ડચ આર્કિટેક્ટે વિકસાવી ગુરુત્વાકર્ષણબળની મદદથી વીજ ઉત્પાદનની તકનીક

Uncategorized

યનયાપ રૌસેનાર્સ નામના ડચ આર્કિટેક્ટે સ્થાયી રૂપે મફત ઉર્જા પેદા કરવા માટેની એક નવી તકનીક વિકસાવી છે. રૌસેનાર્સની આ તકનીકમાં વજનને સતત અસંતુલિત કરીને ગુરુત્વાકર્ષણબળના ઉપયોગ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ સૌર, પવન, ભૂઉષ્મા (Geothermal) તથા ભરતી (Tidal) જેવા પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતોમાં એક નવો વિકલ્પ ઉમેરાયો છે.

રૌસેનાર્સ કહે છે કે, “હું વિચારતો હતો કે, જેના દ્વારા પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષી રહી હોય એવા ગુરુત્વાકર્ષણબળની મદદ વડે આપણે હજુ પણ કંઇક મેળવી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણબળની મદદથી આ યંત્રની ટોચ પર મુકેલા વજનને નાનકડા બળ વડે અસંતુલિત કરીને તેના તળિયે મોટા પ્રમાણમાં બળ પેદા કરી શકાય છે અને આ બળને કોઈ ચોક્કસ ઉપયોગમાં લઈ શકાય છે.” તેમના કહેવા અનુસાર આ તકનીક વડે વિદ્યુત ઉર્જા પેદા કરી શકાય છે.

વૈજ્ઞાનિકો આ પદ્ધતિને એક સફળ તકનીક ગણાવી રહ્યા છે. થિયો ડી વ્રીસ, કે જેઓ યુનિવર્સીટી ઓફ ટવેન્ટેે સાથે સંકળાયેલા “રોબોટિક્સ એન્ડ મિકેટ્રોનિકસ” ગ્રુપના સિસ્ટમ આર્કિટેક્ટ અને વરિષ્ઠ અધ્યાપક છે, તેઓ કહે છે કે, “ગુરુત્વાકર્ષણના આવા ચપળ ઉપયોગ દ્વારા પીઝો પદ્ધતિ વડે યાંત્રિક દબાણથી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત ઊર્જાને ૨૦ થી ૮૦% સુધી વધારી શકાય છે. રૌસેનાર્સે આ પદ્ધતિને ખરેખર અદ્ભુત રીતે વિકસાવી છે, જેના કારણે આજે વૈજ્ઞાનિકો આ પદ્ધતિને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. હવે પછી આપણી પાસે જે કંઈ પણ યાંત્રિક ઉર્જાના સ્વરૂપમાં ઉપલબ્ધ છે, તે બધું જ વાસ્તવમાં ઉપયોગી નિવડી શકશે. હું રૌસેનાર્સનો આ આવિષ્કાર બદલ ખુબ ખુબ આભાર માનું છું.”

આ તકનીક પીઝોઇલેક્ટ્રિક ઈફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કેટલાક ચોક્કસ પ્રકારના પદાર્થ જેવાકે કવાર્ટઝ અથવા ટોપાઝ પર જયારે કોઈ બાહ્યબળ લગાવવામાં આવે ત્યારે તે વિદ્યુતઉર્જા પેદા કરે છે જેને પીઝોઇલેક્ટ્રિક ઈફેક્ટ કહેવાય છે. આવા પદાર્થોને જયારે તણાવ અથવા દબાણ હેઠળ મુકવામાં આવે ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોનના સ્થળાંતરથી વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને રૌસેનાર્સે એક યંત્ર બનાવ્યું જેમાં ગુરુત્વાકર્ષણબળની મદદથી પદાર્થ ઉપર સતત દબાણ અને તણાવની પરિસ્થિતિ ઉભી કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે છે.

યુનિવર્સીટી ઓફ ખ્રોનીંગનના અધ્યાપક બેઆત્રિસ નોહેડાના કહેવા અનુસાર, “હું ખરેખર માનું છું કે પીઝોઇલેક્ટ્રિક ઉર્જા ઉત્પાદન ભવિષ્યમાં ખુબજ ઉપયોગી સાબિત થશે. અને તેની કાર્યક્ષમતામાં થઈ રહેલો વધારો આવકાર્ય છે. એવી પરિસ્થિતિઓમાં કે જ્યાં સોલાર મોડ્યુલ પર આપણે સ્થાયીરૂપથી કાર્ય કરી શકતા નથી, ત્યાં આ નવી તકનીકનો ખુબ સારો ઉપયોગ કરી શકીશું.”

થિયો ડી વ્રીસ અને યન હોલ્ટરમેન નામના વૈજ્ઞાનિકો, કે જેઓ ઔદ્યોગિક ક્ષેત્રે તકનીકી સમસ્યાઓને ઉકેલતી વીઆઈઆરઓ (VIRO) નામની આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગ કંપનીમાં કાર્યરત છે, તેઓ આ તકનીકના વાસ્તવિક જીવનમાં થઈ શકતા ઉપયોગો પર રૌસેનાર્સ સાથે મળીને કામ કરશે. આ તકનીકના સંભવિત ઉપયોગોની યાદીમાં ફોન ચાર્જર અથવા ઘરોમાં પ્રકાશ માટેના જનરેટરનો સમાવેશ થઈ શકે છે જેમાં બીજી પણ અગણિત શક્યતાઓ રહેલી છે.

Leave a Reply