બાયો-પ્લાસ્ટિકઃ પર્યાવરણને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવવા માટેનો એક ઉત્તમ તરીકો

ઈન્ડોનેશિયાનો બાલી વિસ્તાર પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે વિશ્વભરના પર્યટકો માટે ઘણા લાંબા સમયથી એક આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પરંતુ આજે તેના ઘણાખરા સુંદર સમુદ્રી તટો પર લાખો પ્લાસ્ટિકની થેલીઓના ઢગલા ખડકાયેલા જોવા મળે છે, જેની ત્યાંના પર્યાવરણ પર ખુબજ માઠી અસરો થઈ રહી છે. પોતાના વિસ્તારને આવી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ત્યાંના એક પર્યાવરણ પ્રેમી કેવિન કુમાલાએ ઘણા વર્ષો સુધી પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટે સંશોધન કર્યું, અને છેવટે ઘણી મહેનત બાદ તેમણે એવા પ્લાસ્ટિકનું સંશોધન કર્યું કે જેનો ઉપયોગ સંપૂર્ણપણે બિનનુકશાનકારક હોય. એટલા સુધી કે તેને માણસ અથવા કોઈ અન્ય જીવ ખાઈ જાય તો પણ તેને કંઇજ નુકશાન થતું નથી.

આ પ્લાસ્ટિકને ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક અથવા બાયો-પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે, જે કસ્સાવા (એક પ્રકારનું કંદમૂળ) તથા મકાઈના સ્ટાર્ચ, શેરડીના કુચાઓ, વનસ્પતિ ફેટ તથા તેલ વગેરેમાંથી બને છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બાયો-પ્લાસ્ટિકનું વિઘટન કેવળ ૧૮૦ દિવસોમાંજ થઇ જાય છે, એટલે કે અંદાજે ૬ મહિનામાંજ તે જમીનમાં ગળીને એકરસ થઈ જાય છે. જમીનમાં મળી ગયા પછી તે સાધારણ પ્લાસ્ટિકની જેમ જમીનને પ્રદુષિત કરતુ નથી, પણ તેનું ખાતરમાં રૂપાંતરણ થઈ જાય છે. કેવિનના કહેવા મુજબ આ પ્લાસ્ટિકમાં ૦% ઝેરી દ્રવ્યો હોય છે, તેથી જો તે દરિયામાં જાય અને જો કોઈ દરિયાઈ જીવ તેને ખાઈલે તો પણ તેને કંઇજ નુકશાન થતું નથી.

વ્યવસાયિક ધોરણે બાયો-પ્લાસ્ટિકના ઉત્પાદન માટે કેવિન કુમાલા દ્વારા “અવાની” નામની કંપની સ્થાપવામાં આવી છે જ્યાં બાયો-પ્લાસ્ટિકમાંથી ઘણીબધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે છે જેમાં થેલીઓ, રેઇન કોટ, ટેક-અવે કન્ટેનર, કટલરી, સ્ટ્રો વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક વસ્તુઓ વપરાશમાં અને દેખાવમાં આમ પ્લાસ્ટિક જેવીજ હોય છે, જેમાં કસ્સાવામાંથી બનતી થેલીઓ ખુબજ પ્રચલિત બની છે. ઈન્ડોનેશિયાની સરકાર પણ પોતાના દેશમાં સાધારણ પ્લાસ્ટિકની જગ્યાએ બાયો-પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ માટે ખુબજ પ્રોત્સાહન આપી રહી છે.

એક અંદાજ મુજબ વિશ્વમાં એક વર્ષમાં આશરે ૧૦૦૦ અબજ જેટલી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થાય છે. એટલે કે દર સેકન્ડે આશરે ૩૨ હજાર થેલીઓ રોજીંદા જીવનમાં વપરાય છે. આ થેલીઓને સળીને નાશ પામતા ૫૦ થી ૧૦૦૦ વર્ષ લાગી જાય છે અને તેના વિઘટન દરમિયાન પર્યાવરણમાં તેના હાનિકારક ઘટકો ભળતા પર્યાવરણને ઘણું નુકશાન પહોંચે છે. મોટાભાગનો પ્લાસ્ટિકનો કચરો આજે સમુદ્રોમાં ઠાલવવામાં આવે છે જેના કારણે લાખો દરિયાઈ જીવો નાશ પામે છે, તથા જમીન પર રહેલો પ્લાસ્ટિકનો કચરો પણ જમીનમાં ઝેરી પદાર્થો છોડીને જમીનને પ્રદુષિત કરે છે. પ્લાસ્ટીકમાં રહેલો ખાદ્યપદાર્થ તથા પ્રવાહી લેવાથી તેના અતિસુક્ષ્મ કણો શરીરમાં જાય છે જેના કારણે સ્વાસ્થ્યને પણ ઘણું નુકશાન થાય છે. આટલા બધા નુકશાન હોવા છતાં પણ તેના વપરાશની સહુલિયતને કારણે પ્લાસ્ટિક આપણા જીવન સાથે ઘણી રીતે સંકળાઈ ગયું છે.

આજે આપણા માટે પ્લાસ્ટિકનો સાવચેતીપૂર્વક ઉપયોગ અત્યંત જરૂરી બની ગયો છે. ઠેર ઠેર પ્લાસ્ટિક રીસાયકલીંગ માટેની સુવિધાઓ ઉભી કરવી જોઈએ અને સાધારણ પ્લાસ્ટિકના બદલે બાયો-પ્લાસ્ટિક જેવા વિકલ્પોના વધુ વપરાશને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી પર્યાવરણને થઇ રહેલા નુકશાનને રોકી શકાય.

Leave a Reply