બાલકનામા: ગરીબ બાળકો દ્વારા સંચાલિત એક અનોખું સમાચાર પત્રક

Uncategorized

“બાલકનામા” એક એવું અખબાર છે જેનું સંચાલન સડક પર રહેતા તથા મજૂરી કરતા ગરીબ બાળકોના સંગઠન “બઢતે કદમ” દ્વારા કરવામાં આવે છે. આ સંગઠનની ખાસિયત એ છે કે તેમાં જોડાયેલા દરેક બાળકની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. આ સંગઠન દ્વારા બાલકનામા સિવાય ગરીબ બાળકોના ઉત્થાન માટેના કાર્યોને પણ અંજામ અપાય છે. સમાજમાં ગરીબ બાળકોનો અવાજ બુલંદ કરવા તથા તેમના પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવા આ બાળકોએ પત્રકારત્વ ક્ષેત્રે કદમ માંડ્યા હતા.

વર્ષ ૨૦૦૨માં “ચાઈલ્ડહૂડ એન્હેંસમેન્ટ થ્રુ ટ્રેઈનીંગ એન્ડ એક્શન” (CHETNA) નામની સંસ્થા દ્વારા ગરીબ બાળકોમાં નેતૃત્વ નિર્માણ અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી ૩૫ જેટલા ગરીબ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પોતાના તથા પોતાની આસપાસ સડક પર રહેતા બાળકોના કલ્યાણ અને સશક્તિકરણ માટે એકજુથ થઇને કામ કરશે. ત્યારબાદ પોતાના આ નિર્ધારને અંજામ આપવા માટે આ બાળકોએ “બઢતે કદમ” નામક બાળસંગઠનનું નિર્માણ કર્યું હતું.

શરૂઆતની કેટલીક બેઠકો દરમિયાન આ બાળકોને અહેસાસ થયો કે સડક પર રહેતા તથા મજૂરી કરતા બાળકો વિષે લોકોને ખુબ જ ઓછી જાણકારી હોય છે. સામાન્ય રીતે આ બાળકોના કોઈ ગુનાહિત તથા સમાજને ન શોભે તેવા કાર્યોજ મીડિયાનું ધ્યાન ખેંચતા હોય છે, જયારે કોઈ બાળક કોઈનો જીવ બચાવે અથવા કોઈ સારા કર્યો કરે તો તે તરફ કોઈનું ધ્યાન જતું નથી. આ બાળકોએ વિચાર કર્યો કે સમાજમાં પોતાની જગ્યા કેમ ન બની શકે? અને પોતાના અવાજ માટે પોતાનુંજ એક મીડિયાનું માધ્યમ કેમ ન હોઈ શકે? આ વિચાર સાથે સપ્ટેમ્બર ૨૦૦૩માં બાળકોથી સંચાલિત એવું વિશ્વનું પ્રથમ સમાચાર પત્રક “બાલકનામા”(બાળકોનો અવાજ) અસ્તિત્વમાં આવ્યું. ૨૦૧૪ સુધી આ અખબારનું ત્રિમાસિક વિતરણ કરવામાં આવતું હતું, જે કેવળ હિન્દી ભાષા પુરતું હતું. ત્યારબાદ તેને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરીને માસિક દરે પ્રકાશિત કરવામાં આવવા લાગ્યું. આજે બાલકનામા હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં માસિક દરે પ્રકાશિત થાય છે.

બાલકનામા ટીમમાં એવા બાળકો કામ કરે છે જે વિકટ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા હોય અથવા જીવી ચુક્યા હોય. આ ટીમમાં એક સલાહકાર, એક સંપાદક, એક સહ સંપાદક, સાત પત્રકારો, અને ૩૦ બાતૂની પત્રકારો (જે સમાચાર એકઠા કરી શકે છે પણ લખી કે વાંચી શકતા નથી) નો સમાવેશ થાય છે. ઉત્તર ભારતના સાત જિલ્લાઓમાં ફેલાયેલી આ ટીમના સભ્યો દર અઠવાડિયે સંપાદકીય બેઠક માટે ભેગા થાય છે.

balaknama_reading

આજે “બઢતે કદમ” દિલ્હી પુરતું સીમિત ન રહેતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા હરિયાણામાં પણ ફેલાયેલું છે, જેમાં લગભગ ૧૦,૦૦૦ જેટલા બાળકો જોડાયેલા છે. આ બાળકોના સતત સંપર્કમાં રહીને વર્તમાન ઘટનાઓના અહેવાલો તથા સમાચારો એકત્રિત કરવામાં આવે છે, જેની ક્ષેત્ર મુલાકાત દ્વારા પૃષ્ટિ પણ કરવામાં આવે છે. આ અખબારમાં સડક પર રહેતા તથા મજૂરી કરતા બાળકોના જીવન પર આધારિત કથાઓ અને અહેવાલો પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં આ બાળકોની તકલીફો, સિધ્ધિઓ તથા તેમની હકારાત્મક એવી અસરકારક વાર્તાઓનું વર્ણન કરવામાં આવે છે. લોકોને આવા બાળકોના કલ્યાણ માટે પ્રોત્સાહન આપે એવા પ્રસંગોને પણ સમાચારમાં આવરી લેવામાં આવે છે.

ટીમના દરેક સભ્યોને ઔપચારિક શિક્ષણ માટે પ્રોત્સાહન અપાય છે અને તેમને ચોક્કસ વેતન પણ આપવામાં આવે છે. બાલકનામાના સંચાલન માટે જરૂરી ભંડોળ “ચાઈલ્ડહૂડ એન્હેંસમેન્ટ થ્રુ ટ્રેઈનીંગ એન્ડ એક્શન” (CHETNA) દ્વારા પૂરું પાડવામાં આવે છે. આજે દર મહીને બાલકનામાની ૫૦૦૦ હિન્દી અને ૩૦૦૦ અંગ્રેજી નકલોનું વિતરણ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોની આ પહેલે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે જેને ૧૫૦થી પણ વધુ વખત વિવિધ અખબારો દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આજે આ અખબાર તેની સાથે જોડાયેલા ઘણા બધા બાળકો માટે સશક્તિકરણનું સાધન બની ગયું છે. આ બાળકોએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ તેમના સાહસ અને તેમની હિંમતે આજે તેમને પત્રકાર બનાવી દીધા છે.

Image Source: Balaknama

Leave a Reply