ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રકાશ રાવ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ પોતાની અડધી કમાણી ખર્ચે છે

Uncategorized

ઓડીશાના કટકના રહેવાસી દેવેરાપલ્લી પ્રકાશ રાવ એક ચાની દુકાન ચલાવે છે. અને સાથે સાથે છેલ્લા ૧૮ વર્ષથી ઝુંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રકાશ રાવ પોતાની ચાની દુકાનમાંથી થનારી કમાણીના ૫૦% ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે ખર્ચ કરે છે. બાળકોને શિક્ષાની સાથે ભરપેટ ખોરાક પણ તે પૂરો પાડે છે.

પ્રકાશ રાવ કહે છે કે, “મારા પિતાએ બીજા વિશ્વયુદ્ધમાં એક સૈનિક તરીકેની ફરજ બજાવી હતી, અને જ્યારે તેઓ નિવૃત્ત થઈને કટક આવ્યા ત્યારે જીવન નિર્વાહ માટે કોઈ સાધન ન હતું. હું અભ્યાસ કરવા માંગતો હતો પરંતુ આર્થિક પરીસ્થિત સારી ન હોવાથી આજીવિકા માટે મારા પિતા એ મને ચાની દુકાન ખોલી આપી હતી.”

આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં પણ પ્રકાશ રાવનો અભ્યાસ પ્રત્યેનો લગાવ બિલકુલ ઓછો થયો ન હતો. જયારે તેઓ તેમની દુકાનની આજુબાજુની ઝુંપડપટ્ટીના બાળકોનું ભણતર આર્થિક કારણોસર અથવા તેમના માતાપિતાની બેદરકારીના કારણે બરબાદ થતા જોતા તો તેમનું હૃદય ધ્રુજી ઉઠતું અને તેમને તેમનું બાળપણ યાદ આવી જતું. ગરીબ બાળકો પ્રત્યેની આવી સહાનુભુતિને કારણે ઈ.સ. ૨૦૦૦માં તેમણે પોતાના બે રૂમ વાળા મકાનમાંથી એક રૂમમાં ૧૦ થી ૧૫ બાળકોને ભેગા કરી પ્રાથમિક શિક્ષણ આપવાની શરૂઆત કરી. ધીરે ધીરે બાળકોની સંખ્યામાં વધારો થતો ગયો અને તેમના કામથી ખુશ થઈને “આશા ઓ આશ્વાસન” નામની સંસ્થાએ તેમની મદદ કરવા પોતાની તૈયારી દર્શાવી. આ સંસ્થાએ પોતાના ખર્ચે બે રૂમનું બાંધકામ કરી આપ્યું. આ સંસ્થાના નામ પરથી આ શાળાનું નામ પણ “આશા આશ્વાસન” રાખવામાં આવ્યું. આજે આ શાળામાં ૪ થી ૯ વર્ષ સુધીના ૭૦ બાળકો અભ્યાસ કરે છે અને બાળકોના પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પ્રકાશ રાવ તેમના ખોરાક અને સ્વાસ્થ્યનું પણ પુરતું ધ્યાન રાખે છે.

પ્રકાશ રાવ કહે છે કે, “બાળકોનું સ્વસ્થ હોવું ખુબ જરૂરી છે, કારણકે જો તેઓ સ્વસ્થ હશે તો જ પોતાના અભ્યાસ અને બાકીના કાર્યોમાં ધ્યાન આપી શકશે. એટલા માટે મારું પુરતું ધ્યાન રહે છે કે બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે.” તેઓ બાળકોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ માટે સરકારી હોસ્પિટલમાં પણ લઈ જાય છે. આ શાળામાં અત્યારે પાંચ શિક્ષકો અને એક રસોઈયો કામ કરે છે જેમાં બાળકોને ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે, અને ત્યાર બાદ ચોથા ધોરણથી તેમને સરકારી શાળામાં દાખલ કરાવવામાં આવે છે.

ઈ.સ.૧૯૭૬માં પ્રકાશ રાવને લકવાની તકલીફ થઈ હતી. જેના કારણે તેમને સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. ઓપરેશન માટે લોહીની જરૂર પડતા એક સેવાભાવી વ્યક્તિએ તેમને જાણતા ન હોવા છતાં લોહી આપીને તેમની મદદ કરી હતી. ત્યારબાદ પ્રકાશ રાવે પણ દર વર્ષે રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. આજની તારીખ સુધીમાં પ્રકાશ રાવે ૨૧૪ વાર લોહી અને ૧૭ વાર પ્લેટલેટ્સનું દાન કરી ચુક્યા છે. આ સિવાય તેઓ પોતાના સંપૂર્ણ શરીરને પણ કટકની શ્રીરામ ચન્દ્ર મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં દાન કરી ચુક્યા છે.

Leave a Reply