થાઇલેન્ડમાં ૧૮ દિવસથી ગુફામાં ફસાયેલા ફૂટબૉલ ટીમના ૧૨ બાળકો સહીત કોચનો બચાવ

Uncategorized

ઉત્તરી થાઇલૅન્ડમાં છેલ્લા ૧૮ દિવસથી "થામ લૂઆંગ" ગુફામાં ફસાયેલી એક ફૂટબૉલ ટીમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી છે, જેમાં ૧૨ બાળકો સહીત તેમના કોચનો સમાવેશ થાય છે. પહેલા અને બીજા દિવસે ચાર-ચાર બાળકોને અને ત્રીજા દિવસે કોચ સાથે બીજા ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં નબળા અને અશક્ત બાળકોને સૌથી પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ થઈ રહ્યો હોવાથી બચાવ ટુકડીઓને આ બાળકોને શોધવામાં ૯ દિવસો લાગી ગયા હતા. આ બચાવકાર્યમાં કુલ ૯૦ ગોતાખોર શામેલ થયા હતા, જેમાં ૪૦ ગોતાખોર થાઇલેન્ડના અને ૫૦ જેટલા ગોતાખોર બીજા દેશોના હતા. ૧૩ લોકોને શોધવા માટે થાઇલૅન્ડ ઉપરાંત ચીન, મ્યાનમાર, લાઓસ, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાંથી આશરે ૧૦૦૦થી પણ વધુ લોકો જોડાયા હતા. આ બચાવ અભિયાનમાં પ્રખ્યાત બ્રિટિશ ગોતાખોર જૉન વોલેન્થને પણ મદદ કરી હતી. નજીકની હૉસ્પિટલ ગુફાના સ્થળેથી એક કલાકના અંતરે આવેલી હોવાથી બાળકોને હૅલિકૉપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી. આ બચાવ કામગીરી દરમિયાન એક ડાઇવરનું મૃત્યુ થયું હતું.

આ ગુફામાંથી બાળકોને બહાર કાઢવા સહેલું ન હતું. બહાર આવવા માટે બાળકોએ કેટલાક કલાકો સુધી ઠંડા પાણીમાંથી પસાર થવાનું હતું, જેમાં તેમના અંગો સૂન થઈ જવાની તથા હાઇપોથર્મિયા (શરીરનું તાપમાન ઘટી જવું) થવાની શક્યતા હતી. વળી તરવાનું પણ ન જાણતા બાળકો માટે પાણીની અંદર મરજીવા (ડાઇવર્સ)નાં સાધનો સાથે તરવું ખુબજ કઠિન હતું. આ ઉપરાંત ગુફામાં રહેતાં ચામાચીડિયાં સહિતના જીવોના કરડવાની અને ગુફાનાં પાણીથી ઇન્ફૅક્શન થવાની પણ શક્યતાઓ હતી.

Thailand-cave-rescue

આ પહેલા બાળકોએ ગુફામાંથી ગોતાખોરો મારફતે તેમના માતાપિતાને પત્ર લખીને ચિંતા ન કરવાનું જણાવ્યું હતું. હસ્તલિખિત આ પત્રમાં તેમણે લખ્યું હતું કે, "ચિંતા ન કરશો, અમે બધા મજબૂત છીએ." ટીમના કોચે પણ પત્ર દ્વારા બાળકોના માતાપિતાની માફી માગતા કહ્યું હતું કે, "હું બાળકોની મારાથી બનતી તમામ કાળજી રાખીશ. મદદ માટે આવેલા તમામનો હું આભાર માનું છે તથા બાળકોના માતાપિતાની માફી પણ માગું છું."

૧૧થી ૧૬ વર્ષની ઉંમરના આ બાળકો મૂ-પા ફૂટબૉલ ટીમના સભ્યો છે જેમને તેમના આસિસ્ટન્ટ કોચ એક્કાપોલ જેનથાવૉંગ ઘણી વખત પ્રવાસે લઈ જાય છે. અગાઉ બે વર્ષ પહેલાં પણ તેઓ બાળકોને આ ગુફામાં લઈને આવ્યા હતા. આ વખતે પણ તેઓ ૨૩ જૂનના રોજ આ ગુફામાં ફરવા ગયા હતા અને ભારે વરસાદને કારણે ગુફામાં પાણી ભરાતા અટવાઈ ગયા હતા.

Leave a Reply