પ્રદૂષણથી લડવા માટે મૅક્સિકો શહેરનો એક નવતર પ્રયોગ

Uncategorized

શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા તથા શહેરને સુંદર બનાવવાના હેતુથી મૅક્સિકોની એક સંસ્થા શહેરમાં આવેલા તમામ પૂલોના થાંભલાઓને અનોખી રીતે સજાવી રહી છે.

“બીયા બૅરદે” (vía verde) નામના પ્રોજેક્ટ અંતર્ગત મૅક્સિકો શહેરના ૨૭ કિ.મી. લાંબા હાઇવે પર આવેલા ઓછામાં ઓછા ૧૦૦૦ જેટલા કોંક્રીટના થાંભલાઓને ઉભા બગીચા (vertical garden)માં રૂપાંતરિત કરવાનું કાર્ય કરી રહી છે, જે શહેરના પ્રદુષણને અને સ્મોગ (ધુમ્મસ)ને કેટલાક અંશે દુર કરી શહેરને સુંદર બનાવવા માટે ઘણું ઉપયોગી સાબિત થશે.

૩૦,૦૦૦ ચો.મી. વિસ્તાર આવરી લેતાં આ ઉભા બગીચા હવામાંથી દર વર્ષે ૨૭,૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં રૂપાંતરિત કરશે. આ બગીચા શહેરના ઘોંઘાટને શોષવા સાથે સાથે ગરમીના પ્રમાણને પણ ઓછું કરવા માટેના એક નવતર પ્રયોગ સમા છે. લીલોતરી વાળી જગ્યાઓ શહેરના લોકોને તણાવ અને ચિંતાના લક્ષણોમાં પણ રાહત પહોંચાડવા મદદરૂપ થશે. આ બગીચા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ માળખાકીય સામગ્રી સંપૂર્ણપણે રિસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવી છે.

ઊભા બગીચાઓની સ્થાપના કોઈપણ રીતે થાંભલાઓને નુકશાન પહોંચાડશે નહી, કારણકે તેમને પહેલેથી તૈયાર કરાયેલા ધાતુના ચોકઠાંઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. છોડને ઉગવા માટે માટીનો ઉપયોગ ન કરતા ખાસ પ્રખારની ઘનતાવાળા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં છોડના મુળિયા સરળતાથી પ્રસરી શકે. આ પ્રોજેક્ટ એક કરતાં વધુ રીતે ટકાઉ છે. આ બગીચાઓમાં હાઇડ્રોપોનીક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં સ્વચાલિત સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીવાના શુદ્ધ પાણીની જગ્યાએ વરસાદી પાણીને એકત્રિત કરીને તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવે છે. બગીચામાં છોડની પ્રજાતિઓને પણ ખાસ રીતે પસંદ કરવામાં આવી છે જે શહેરને વધુમાં વધુ લાભદાયક હોય, જેમ કે એવા છોડ જેમને ખુબજ ઓછા પાણીની જરૂર પડે અને જે ઉચ્ચ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય.

વધુમાં, સામાજિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા તથા જરૂરિયાતમંદો માટે નોકરીની તકો ઉભી કરવા માટે આ બગીચાઓનો ઉપયોગ કરવામાં આવે છે. “સાન્ટા માર્ટા એકટિટલા વિમેન્સ સોશિયલ રીઈન્ટીગ્રેશન સેન્ટર” અને “ઓરિયેન્ટ મેન્સ પ્રિવેન્ટિવ ડિટેન્શન સેન્ટર” નામક સંસ્થાઓ પુરૂષો અને મહિલાઓને મૂલ્યવાન તાલીમ આપી રોજગારની તકો પૂરી પાડવા માટે મદદરૂપ થાય છે.

શહેરમાં જ્યાં ૧૦માંથી ૬ રહેવાસીઓ હવાની ખરાબ ગુણવત્તાને કારણે શ્વસનના રોગોથી પીડાય છે, ત્યાં આ બગીચા વધુ પ્રમાણમાં ઓક્સિજન પેદા કરીને શહેરના ફેફસાં તરીકે સાબિત થશે. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય તે પછી, મૅક્સિકો શહેરના વિકાસ માટે બગીચાઓમાં આશરે ૨૨ લાખ જેટલા છોડનો સમાવેશ થશે.


બેન્ગલુરુમાં આવેલા મેટ્રો બ્રિજના એક થાંભલા પર ઉભા બગીચાનો પ્રયોગ

મૅક્સિકોના આ પ્રોજેક્ટથી પ્રેરણા લઈને ભારતમાં બેન્ગલુરુ શહેરમાં પણ આ પ્રકારની શરૂઆત કરવામાં આવી છે જેમાં મેટ્રો બ્રિજના થાંભલાઓને હાઇડ્રોપોનીક પદ્ધતિથી ઉભા બગીચાઓમાં રૂપાંતરિત કરાશે.

Leave a Reply