સમુદ્રમાં હિજરતીઓના બચાવ માટે બે વિમાન ચાલકોએ પોતાના જીવનની સમગ્ર બચત ખર્ચી દીધી

Uncategorized

શરણાર્થીઓને ભૂમધ્ય સમુદ્ર ઓળંગવાના જોખમોથી બચાવવાના એકમાત્ર હેતુસર બે વિમાન ચાલકોએ જીવનની સમગ્ર બચત ખર્ચી દીધી.

જૉઝે બેનાવેન્ટે અને બિનવા મીકોલોન નામના ફ્રાંસના બે સમાજ સેવકો “પીલોટ્સ વોલેન્ટેઈર” નામના એક સ્વયંસેવી બચાવ જૂથમાં અગત્યની કામગીરી બજાવે છે. આ બંને વ્યક્તિઓએ દરિયાઈ માર્ગે હિજરત કરનારાઓને બચાવવા માટે પોતાની મહેનતની કમાણીથી આશરે ૧ કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું હતું.

એનબીસી ન્યુઝ સાથે વાત કરતા મીકોલોને કહ્યું કે, “જૉઝે અને મેં પોતાના અંગત પૈસાથીજ વિમાન ખરીદ્યું હતું, કારણકે તે માટે નાણાકીય સહાય ઉભી કરવા જતા ખૂબ સમય વેડફાઈ જાય તેમ હતું.”

બેનાવેન્ટે છેલ્લા ઘણા વર્ષોથી માનવસેવાના કાર્યોમાં સક્રિય છે. તેમણે ૨૫ વર્ષ સુધી “રેડ ક્રોસ” નામની સંસ્થા માટે કામ કર્યું છે, અને તે દરમિયાન સિરિયાથી હિજરત કરતા લોકો પર પડતી મુશ્કેલીઓ પણ નિહાળી છે. મીકોલોન અને બેનાવેન્ટે સૌપ્રથમ ૨૦૦૬માં એકબીજાને મળ્યા હતા, જયારે તેઓ પોતાના વિમાનચાલક માટેના લાઇસન્સ મેળવી રહ્યા હતા. મીકોલોનના મિત્રએ જયારે તેમના સમક્ષ લાચાર શરણાર્થીઓની મુશ્કેલીઓ વર્ણવી, એ વખતેજ તેઓ આ કાર્ય માટે તૈયાર થઇ ગયા હતા.

દર વર્ષે, શરણાર્થીઓ યુરોપમાં સલામતીથી પહોંચવા માટે વહાણોમાં હજારોની સંખ્યામાં પ્રવાસ કરે છે. કમનસીબે, તે વહાણોમાંથી ઘણાં લોકો દરિયાપાર પહોંચી શકતા નથી.

આ સંસ્થાની વેબસાઈટના કહેવા મુજબ, “દરિયામાં નાની હોડીઓને શોધવી ખૂબજ મુશ્કેલ હોય છે, ક્યારેક તેમાં સેંકડો લોકો વહન કરે છે, અને ઘણી વખત કોઈ હાદસો થયા પછી બચાવ માટેના વહાણ પણ મોડા પહોંચે છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે, “અમારા માટે જાનહાનીનું આવુ કારણ સ્વીકાર્ય નથી, અને અમે વધુમાં વધુ લોકોને બચાવવા માટે કાર્ય કરવા માંગીએ છીએ. અમારું લક્ષ્ય આવા લોકોને હવાઈ મદદ પૂરું પાડવાનું છે, જે અમે આ હવાઈ જહાજની મદદથી પૂરું કરી શકીએ છીએ.”

જાન્યુઆરીમાં પ્લેન ખરીદ્યા પછી, બેનાવેન્ટે અને મીકોલોને ચાલુ વર્ષે મે મહિનાની શરૂઆતમાં બોટની શોધ માટે ભૂમધ્ય સમુદ્ર પર તેમની પ્રથમ ઉડાન ભરી હતી. બચાવ કામગીરીને વેગ આપવા માટે તેમણે ઘણી પ્રાદેશિક સંસ્થાઓ તથા બીન નફાકારક સંગઠનો (NGO) સાથે ભાગીદારી કરી છે. આ ગતિશીલ જોડી સીધે સીધી આકાશમાંથીજ બોટને શોધી શકે છે અને તેમને દિશા-સુચન પણ કરી શકે છે.

આ મહત્વકાંક્ષી એવા નાનકડા વિમાનનું નામ “હમીંગબર્ડ” રાખવામાં આવ્યું છે. જે મૂળ અમેરીકાની એક પ્રસંગકથા પર આધારિત છે, જેમાં હમીંગબર્ડ તેની ચાંચ દ્વારા આગની જ્વાળાઓ પર પાણીના ટીપાંનો છંટકાવ કરીને જંગલની આગને બુઝાવવાનો પ્રયાસ કરે છે. જયારે અન્ય પ્રાણીઓએ પુછ્યુ કે હમીંગબર્ડ તું શું કરી રહ્યું છે? તો તેણે જવાબમાં કીધું કે, “મારાથી જે થઇ શકે છે, તે હું કરી રહ્યું છું.”

Original article was published on Good News Network

Leave a Reply