શાંતિના સંદેશ સાથે અયોધ્યાના સરયુ કુંજ મંદિરમાં ઇફતારીનું આયોજન

Uncategorized

અયોધ્યાનું નામ બાબરી મસ્જીદ અને રામ જન્મભૂમિના વિવાદ સાથે જોડાયેલું છે. જયારે કે ૧૯૯૨માં હિંદુ મુસ્લિમ વચ્ચે થયેલ આ વિવાદના કારણે સમગ્ર ભારતમાં દંગાની આગ ભડકી ઉઠી હતી. અને બંને સમુદાયો વચ્ચે દુશ્મનાવટનો માહોલ ઉભો થયો હતો. પરંતુ ૪ જૂન, સોમવારના દિવસે આવનારા સમાચાર બંને સમુદાયો વચ્ચે શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને આવ્યા હતા. અયોધ્યાના ૫૦૦ વર્ષ જુના સરયુ કુંજ મંદિર ખાતે ત્યાના મહંતો દ્વારા ઇફતારી તથા રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

સરયુ કુંજ મંદિરના મુખ્ય મહંત જુગલ કિશોર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “અયોધ્યામાં હિંદુઓ અને મુસ્લિમો ખૂબ શાંતિપૂર્વક રહે છે, તે બતાવવા માટે આ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા મુસ્લિમ ભાઈઓ ઇફતારી માટે આવ્યા હતા, અને સંતોએ પોતાના હાથે તેમનું રોઝુ ખોલાવ્યું હતું.” જયારે જુગલ કિશોર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે શા માટે કોઈ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નથી, ત્યારે તેમણે પોતાનો જવાબ આપતા કહ્યું હતું કે, “એનું કારણ એ છે કે અમે સંદેશ આપવા માંગતા હતા કે, અમારું આ પગલું કોઈપણ રીતે રાજકીય નથી. અયોધ્યાથી અમે કેવળ શાંતિનો સંદેશો ફેલાવવા માંગીએ છીએ.”

અયોધ્યા અને ફૈઝાબાદના ઘણાં મુસ્લિમ બિરાદરોએ ઇફતારીમાં ભાગ લીધો હતો. આ ઇફતારીમાં અયોધ્યાના નામી સંતો પણ હાજર રહ્યા હતા, તથા નજીકની કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ હાજરી આપી હતી. જુગલ કિશોર દાસે આ પ્રસંગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, “બે સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઇએ, અને મુસ્લિમ ભાઈઓ માટે ઇફતારીનું આયોજન, બંને સમુદાયોને નજીક લાવવાની એક સારી તક હતી. તેથી અમે આ ઇફતારી દ્વારા શાંતિનો સંદેશ મોકલવાનો નિર્ણય કર્યો”

ઇફતારી પહેલા એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં કોમવાદ અને ધ્રુવીકરણને નાબૂદ કરવા બાબતે ચર્ચા થઈ હતી. આ ઇફ્તારી દરમિયાન હાજરી આપનારાઓને ખજુર અને લાડુ વહેંચવામાં આવ્યા હતા. બંને સમુદાયોને ભેગા કરવાના એક પ્રયત્નરૂપે, ઇફ્તારી પછી મગરીબની નમાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇફ્તારીમાં ભાગ લેનાર એક અયોધ્યાવાસીએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે લઘુમતી હોવા છતાં પણ તેમણે અયોધ્યામાં ક્યારેય અસુરક્ષાનો અહેસાસ કર્યો નથી, કારણ કે બહુમતી હિંદુ સમુદાયે તેમને ક્યારેય એવો અહેસાસ થવા દીધો નથી.

રસપ્રદ વાત એ છે કે કેટલાક વર્ષોથી વિવાદિત એવી બાબરી મસ્જિદ અને રામમંદિરની જગ્યાથી આ મંદિર થોડીક જ દૂરી પર આવેલ છે. આવા સમય દરમિયાન કે જ્યાં દરેક જગ્યાએ ભેદભાવ, ધ્રુવીકરણ અને નિંદા જોવા મળે છે, ત્યાં આ પ્રકારના શાંતિ-સ્થાપક, ઉમદા અને પ્રામાણિક કાર્યો બિનસાંપ્રદાયિકતા અને “वसुधैव कुटुम्बकम्” (વિશ્વ એક પરિવાર છે) માં લોકોના વિશ્વાસને મજબૂત બનાવે છે.

Leave a Reply