તમિલનાડુની સરકારી શાળાના શિક્ષકની બદલીને રોકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

Uncategorized

થોડાક દિવસો પહેલા તમિલનાડુના તિરુવલ્લુર જીલ્લામાં વેલીયાગ્રામની એક સરકારી શાળાના શિક્ષક જી. ભગવાનની બદલી થવાને કારણે તેમને ભેટીને વિલાપ કરતા વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં લાગણી, જુસ્સો અને આવેગનું સંગમ દેખાતું હતું. પોતાના લાડીલા શિક્ષકના કોઈએ પગ પકડ્યા હતા તો કોઈ તેમને ભેટી પડ્યું હતું. દરેક વિધાર્થીની આંખોમાં આંસુ આવેલા જોઇને શિક્ષક જી. ભગવાનની આંખો પણ ભીંજાઈ ગયી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગમાંથી બદલીના આ હુકમનો કેવળ વિદ્યાર્થીઓએ જ નહિ પરંતુ વાલીઓએ પણ વિરોધ કર્યો હતો. કેટલાક વાલીઓના કહેવા મુજબ, “જો આ શિક્ષકની બદલીને રોકવામાં નહિ આવે તો તેઓ પોતાના બાળકોને આ શાળામાં મોકલશે નહી”. આ શાળાના વિધાર્થીઓએ પોતાના શિક્ષકની બદલીને રદ્દ કરવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી, જેને પગલે વિદ્યાર્થીઓનો શિક્ષક સાથેનો લગાવ જોઈ તેમની બદલીને કેટલાક સમય માટે રોકી દેવામાં આવી હતી.

દરેક વિધાર્થી પાસે આ શિક્ષક સાથેના લગાવ માટે પોતાનું આગવું કારણ હતું. શાળામાં ભણતી એક વિધાર્થીની હેમસારીએ કહ્યું હતું કે, “ભગવાન સાહેબે મારા પિતાને દારુથી થનાર નુકશાન વિષે સમજાવ્યા હતા અને સાથે સાથે તેમણે મને ડિપ્રેશન (તણાવ)થી બહાર નીકળવામાં પણ મદદ કરી હતી”. એક અન્ય વિદ્યાર્થીની વી. સાંઘવીના કહેવા મુજબ, “ભગવાન સર ખુબજ રસપ્રદ તરીકાથી ભણાવે છે, અને પોતાના જીવનની તથા અન્ય વાર્તાઓ સંભળાવીને અમને હંમેશા પ્રેરણા આપતા રહે છે. ઘણી વસ્તુઓ પ્રોજેક્ટર દ્વારા પણ અમને શીખવે છે”. વિદ્યાર્થીઓના કહેવા અનુસાર ભગવાન સાહેબ તેમને દુઃખ અને સુખ બંનેમાં સાથ આપે છે, તથા ગામમાં જઈને વિધાર્થીઓના માતા-પિતાની સમયસર મુલાકાત લેવાનું પણ ચુકતા નથી.

શાળાના શિક્ષક જી. ભગવાન કહે છે કે, “હું મારા વિધાર્થીઓની પારિવારિક પરિસ્થિતિથી સારી રીતે પરિચિત રહું છું. હું જાણું છું કે કેમ વિધાર્થીઓ સારું પરિણામ લાવી શકતા નથી, અને એ મુજબ હું તેમની મદદ કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધી આપું છું”.

જી. ભગવાનની બદલી વિષે વેલિયાગ્રામ શાળાના આચાર્ય અરવિંદે જણાવ્યું કે, “અમે સરકારી નિયમ મુજબ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકના પ્રમાણને જાળવી રાખીએ છીએ. નિયમ પ્રમાણે અમારી શાળામાંથી બે જુનિયર શિક્ષકોની બદલી થવાની હતી, જેમાં જી. ભગવાનનું પણ નામ હતું. અમને આ જાણીને ખુશી થઈ હતી કે વિદ્યાર્થીઓ શિક્ષક સાથે આટલો લગાવ રાખે છે. અમને તેમની બદલીને કેટલાક સમય માટે રોકવાનો હુકમ મળેલ છે”.

વિડીયો વાયરલ થયા પછી વિધાર્થીઓના લાડીલા શિક્ષક ભગવાને સોશિયલ મીડિયા પર થોડાકજ સમયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે, તથા શિક્ષક અને વિધાર્થીઓ વચ્ચેની આ લાગણીએ શૈક્ષણિક ક્ષેત્રમાં એક નવી મિસાલ પણ ઉભી કરી છે.

Leave a Reply