મહિલાના મૃતદેહને વતનમાં પહોંચાડવા ભારત અને પાકિસ્તાનની સેના એકજૂટ થઈ

Uncategorized

જમ્મુ અને કાશ્મીરમાં આજે પણ એવા કેટલાય પરિવારો છે કે જે ભારત અને પાકિસ્તાનમાં વહેંચાયેલા છે. કોઈ પ્રસંગ નિમિત્તે અથવા પરિવારના કોઈ સભ્યની મુલાકાત કાજે સરહદ પાર જવા આવવા માટે આવા લોકોને ઘણીબધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવને કારણે સરહદ પર અત્યંત તણાવભરી સ્થિતિ હોય છે. પરંતુ સરહદ પર ઘણીવાર તેનાથી ઉલટું ચિત્ર પણ જોવા મળતું હોય છે જયારે બંને દેશની સેનાઓ એકજૂટ થઈને કોઈ કાર્યને પાર પાડે છે.

ગયા અઠવાડિયે આવીજ કંઇક પરિસ્થિતિ ઉદ્ભવી હતી જેમાં ૭૫ વર્ષીય કુલસુમ બીબીના મૃત શરીરને ભારત પ્રશાષિત કાશ્મીરમાંથી પાકિસ્તાન પ્રશાષિત કાશ્મીરમાં ખુબજ ઓછા સમયમાં લઈ જવા માટે બંને દેશોની સેનાએ અને સ્થાનિક પ્રશાસને એકજૂટ થઈને કામ કર્યું હતું.

કુલસુમ બીબી પાકિસ્તાન પ્રશાષિત કાશ્મીરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા જેઓ ૨૫ જૂનના રોજ ક્રોસ એલઓસી (LOC) બસ સેવા દ્વારા પૂંચમાં રહેતા પોતાના ભાઈના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે આવ્યા હતા. ૩૦ જૂને હૃદયરોગનો હુમલો થવાથી તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બે દેશો વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને કારણે પરિવાર સામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો કે કુલસુમ બીબીના મૃતદેહને સરહદને પેલે પાર કઈ રીતે લઈ જવો?

સ્થાનિક પ્રશાસનમાં આ મામલાની મૃતકના ભાઈ દ્વારા જાણ કરાતા પ્રશાસન અને સુરક્ષાબળ તુરંત હરકતમાં આવી ગયા હતા અને મુખ્યાલયમાં આ વિશેની જાણ કરીને મૃતદેહને પાકિસ્તાન લઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી. સાથે સાથે પાકિસ્તાનમાં પણ આ મામલાની જાણ કરી દેવામાં આવી હતી જેથી તેઓ પણ લગતી કાર્યવાહીને જલ્દીથી પૂર્ણ કરી શકે. પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસને અને સુરક્ષા બળે પણ આ મામલામાં પૂરો સહયોગ આપ્યો હતો. ભારતીય પ્રશાસને ભારતીય સેનાની હાજરીમાં પાકિસ્તાની પ્રશાસનને મૃતદેહ સોંપ્યો હતો.

સામાન્ય રીતે આ પ્રકારની પ્રક્રિયાઓ પૂરી થતા બે થી ત્રણ દિવસ નીકળી જાય છે, પરંતુ ભારતીય સેના અને સ્થાનિક પ્રશાસનની મદદથી જરૂરી કાર્યવાહીને ઝડપથી પૂર્ણ કરીને એકજ દિવસમાં મૃતદેહને પાકિસ્તાનમાં પહોંચાડી દેવાયો હતો. સામે પાકિસ્તાનની સેનાએ તથા ત્યાંના સ્થાનિક પ્રશાસને પણ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરતા મૃતકના પરિવારજનોને મૃતદેહ માટે વધુ રાહ જોવી પડી ન હતી.

આ સંપૂર્ણ ઘટનાક્રમમાં જે રીતે બંને દેશોના પ્રશાસન તથા સુરક્ષાબળોએ એકબીજાને સહયોગ આપીને જે રીતે કામને અંજામ આપ્યો, તે પરથી સ્વાભાવિકપણે એવું પ્રતીત થાય છે કે ભલે બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો સારા ન હોય પરંતુ જો બંને તરફથી મક્કમતાની સાથે મિત્રતાના પ્રયાસ થાય તો ચોક્કસપણે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ શકે છે.

Leave a Reply