આફ્રિકાની ધરોહર એવી કલાકૃતિઓને ફ્રાન્સ પરત આપશે

Uncategorized

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૅક્રોને વાયદો કર્યો છે કે ફ્રાન્સના સંગ્રહાલયમાં રખાયેલી આફ્રિકાની કલાકૃતિઓને આવતા પાંચ વર્ષની અંદર આફ્રિકાને પરત કરી દેવામાં આવશે.

ગત નવેમ્બર મહિનામાં આફ્રિકાની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન મૅક્રોને ભૂતકાળમાં ફ્રાન્સની સલ્તનતમાં રહેલા પ્રદેશો સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નોના ભાગરૂપે વાયદો કર્યો હતો કે, ફ્રાન્સ દ્વારા આવતા પાંચ વર્ષની અંદર આફ્રિકાની તમામ કલાકૃતિઓને પાછી મોકલાવવા પર પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “એ મારા માટે અસ્વીકાર્ય છે, કે આજે ઘણા આફ્રિકન દેશોના સાંસ્કૃતિક વારસાઓનો મોટો ભાગ ફ્રાંસમાં છે, આફ્રિકાનો વારસો માત્ર યુરોપિયન ખાનગી તથા રાષ્ટ્રીય સંગ્રહાલયો પૂરતો જ ન હોવો જોઈએ. યુરોપીયન સામ્રાજ્યવાદના ગુનાઓ નિર્વિવાદિત છે, પરંતુ તે ભૂતકાળ છે અને હવે તેનાથી આગળ વધવાની જરૂર છે.” તેમના ભાષણ બાદ ટ્વિટર પર મૅક્રોને, આ કલાકૃતિઓના સ્થળાંતર પર ભાર મુક્તા કહ્યું હતું કે “આફ્રિકન વારસો યુરોપીય સંગ્રહાલયોમાં કેદ ન હોવો જોઈએ.”

કલાત્મક ખજાનાની ગેરહાજરીએ આફ્રિકન દેશોના અર્થતંત્રને તથા રાષ્ટ્રીય અને વ્યક્તિગત ઓળખને ભારે નુકસાન પહોંચાડ્યું છે, આ વારસાને પુનઃપ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં પણ ઘણા પ્રયત્નો થયા છે, પણ ગણ્યા ગાંઠયા કિસ્સાઓ સિવાય ઝાઝી સફળતા મળી નથી. યુરોપિયન સામ્રાજ્યવાદ તથા વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકા તથા એશિયાના દેશોના કલાત્મક ખજાનાને ખરીદીને કે લૂંટીને યુરોપિય દેશોએ તેમના પર કબ્જો કરી લીધો હતો.

વર્ષ ૨૦૧૬માં, બેનિનના રાષ્ટ્રપતિએ ઔપચારિક રીતે ફ્રાન્સને વિનંતી કરી હતી કે, ફ્રાન્સના આક્રમણ તથા સામ્રાજ્ય દરમિયાન ફ્રાન્સ લઇ જવાયેલી બેનિનની કલાકૃતિઓને પરત કરી દેવામાં આવે. આ વિનંતીને ફગાવતા ફ્રાન્સના ત્યારના રાષ્ટ્રપતિ ફ્રાન્સીસ હોલાંદેએ જણાવ્યું હતું કે, “ફ્રાન્સના કાનૂન હેઠળ આ કલાકૃતિઓ ફ્રાન્સની સંપત્તિ છે અને તેને પાછી ન આપી શકાય.”

જ્યારે ગયા વર્ષે મેક્રોને આ મુદ્દે ભાષણ આપ્યું ત્યારે લોકોને બહુ આશા નહોતી, પરંતુ અત્યારે ઝનૂની રાષ્ટ્રવાદ અને જોહુકમીથી ઘેરાયેલા યુરોપમાં મુખ્ય નેતા બનવાની મહત્વકાંક્ષા ધરાવનાર ઈમેન્યુઅલ મૅક્રોન પોતાની છબી પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે. અને તેથી જ તેમણે થોડાજ સમયમાં સેનેગલના લેખક અને અર્થશાસ્ત્રી ફેલવિન સાર્ર તથા ફ્રાન્સના કલા ઇતિહાસકાર બેનેડીક્ટ સૅવોયની નિમણુંક કરીને તેઓ પોતાના વચન પર કાયમ છે તેવું પ્રદર્શિત કર્યું હતું. આ બંને નિષ્ણાંતો આવનાર પાંચ વર્ષમાં કેવી રીતે આફ્રિકાની કલાકૃતિઓ પાછી આપવી તે મુદ્દે સંશોધન કરીને આવતા નવેમ્બર મહિના અંત સુધીમાં સ્વતંત્ર રીતે પોતાનો અહેવાલ પ્રકાશિત કરશે. બેનેડીક્ટ સૅવોયના કહેવા અનુસાર આ એક ખુબજ મોટો પડકાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એકવાર ફ્રાંસના સંગ્રહાલયો આફ્રિકાના વારસાની કિંમતી ચીજો પરત આપવાનું શરૂ કરશે એટલે યુરોપના બીજા સંગ્રહાલયો પર પણ દબાણ આવશે.

ઉલ્લેખનીય છે કે યુરોપના સંગ્રહાલયો લાંબા સમયથી આ કલાકૃતિઓની માલિકીને લઈને કાનૂની અને નૈતિક સમસ્યાઓની ગૂંચવણોનો સામનો કરી રહ્યા છે. કારણકે આફ્રિકાના દેશોની અત્યારની સરહદો ૧૮૮૪-૮૫માં જર્મનીમાં બર્લિન ખાતે યોજાયેલ એક પરિષદમાં નક્કી કરવામાં આવી હતી. આફ્રિકામાંથી જયારે આ કલાકૃતિઓને ફ્રાંસ લઈ જવામાં આવી ત્યારની અને અત્યારની સરહદો એક સમાન નથી, અને તેમાં ઘણાબધા બદલાવ આવી ચુક્યા છે, તો આ બહુમૂલ્ય વસ્તુઓની માલિકી કયા દેશની છે તે નક્કી કરવી ખુબજ અઘરું કાર્ય છે. અને એક જ વસ્તુ પર એક થી વધુ દેશ પોતાનો હક જતાવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જયારે બીજો પ્રશ્ન એ છે કે જે કલાકૃતિની હરાજી કરી દેવામાં આવી છે અને અત્યારે ખાનગી મિલકત છે તેનું શું કરવું?

ફ્રાન્સના આ કદમથી આશા રાખીએ કે યુરોપના બીજા દેશો પણ બોધપાઠ લે અને વિશ્વભરની કલાકૃતિઓ જે યુરોપના સંગ્રહાલયોમાં પડેલી છે તેને તેના સાચા માલિકો સુધી પહોચાડે.

Image Source: contemporaryand.com

Leave a Reply