સૌર ઉર્જાના ક્ષેત્રમાં રાજસ્થાનની અલ્પશિક્ષિત મહિલાઓ બની સ્વનિર્ભર

Uncategorized

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ઘણા ગામડાઓ સૂર્યાસ્ત પછી અંધકારમય થઈ જતા હતા. લોકોને કોઈપણ કામ કરવા અથવા બાળકોને અભ્યાસ કરવા માટે દિવસના અજવાળાની રાહ જોવી પડતી હતી. આ ગામડાઓનું રાજ્યના વિદ્યુત પુરવઠા સાથે કોઈ જોડાણ ન હોવાના કારણે રાત્રે લોકોને મોટેભાગે કેરોસીનથી ચાલતા દીવાઓનો ઉપયોગ કરવો પડતો હતો જેની સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થતી હતી. પરંતુ આજે ચિત્ર કંઇક જુદું જ છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં સોલાર લૅમ્પ (સૌર બત્તી)ના વિતરણથી આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

વર્ષ ૨૦૧૫માં “રાજસ્થાન રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન”ના સહયોગથી “આઇઆઇટી બોમ્બે”ના કેટલાક વિદ્યાર્થીઓએ “ધ સોલાર ઉર્જા લૅમ્પ(SoUL)” નામનો પ્રોજેક્ટ શરુ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વીજરહિત ગામડાઓમાં ઘરે ઘરે પ્રકાશ પહોંચાડવાનો તથા સ્થાનિક અલ્પશિક્ષિત મહિલાઓને રોજગારી પૂરી પાડવાનો હતો. આ પ્રોજેક્ટથી અંધકારમય ગામડાઓમાં સોલાર લૅમ્પ્સનું વિતરણ શક્ય બન્યું હતું, અને સાથે સાથે ઘણીબધી સ્થાનિક મહિલાઓ માટે રોજગારીની તકો પણ ઉભી થઈ હતી.

શરૂઆતમાં આ મહિલાઓને લૅમ્પના વિવિધ ભાગોના જોડાણ (અસેમ્બ્લી), તેમની જાળવણી તથા સમારકામ માટેની તાલીમ આપવામાં આવી હતી, અને તે માટે જરૂરી સાધનોનો ઉપયોગ કરતા પણ શીખવવામાં આવ્યું હતું. સોલાર લૅમ્પ્સની બનાવટ ઉપરાંત તેનું પેકેજીંગ તથા વેચાણ પણ આ મહિલાઓ જ કરતી હતી. પોતાની મહેનતથી અને બીજી અન્ય મહિલાઓના સહયોગથી તેમણે ૬ મહિનામાં ૪૦ હજાર સોલાર લૅમ્પ વેચીને અંદાજે ૩૨ લાખ રૂપિયાની બચત કરી હતી. આ પ્રોજેક્ટ દ્વારા આર્થિક પરિસ્થિતિમાં ખુબજ સુધાર આવતા ત્યાની સ્થાનિક મહિલાઓ પોતાના બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઘડવા માટે સક્ષમ બની હતી.

million-soul-school-distribution

સોલાર લૅમ્પના બનાવટ તથા વેચાણ માટેની તાલીમ પામેલી આ સ્ત્રીઓ હવે ઉદ્યોગ સાહસિક મહિલાઓ તરીકે ઉભરી રહી છે. આ મહિલાઓ નાના પાયે એક સોલાર પાવર પ્લાન્ટ અને સોલાર રિપેરિંગ સેન્ટરની શરૂઆત કરવા જઈ રહી છે. આઈઆઈટી બોમ્બેની મદદથી અને તેની દેખરેખ હેઠળ ટૂંક સમયમાં એક સોલાર ફોટોવોલ્ટેઈક મોડ્યુલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું કામકાજ પૂર્ણ થશે, જે આ મહિલાઓની માલિકીનું હશે અને તેમના જ દ્વારા સંચાલિત હશે. આ પ્લાન્ટ માટે મહિલાઓ દ્વારા ૨૪ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું અને વધારાનું ભંડોળ આઈડિયા સેલ્યુલર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. અગાઉ સોલાર લૅમ્પ્સના વેચાણ વખતે આ પ્લાન્ટને ધ્યાનમાં રાખીને જ આ મહિલાઓએ બચત કરી રાખી હતી. ડુંગરપુરમાં સ્થાનિક માલિકીના આ પ્રથમ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં મહિલાઓ જ્યાં સુધી ટેકનીકલ અને ધંધાકીય સંચાલન માટે પૂરી રીતે સક્ષમ ન બને ત્યાં સુધી “આઈઆઈટી બોમ્બે” દ્વારા પુરેપુરો સહયોગ આપવામાં આવશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રાજસ્થાનના સૌથી પછાત તથા આદિવાસી વિસ્તારોમાં રહેતી અશિક્ષિત અને અલ્પશિક્ષિત મહિલાઓ આજે પોતાની આજીવિકા મેળવવાની સાથે સાથે ઉદ્યોગ સાહસિક પણ બની રહી છે, જે દેશ માટે એક ઉત્તમ નમૂનારૂપ છે.

Leave a Reply