહિતીને ઇન્ટરનેટ પર ખુબ જ સહેલાઈથી મૂકી દેતાં હોય છે. આ માહિતીના કેટલાક સદુપયોગ તો કેટલાક દુરુપયોગ પણ થતા હોય છે. ઑનલાઈન માહિતીને આધારે થઈ રહેલી છેતરપીંડી, સાયબર ક્રાઇમ તથા અન્ય દુરુપયોગના સમાચાર અવાર-નવાર સાંભળવા મળતા હોય છે, જેમાં ઘણીવાર લોકોને મોટા આર્થિક અથવા સામાજિક નુકસાન વેઠવતા હોવાનું સાંભળવા મળતું હોય છે. વળી માહિતીનું વધી રહેલું બજારીકરણ પણ એક મુદ્દો છે, જેમાં આ પ્રકારની માહિતીના દુરુપયોગથી દેશ તથા સમાજને નુકસાન પહોંચવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

તાજેતરમાં ફેસબૂકના ડેટાનો ઇસ્તેમાલ કરીને યુ.કે.ની કેમ્બ્રિજ એનાલિટિકા નામક એક કંપની રાજકીય પક્ષોને માહિતી પુરી પાડતી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આ કંપનીએ ફેસબૂકના પાંચ કરોડથી વધારે યુઝર્સના ડેટાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સરસાઈ હાસિલ કરવામાં મદદ કરી હતી. આ કંપની અમેરિકા સિવાય, ભારત, કેન્યા, મૅક્સિકો, યુ.કે. જેવા વિવિધ દેશના રાજકીય પક્ષોને આ પ્રકારની ગુપ્ત માહિતી પુરી પાડવાનો વ્યવસાય કરે છે. કોઈ પક્ષના ઉમેદવારને જીતવામાં મદદ કરવી અલગ બાબત છે પરંતુ આ રીતે માહિતીના ઉપયોગથી લોકતંત્રના પ્રતીક સમાન ચૂંટણીના વ્યાપારીકરણ થવાની સંભાવનાને પણ નકારી શકાતી નથી. આ ઘટના બહાર આવતાની સાથેજ ફેસબૂકના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે લોકોની માફી માંગી હતી.

માહિતીના દુરુપયોગને રોકવા માટે યુરોપિયન યુનિયન દ્વારા ૨૫ મે, ૨૦૧૮થી “જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન” (જીડીપીઆર) નામનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. આ કાયદાની રચના યુરોપિયન યુનિયનમાં રહેતી દરેક વ્યક્તિને પોતાની અંગત માહિતી પર અંકુશ રાખવા માટે તથા તેમને વધુ અધિકારો આપવા માટે કરવામાં આવી છે.

નોંધનીય છે કે જ્યારે આપણે સોશિયલ મીડિયા અથવા બીજી કોઈ અન્ય વેબસાઈટ પર પોતાનું અકાઉન્ટ બનાવીએ છીએ, ત્યારે ઘણીવાર કેટલીક અંગત માહિતીઓ તથા તેના વપરાશને લગતી શરતોને આપણે મંજૂરી આપવી પડતી હોય છે. જૂના નિયમો પ્રમાણે, જો યુઝર જે તે સોશિયલ મીડિયા કે અન્ય કોઈ કંપનીની સેવા વાપરવા માંગતો હોય, તો તેની પાસે આ શરતોનો સંપૂર્ણપણે સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો ન હતો. કંપનીઓ દ્વારા “ટેક ઇટ ઓર લિવ ઇટ” (લેવું હોય તો લો નહી તો જાવ)નો અભિગમ અપનાવવામાં આવતો હતો જેમાં યુઝર્સને બીજા વિકલ્પો આપવામાં આવતા નહોતા.

જીડીપીઆરના કાયદાનો હેતુ આ પ્રકારની સરમુખત્યારશાહી અટકાવીને, યુઝર્સને તેમના દ્વારા મૂકવામાં આવેલી માહિતી પર નિયંત્રણ આપવાનો છે. તે ઉપરાંત માહિતીના સંગ્રહ, એકત્રીકરણ તથા તેને લગતી પ્રક્રિયાઓ પર પણ આ કાયદા દ્વારા અંકુશ લાવી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ કાયદાનું સંપૂર્ણપણે પાલન થાય તો, સાયબર વર્લ્ડને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે.

“કંસેંટ” (સંમતિ)ની વ્યાખ્યા બદલવામાં આવી:

અત્યાર સુધી કોઈપણ સોશિયલ મીડિયા કે વેબસાઇટ પર અકાઉન્ટ બનાવવામાં આવતું તો તેમના કંસેંટ બોક્સ પહેલેથી જ ટિક્ કરેલા આવતા હતા, તથા તેમની શરતો પણ ખુબજ અઘરી ભાષામાં રહેતી હતી. આ કાયદાના આવ્યા પછી, કંપનીઓએ તે ડેટાનો ઉપયોગ કઈ રીતે થશે, કઈ કઈ જગ્યાએ થશે, વગેરે જેવી માહિતી યુઝર્સને સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવી પડશે.

