છેલ્લા છ વર્ષથી ભૂખ્યાઓને જમાડતા અઝહર મક્સુસી

Uncategorized

અઝહર મક્સુસી હૈદરાબાદના રહેવાસી છે, જેઓ પ્લાસ્ટર ઓફ પેરીસ ઈંટીરીયર ડીઝાઇનનો વ્યવસાય કરે છે. તેઓ વર્ષ ૨૦૧૨થી હૈદરાબાદના દબીરપુર ફ્લાઈઓવર નીચે ૧૫૦થી વધુ ગરીબો અને ભૂખ્યા લોકોને જમવાનું આપે છે. ગરીબ લોકો દરરોજ આ ફ્લાયઓવરની નીચે કોઈપણ જાતના સંકોચ વગર આવીને ભરપેટ જમીને જાય છે.

અઝહર કહે છે કે, “એક દિવસ જયારે હું રેલ્વે સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે મેં એક સ્ત્રીને ભીખ માંગતા જોઈ, તે પૈસાની જગ્યાએ જમવાનું માંગી રહી હતી જે અંદાજે બે-ત્રણ દિવસથી ભૂખી હોય તેવું લાગી રહ્યું હતુ. આ જોઇને મેં પોતાનું જમવાનું તેને આપી દીધુ, અને જયારે હું ઘરે આવ્યો ત્યારે આ વાત મેં મારી પત્નીને કરી. તેણે મને બીજા દિવસે ૧૫ લોકો માટે જમવાના પેકેટ બનાવી આપ્યા, જેને મેં અલગ અલગ જગ્યાએ જઈને જરૂરિયાતમંદ લોકોને વહેંચી દીધા. ત્યારબાદ તો આ કાર્ય મારા જીવનનું નિત્યક્રમ બની ગયું.”

અઝહર વધુમાં જણાવે છે કે, “મારી નાની વયે જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું, અને મારી માતાએ ઘણીબધી મુશ્કેલીઓ વેઠીને મને અને મારા ભાઈ બહેનોને ઉછેરીને મોટા કર્યા. હું જાણું છું કે ભૂખનો અહેસાસ શું છે. એટલે મેં નિર્ણય લીધો કે મારી તાકાત પ્રમાણે હું ભૂખ્યા લોકોને દરરોજ જમવાનું જમાડીશ.”

અઝહરે શરૂઆતમાં કેટલાક દિવસો સુધી દબીરપુર ફ્લાયઓવરની નીચે જમવાનું પેકેટમાં વહેંચ્યું. ત્યારબાદ સમય જતા તેમણે જમવાનું પકાવીને વહેંચવાનું શરૂ કર્યું. થોડાકજ દિવસોમાં તે જગ્યાએ ૫૦ જેટલા લોકો જમવા આવવા લાગ્યા અને દિવસે દિવસે આવા લોકોમાં વધારો થવા લાગ્યો, જેથી અઝહરે એક રસોઈયાને સ્થાયીરૂપે રાખી દીધો. આમ એક પણ દિવસની રજા પાડ્યા વગર વધુમાં વધુ લોકો સુધી જમવાનું પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી.

આ કાર્ય માટે થનારો ખર્ચ સંપૂર્ણપણે અઝહર જાતેજ ઉઠાવે છે, અને તેમણે આ કાર્ય માટે ક્યારેય પણ કોઈની સામે હાથ ફેલાવ્યો નથી. અઝહર કહે છે કે, “હું લોકો પાસેથી પૈસાની મદદ લેતો નથી, પરંતુ કોઈ સ્વેચ્છાએ દાળ ચાવલ મોકલે તો તેને સ્વીકારી લઉં છું.” એક દિવસે કેટલાક લોકો દબીરપુર ફ્લાઈઓવરની નીચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને અઝહરના આ સેવાના કાર્ય વિષે જાણ થઈ. તે જોઇને આ લોકોએ અઝહર સાથે મુલાકાત કરીને તેમની મદદ કરવાનું નક્કી કર્યું. આ લોકો સાથે મળીને અઝહરે “સની વેલ્ફેર ફાઉન્ડેશન” ની સ્થાપના કરી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભુખમરાને ખત્મ કરવાનો છે. આજે હૈદરાબાદમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂખ્યા લોકોને જમવાનું પૂરું પાડવામાં આવે છે, અને આ ફાઉન્ડેશન એક સ્વયંસેવી સંસ્થા (NGO)ની મદદથી બેંગલોર, રાયપુર અને ગુવાહાટી જેવા શહેરોમાં પણ કામ કરી રહ્યું છે.

અઝહર માને છે કે, “જમવા માટે કોણ આવે છે તેનાથી મને કોઈ નિસ્બત નથી. હું બસ એટલું જ જાણું છું કે તેઓ ભૂખ્યા છે અને તેઓ જે જમે છે તે તેમના નસીબનું છે, જેમકે હિન્દીમાં એક કહેવત પ્રમાણે – દાને દાનેપે લિખા હૈ ખાને વાલેકા નામ.”

આજે વિશ્વમાં દર ૧૦ માણસોમાંથી એક માણસ ભૂખથી પીડાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના એક અંદાજ મુજબ વિશ્વમાં ૭.૬ અબજ લોકોમાંથી ૮૧.૫ કરોડ લોકો ભૂખથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા ભારત સહીત વિશ્વના બીજા ઘણા બધા દેશોમાં ફેલાયેલી છે. ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (IFPRI)એ પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં ભૂખમરો એક ગંભીર સમસ્યા છે, અને ૧૧૯ દેશોનાં “ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ” (વૈશ્વિક ભૂખ સૂચકઆંક)માં ભારત ૧૦૦માં નંબર પર છે. ભારતમાં તથા વિશ્વમાં આજે અઝહર મક્સુસી જેવા ઘણાબધા લોકો તથા સંસ્થાઓ ભૂખમરાને નાથવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે સેવાના કાર્યો કરી રહ્યાં છે.

Leave a Reply