કૉર્નિયાની ૩-ડી પ્રિન્ટ દ્વારા લાખો લોકોની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકાશે

Uncategorized

વૈજ્ઞાનિકોને ઇતિહાસમાં પ્રથમવાર માનવ કૉર્નિયા (આંખ પરનો પારદર્શક પડદો)ને ૩-ડી પ્રિન્ટ કરવામાં સફળતા મળી છે, જે એકવાર પ્રમાણભૂત થયા પછી લાખો લોકોની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકાશે.

કૉર્નિયા આંખના સૌથી બહારના સ્તર તરીકે દ્રષ્ટિને કેન્દ્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વભરમાં અંદાજે ૧ કરોડ લોકોને “ટ્રેકોમા” જેવા આંખના ચેપીરોગને લીધે થતા કોર્નિયલ અંધત્વ અટકાવવા માટે શસ્ત્રક્રિયાની મદદ લેવી પડે છે, પરંતુ કમનસીબે, અત્યારે ટ્રાન્સપ્લાન્ટ(પ્રત્યારોપણ) માટે ઉપલબ્ધ કૉર્નિયાની દુનિયામાં નોંધપાત્ર અછત છે.

દાઝવાથી, જખમથી, ઘસારાથી અથવા અન્ય રોગોના લીધે કૉર્નિયાને થતી ઇજાના કારણે લગભગ ૫૦ લાખ લોકો સંપૂર્ણ અંધત્વનો શિકાર બને છે.

યુ.કૅ.(UK)ની ન્યૂકૅસલ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ રિસર્ચને “એક્સપરિમેન્ટલ આઈ રિસર્ચ” નામક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું હતું કે, કઈ રીતે તંદુરસ્ત દાતાના કૉર્નિયામાંથી સ્ટેમ સેલને “એલ્જીનેટ” અને “કોલેજન” નામના રસાયણો સાથે ભેળવીને સોલ્યુશન બનાવવામાં આવ્યું જેને “બાયો-ઇન્ક”(જૈવિક શાહી) તરીકે ઉપયોગમાં લઈ કૉર્નિયાની ૩-ડી પ્રિન્ટ બનાવી શકાય છે.

ત્યારબાદ એક સરળ અને ઓછા ખર્ચે બનાવેલા ૩-ડી બાયો-પ્રિન્ટરનો ઉપયોગ કરીને ૧૦ થી પણ ઓછી મિનીટમાં બાયો-ઇન્કની મદદથી સફળતાપૂર્વક માનવ કૉર્નિયા બનાવવામાં આવી હતી.

પ્રિન્ટ કરેલી પેશીઓનાં માપ મૂળરૂપે વાસ્તવિક કૉર્નિયામાંથી લેવામાં આવ્યા હતા. દર્દીની આંખને સ્કેન કરીને, તે ડેટાના ઉપયોગથી મૂળ કૉર્નિયાના કદ અને આકાર સાથે મેળ ખાય તેવી નવી કૉર્નિયા સરળતાથી પ્રિન્ટ કરી શકાઈ હતી.

શે કોનન, કે જેઓ ન્યૂકૅસલ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને આ પ્રોજેક્ટની આગેવાની કરી છે, તેમણે કહ્યું હતું કે, “આ પ્રક્રિયાને શક્ય બનાવવા માટે સમગ્ર વિશ્વમાં ઘણીબધી ટીમ એક આદર્શ બાયો-ઇન્ક બનાવવા પાછળ રિસર્ચ કરી રહી છે. અમારું આ અનોખું સોલ્યુશન, જે એલ્જીનેટ અને કોલેજનનાં મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, તે સ્ટેમ સેલને જીવંત રાખે છે અને સાથે સાથે એવો પદાર્થ ઉત્પન્ન કરે છે જે પોતાનો આકાર જાળવી શકે એટલું કઠણ અને ૩-ડી પ્રિન્ટરની નોઝલથી સંકોચાઈ શકે તેટલું નરમ હોય છે.”

કોનને ઉમેર્યું કે, “અમારે ૩-ડી પ્રિન્ટેડ કૉર્નિયા પર હજુ વધુ પરીક્ષણ કરવું પડશે અને અમે થોડા વર્ષોમાં એ સ્થિતિમાં હોઈશું કે જયારે અમે ટ્રાન્સપ્લાન્ટ માટે તેનો ઉપયોગ કરી શકીશું.”

“જો કે અમે બતાવ્યું તે પ્રમાણે દર્દીની આંખમાંથી લેવામાં આવેલા નિર્દેશાંકનો ઉપયોગ કરીને કૉર્નિયા પ્રિન્ટ કરવું શક્ય છે. અને આ અભિગમમાં કૉર્નિયાની વિશ્વભરમાં પડી રહેલી તંગીનો સામનો કરવાની ક્ષમતા છે.”

Original article was published on Newcastle University

Image source: Medical Xpress

Leave a Reply