આ કાયદામાં ત્રણ મુખ્ય વિશેષતાઓ છે:

વિશ્વની દરેક કંપની કે જેમના ગ્રાહકો યુરોપિયન યુનિયનના દેશોમાં રહે છે, તે દરેકને જીડીપીઆર પ્રમાણે પોતાની શરતોને બદલીને તેનું અનુસરણ કરવું પડશે. આ કાયદાનો ભંગ કરવા બદલ કંપનીઓએ પોતાની વૈશ્વિક વાર્ષિક આવકના ૪% અથવા ૨ કરોડ યુરો, બંનેમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભરવા પડશે. આ કાયદામાં નીચે મુજબની જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧) “રાઇટ ટુ બી ફર્ગૉટન”: આ કલમ હેઠળ યુઝર પોતાનો બધો ડેટા ડિલીટ કરવાનો હક ધરાવે છે.

૨) “રાઇટ ટુ ડેટા પૉર્ટબિલિટિ”: આ કલમ હેઠળ યુઝર પોતાનો ડેટા એક કંપનીના સર્વર(સંગ્રહ સ્થળ) પરથી બીજી કંપનીના સર્વર પર ટ્રાન્સફર(સ્થળાંતર) કરી શકે છે, અને પ્રથમ કંપનીના સર્વર પરથી પોતાનો ડેટા ડિલીટ કરી શકે છે.

૩) “રાઇટ ટુ ઑબ્જેક્ટ ટુ પ્રોફાઇલિંગ”: યુઝર કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા એલ્ગૉરિધમ માટે ઉપયોગી ડેટા આપવાની ના પાડી શકે છે. આ ડેટામાં નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, આઈપી એડ્રેસ, લોકેશન હિસ્ટરી તથા અન્ય વ્યક્તિગત માહિતીનો સમાવેશ થાય છે.

ભારતમાં પણ ડેટા પ્રોટેક્શનની જરૂરિયાત:

ભારતમાં “ડેટા પ્રાઇવેસી” (માહિતીની ગોપનીયતા) તથા “ડેટા પ્રોટેક્શન” (માહિતીનું સંરક્ષણ) જેવા ગંભીર મુદ્દાઓને સદંતર નજરઅંદાજ કરવામાં આવે છે. તાજેતરમાં બહાર આવેલા આધાર ડેટાના કૌભાંડ પછી આધારની વિશ્વસનીયતા તથા નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા પર સવાલ ઊભા થયા હતા, જેને લીધે ભારતમાં પણ ડેટા પ્રોટેક્શન માટે કાયદો ઘડવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગયા વર્ષેજ સુપ્રિમકોર્ટની નવ જજોની બેન્ચે, “રાઇટ ટુ પ્રાઇવસી” (ગોપનીયતાનો અધિકાર) નાગરિકનો મૂળભૂત અધિકાર છે એવો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે ડેટા પ્રોટેકશનનું માળખું તૈયાર કરવા માટે જસ્ટિસ શ્રીક્રિષ્ના કમિટીની રચના કરી હતી.

શરુઆતથી જ આ કમિટીની રચના ચર્ચાનો મુદ્દો રહી હતી. આ કમિટી દ્વારા રજુ કરાયેલા રિપોર્ટ પર ટિપ્પણી કરતા નીતિ અને કાયદાના ૨૪ જાણકારો દ્વારા, નાગરિકને કેન્દ્ર બિંદુએ રાખીને ડેટા પ્રોટેકશન કાનૂન બનાવવાની ભલામણ કરતો ૪૧ પાનાંનો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં તેમણે આઠ અલગ અલગ વિષયો પર ભલામણ કરી હતી. રાઇટ ટુ બી ફર્ગૉટન, રાઇટ ટુ ઑબ્જેક્ટ ટુ પ્રોફાઇલિંગ, સર્વેલન્સ જેવા ગંભીર મુદ્દાઓને ડેટા પ્રોટેકશનના કાનૂન હેઠળ આવરી લેવાની ભલામણ કરતા આ પત્રમાં તેમણે રિપોર્ટની ખામીઓને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, ડેટા પ્રોટેકશનના મુદ્દા પર વ્યાપક રીતે જાહેર વિચારણા કરવાની જરૂર છે.

ટેક્નોલૉજીના આ યુગમાં ઇન્ટરનેટ પર વધતી જતી નિર્ભરતાની સાથેસાથે પોતાની અંગત માહિતી કેટલા પ્રમાણમાં જાહેર કરવી તેની સભાનતા પણ કેળવવી ખુબ જ જરૂરી છે. નાગરિકોના હિત સચવાય તથા ભવિષ્યમાં માહિતીના બજારીકરણથી આવનારી મોટી આફતોથી બચવા માટે ભારતમાં પણ જીડીપીઆર જેવો કોઈ મજબૂત કાનૂન બનવો જોઈએ.

Image Sourse: Sharpcat.co.uk

Leave a Reply