ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવા માટે ભારત-પાકિસ્તાન મૈત્રી અને શાંતિ પદયાત્રાનું આયોજન

Uncategorized

ઇતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળશે કે, કોઈપણ બે દેશો વચ્ચેના ખરાબ સંબંધોનું પરિણામ હંમેશા દુઃખદાયક જ હોય છે, જેની માઠી અસરો સીધેસીધી ત્યાંની જનતા પર પડતી હોય છે. બંને દેશો પોતપોતાની સુરક્ષા માટે લશ્કરી તાકાત પાછળ અઢળક ખર્ચ કરે છે જેનો બોજ અંતે તો પ્રજાના ખભે જ આવતો હોય છે. બંને તરફ જાનમાલની ખુંવારી સિવાય કશુંજ હાસિલ થતું નથી. અલબત્ત, લોકોના દિલો પર પણ આ દુશ્મનાવટ અને તેનાથી થતા નુકશાનને કારણે ઘણી ઊંડી છાપ છૂટી જાય છે જેને ભૂલવા માટે વર્ષો નીકળી જાય છે.

પહેલા અને બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપના લોકોને ખુબજ કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો. લાખોની સંખ્યામાં જાનહાની અને કરોડો લોકો બેઘર બન્યા હતા. લગભગ આખું યુરોપ તબાહ થઈ ગયું હતું. પરંતુ અંતે તેમની પાસે પસ્તાવા સિવાય કશુંજ બાકી રહ્યું ન હતું. આ પરિણામો જોઈને યુરોપના દેશો કે જેઓ એકબીજાના દુશ્મન બની બેઠા હતા, તેમણે પોતાના ભૂતકાળને ભૂલીને સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો, અને એકબીજાના સહયોગ દ્વારા વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. અને આજે યુરોપના હાલાત તદ્દન જુદાજ છે.

આજે ભારત અને પાકિસ્તાન સામે ગરીબી, ભૂખમરો, બેરોજગારી, માળખાગત સુવિધાઓની અછત જેવી વિકરાળ સમસ્યાઓ ઉભી છે, જે બંને દેશના વિકાસને અવરોધી રહી છે. બીજું કે, સરહદની બંને તરફ છેલ્લા ૭ દશકોથી બંને દેશનું સૈન્ય ખડે પગે ઉભું છે, જેની પાછળ બંને દેશની આવકનો મોટો હિસ્સો ખર્ચાઈ જાય છે. જો બંને દેશ વચ્ચે સમાધાન થાય અને સૈન્ય પાછળ થનારા ખર્ચમાં ઘટાડો થાય તો વિકાસલક્ષી કાર્યોમાં મહદ અંશે મદદરૂપ થઈ શકે છે. વળી પાકિસ્તાનમાં ભારતની તુલનાએ ઔધોગિક અને તકનીકી વિકાસ ખુબજ ઓછો છે જેનો ફાયદો મોટે ભાગે ચીન તથા પશ્ચિમી દેશોને મળે છે. આમ જો બંને દેશ વચ્ચે મિત્રતા સ્થપાય તો વ્યાપારની દ્રષ્ટિએ ભારત માટે તે ખુબજ લાભદાયક નીવડી શકે છે. આમ દેખીતી રીતે મૈત્રી થવાના સંજોગોમાં ભારત માટે ચોક્કસ લાભ રહેલા છે.

ભારત પર સરસાઈ મેળવવાની હોડમાં આજે પાકિસ્તાન પણ પરમાણુ તાકાત બની ચૂક્યું છે, જે ભારત સાથે સાથે આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે, કારણકે પાકિસ્તાનની રાજનીતિમાં આવતા મોટા ઉથલ પાથલ અને દેશના વહીવટમાં સૈન્યની દખલગીરી પાકિસ્તાનના વહીવટીતંત્રમાં અસ્થિરતા પેદા કરે છે. જે ફકત પાકિસ્તાનની પ્રજા માટે જ નહી પરંતુ ભારત માટે પણ ખતરારૂપ સાબિત થઈ છે.

ભારત અને પાકિસ્તાન પાસે સબક લેવા માટે ઇતિહાસમાં ઘણા ઉદાહરણો મોજુદ છે. પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ તથા બે કોરિયાઈ દેશો વચ્ચેની સંધિ એક રોલ મોડેલ સાબિત થઇ શકે છે. બીજા વિશ્વયુદ્ધમાં એકબીજા સાથે લડ્યા બાદ પણ જો યુરોપિય દેશો અત્યારે મૈત્રીપૂર્વક રહીને વેપાર, રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે પરસ્પર આદાનપ્રદાન કરી શકતા હોય, તો ભારત-પાકિસ્તાન પણ આવું કેમ ન કરી શકે? ફિલીસ્તીન અને ઈઝરાઈલ વચ્ચે પણ રાજનૈતિક સંબંધો સારા ન હોવા છતાં બંને દેશના લોકોએ ઓલીવ ઉદ્યોગ મારફતે પરસ્પર આર્થિક સંબંધો વિકસાવ્યા છે, જેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો માટે નવા દ્વાર ખુલ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે એક નાનકડા પ્રયાસ સ્વરૂપે, સામાજિક કાર્યકર્તા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રોફેસર સંદીપ પાંડે તથા તેમના સાથીઓ દ્વારા ૧૯ જૂનથી સાબરમતી આશ્રમથી પદયાત્રા શરૂ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેની દુશ્મનાવટને દૂર કરવાના ઈરાદા સાથે મોહબ્બતનો સંદેશો લઈને નીકળેલો આ કાફલો આશરે ૨૯૦ કિલોમીટર અંતર ખેડ્યા બાદ ૩૦ જૂને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ પર પહોંચશે. આ યાત્રાને બંને દેશના ઘણાબધા સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ યાત્રાને લોકો તરફથી ખુબજ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ઠેક-ઠેકાણે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

સંદીપ પાંડેએ લોકોને અરજ કરતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સંસ્કૃતિ અને ભાષા એકજ છે, જે દિવસે સરહદની બંને પારના લોકો જર્મનીની જેમ સરહદો ભૂલીને એકબીજા સાથે વિવિધ સંબંધો કેળવશે ત્યારે બંને દેશોના રાજનૈતિક લોકોને પણ એકબીજા સાથે હાથ મિલાવવા પડશે.

આ યાત્રા દ્વારા તેઓએ સરહદની બંને પાર શાંતિ સ્થાપવા અને લોકોને વિઝા અને પાસપોર્ટ સરળતાથી મળી રહે તે માટે સુવિધા કરી આપવાની માંગ કરી છે, જેથી લોકો સરળતાથી એકબીજાના દેશમાં જઈ શકે. તેમણે ગુજરાત અને સિંધ વચ્ચે ખાવડા અથવા નડાબેટ પાસે સરહદ પર કેટલાક અંશે છૂટ આપવાની પણ માંગ કરી છે. તેમનું માનવું છે કે આનાથી બંને દેશ વચ્ચે વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે જેથી શાંતિ અને મૈત્રી સ્થાપવામાં નોંધપાત્ર મદદ મળી રહેશે, અને પરિણામે વિવાદોનો પણ સરળતાથી ઉકેલ લાવી શકાશે. આમ કરવાથી સંરક્ષણ પાછળ થતા ખર્ચમાં ઘટાડો થશે અને તે ભંડોળનો ઉપયોગ વિકાસને લગતા કાર્યોમાં કરી શકાશે જેનો ફાયદો બંને બાજુના ગરીબ લોકોને થશે.

Leave a Reply