સમગ્ર દુનિયામાં આજે જ્યાં જંગલો કાપીને શહેરોનું નિર્માણ કરવાને વિકાસનું કાર્ય માનવામાં આવી રહ્યું છે, ત્યાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સરકારી ઈમારતોને જમીનદોસ્ત કરીને જંગલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી રાયપુરમાં ઔદ્યોગીકરણને લીધે તથા વિકાસના નામે જંગલોનો સફાયો થવાના કારણે શહેરના પ્રદૂષણમાં ખુબજ વધારો થયો હતો, અને વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં રાયપુર સાતમાં નંબર પર આવી ગયું હતું જે એક ગંભીર બાબત હતી. શહેરમાં આટલી હદ સુધી વધી ગયેલા પ્રદુષણને ઘટાડવા માટે પુનઃવનીકરણ અતિઆવશ્યક બની ગયું હતું, અને એજ દિશામાં ડગ માંડીને છત્તીસગઢની સરકારે રાયપુર શહેરમાં ૧૯ એકરના એક નાનકડા જંગલનું નિર્માણ કરીને દેશમાં એક મિસાલ કાયમ કરી દીધી છે.
રાયપુરના આમ નાગરિકોના એક જૂથે જયારે પોતાના શહેરની આવી હાલત જોઈ ત્યારે શહેરમાં તેમણે ન્યુયોર્ક સ્થિત સેન્ટ્રલ પાર્ક જેવા એક પાર્કના નિર્માણનો વિચાર પોતાના કલેક્ટર ઓમ પ્રકાશ ચૌધરી સમક્ષ રજુ કર્યો. આ વિચારથી પ્રભાવિત થઈને ઓમ પ્રકાશે તેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી રમણસિંહ સામે મુક્યો હતો, જેને પગલે મુખ્યમંત્રીએ ૧૦૦૦ કરોડના એક વ્યવસાયિક પ્રોજેક્ટને રદ્દ કરીને જંગલના વિકાસ માટે મંજુરી આપી દીધી હતી. આ જંગલ માટે સરકાર દ્વારા શહેરમાં ૧૯ એકર જમીન અને ૧૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું જેનું નિર્માણ આજે પૂરું થવાની આરે છે. અને આ સિવાય રાયપુર જીલ્લામાં બીજા ૫ લાખ વૃક્ષો પણ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે. આ નાનકડું જંગલ ઓક્સી-ઝોનના નામે પ્રચલિત થયું છે જેમાં ૩ હજાર જેટલી અલગ અલગ પ્રજાતિઓને વિકસાવવામાં આવી રહી છે, જેની સાથે આ જંગલ ભારતનું સૌપ્રથમ માઈક્રો-ફોરેસ્ટ બનવા જઈ રહ્યું છે.
જંગલ માટે ફાળવવામાં આવેલી આ જમીન શહેરની વચ્ચે આવેલી છે. આ જગ્યામાં ૭૦ જેટલી સરકારી ઇમારતો હતી, જેમાંથી ૯૫% ઈમારતો જૂની અને જર્જરિત સ્થિતિમાં હોવાથી સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી છે, અને આશરે ૫% ઇમારતો જે સારી સ્થિતિમાં હતી તેમને જાળવી રાખવામાં આવી છે, જેનો ઉપયોગ મ્યુઝિયમ અને સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે કરવામાં આવશે. આ ઓક્સી-ઝોનમાં હવે પછી કોઈજ નવી ઇમારતો બનાવવામાં આવશે નહીં. અહિયાં લગભગ ૮૦ જેટલા ગરીબ પરિવારો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તેમને શહેરમાં અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી સારી સુવિધા વાળા મકાન ફાળવવામાં આવ્યા છે. અહિયાં કેટલાક નાના નાના તળાવો પણ બનાવવામાં આવ્યા છે જે આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચા લાવવા માટે મદદ કરશે. ઑક્સી-ઝોનમાં એવા પ્રકારના વૃક્ષો વધુ વાવવામાં આવ્યા છે જે મહત્તમ માત્રામાં ઓક્સિજન પેદા કરે. ઑક્સી-ઝોનનું નિર્માણ કાર્ય પૂરું થતાંજ તેને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
આજે રાયપુરમાં જ્યાં ઑક્સી-ઝોનનું કામકાજ હજુ અંતિમ ચરણોમાં છે ત્યાં રાજ્ય સરકારે રાજ્યના બીજા ૧૦ જિલ્લાઓમાં પણ ઑક્સી-ઝોન બનાવવાની જાહેરાત કરી દીધી છે, જેમાં દંતેવાડા, દુર્ગ, બેમેતરા, બલરામપુર, બીજાપુર, ધમતરી, ગરિયાબંદ, બલોદાબાજાર, બાલોદ અને બિલાસપુર જીલ્લાનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે આજે રાયપુરમાં ખુબજ મોટી સંખ્યામાં વૃક્ષો અસ્તિત્વમાં આવતા શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘણા અંશે નીચું આવ્યું છે અને આ રીતે સરકાર અને જનતાને શહેરમાં પ્રદુષણને નાથવામાં ખુબજ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
Image Source: globe-views.com