રાહુલ દ્રવિડ “આઈસીસી હોલ ઓફ ફેમ” માં સામેલ

Uncategorized

૨ જુલાઈ ૨૦૧૮, રવિવારના રોજ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કપ્તાન રાહુલ દ્રવિડ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગ અને ઇંગ્લેન્ડના ક્રિકેટર ક્લેર ટેલર જેવા દિગ્ગજ ક્રિકેટરોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ હાંસિલ કરીને દ્રવિડ આઇસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પાંચમાં ભારતીય ક્રિકેટર બની ગયા છે. આ અગાઉ ભારત તરફથી પૂર્વ કપ્તાન બિશનસિંહ બેદી, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર અને અનિલ કુંબલે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.

આઈસીસીના મુખ્ય અધિકારી ડેવિડ રિચાર્ડસને કહ્યું કે, "આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ ક્રિકેટના મહાન ખેલાડીઓને સન્માન આપવા માટે છે. વિશ્વના ફક્ત શ્રેષ્ઠ ખેલાડીઓનેજ તેમના યોગદાન બદલ તેના દ્વારા સન્માનિત કરવામાં આવે છે. અને હું રાહુલ, રિકી અને ક્લેરને આ હોલ ઓફ ફેમના ચમકતા સિતારાઓની યાદીમાં ઉમેરાવા બદલ અભિનંદન પાઠવું છું."

"ધ વોલ" તરીકે ઓળખાતા અને ૧૬૪ ટેસ્ટમાં ૩૬ સદીઓ સાથે ૧૩૨૮૮ રન નોંધાવનાર દ્રવિડ ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક છે. ક્રિકેટના આ ફોર્મેટમાં દ્રવિડ સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ચોથા નંબરે છે. તેમની સદીઓ સહિત તેમને તેમની વિનમ્રતા, ઉદારતા, વર્તણુંક તથા તેમની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે બિરદાવવામાં આવે છે.

દ્રવિડની વર્તણૂકનું વર્ણન કરતી વખતે ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી બ્રેટ-લીએ કહ્યું હતું કે, "જો તમે દ્રવિડ સાથે હળીમળી શકતા નથી તો તેનો મતલબ એમ કે તમે જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો", ભારતીય કમેંટેટર હર્ષા ભોગલેએ દ્રવિડના નિઃસ્વાર્થ સ્વભાવને વર્ણવતા કહ્યું હતું કે, "તમે તેમની રમતના વખાણ કરો તો તેઓ કોઈ બીજા ખેલાડીની રમતના પણ વખાણ કરશે. રાહુલ દ્રવિડની આજ રીત છે. મને ખબર નથી કે તે એક માનવી છે કે નહિ. કેમકે એક માનવી આટલો નિઃસ્વાર્થ કઈ રીતે હોઈ શકે?”

સચિન તેંડુલકરે દ્રવિડને અભિનંદન આપતા ટ્વીટ કરી હતી કે, "અભિનંદન, રાહુલ દ્રવિડ. વોલ છેલ્લે હોલમાં જોડાઈ ગઈ. એના માટે તું ખરેખર લાયક હતો." દ્રવિડ અને સચિનની જોડીએ ભાગીદારીમાં ૫૦.૫૧ રનની સરેરાશથી ૬૯૨૦ રન અને ૨૦થી પણ વધુ સદી નોંધાવી છે. અને આ જોડી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ રહી છે.

દ્રવિડે એક વિડીઓ દ્વારા ખુશી પ્રગટ કરતા કહ્યું હતું કે, "હોલ ઓફ ફેમમાં સામેલ થવું એક મહાન સન્માન અને વિશેષાધિકાર છે. મને આ સન્માન આપવા બદલ હું આઈસીસીનો આભારી છું. એક ખેલાડી પોતાની કારકિર્દી દરમિયાન સર્વકાલીન મહાન ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ જોવાનું માત્ર સ્વપ્નજ જોઈ શકે છે. હું આ રમતમાં મારી કારકિર્દી બનાવવા અને મારા સપના પૂરા કરવા માટે મદદ કરવા બદલ શક્ય એટલા બધા લોકોનો આભાર માનું છું."

"મારા માતા-પિતા, મારું કુટુંબ, મારી પત્ની, મારા બાળકો, મારા ઘણા બધા મિત્રો, સહકર્મીઓ કે જેની સાથે અને વિરુદ્ધ હું રમ્યો અને જેમણે મારી રમતને વધુ સમૃદ્ધ કરી તથા મારા શાળાના સમયથી લઈને આજ સુધીના તમામ કોચ, આ દરેક લોકો મારી ક્ષમતા વિકસાવવામાં ખરેખર મદદરૂપ થયા છે. હું તેમના ટેકા અને પ્રેમ વગર અહીં હોત નહિ અને આ બદલ હું તેમનો ખુબ ખુબ આભારી છું."

રાહુલ દ્રવિડને ભારતીય અંડર-૧૯ ટીમના મુખ્ય કોચ તરીકે વિશ્વ કપની જીતનો શ્રેય પણ મળેલ છે. તેઓ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ઇન્ડિયા-એ ટીમના મુખ્ય કોચ છે.

Leave a Reply