ગરીબ વિદ્યાર્થીનીની ફીસ જાતે ભરીને એડમિશન અપાવતા દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક મિત્રો

આજે સમગ્ર દેશમાં ઘણાં વિદ્યાર્થીઓ દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાની ઇચ્છા ધરાવતા હોય છે. સામાન્ય રીતે એડમિશન માટેની તમામ પ્રક્રિયાઓના અંતે માત્ર થોડાક જ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક એડમિશન મેળવી શકતા હોય છે, પરંતુ ઘણાં વિદ્યાર્થીઓ પોતાની કાબેલિયત હોવા છતાં પણ ફીસ ભરવા માટેની નાણાકીય સગવડ ન હોવાના કારણે એડમિશન મેળવી શકતા નથી, અને અંતે આવા વિદ્યાર્થીઓ પાસે પોતાનું એડમિશન છોડી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. કેટલાક દિવસો પહેલા દિલ્હી યુનિવર્સિટીમાં આવી જ એક ગરીબ વિદ્યાર્થીની માટે દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક મિત્રોએ સાથે મળીને તેના એડમિશનની ફીસ ભરી તેના ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન પૂરું કરવા માટે મદદગાર બન્યા હતા.

દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજના અધ્યાપક નંદની સેને એક ફેસબુક પોસ્ટ લખી હતી. જેમાં તેઓ કહે છે કે, "ગઈકાલે એક ૧૮ વષર્ની વિદ્યાર્થીની કોલેજમાં એડમિશન માટે આવી હતી, તેણે એડમિશન માટેની તમામ યોગ્યતાઓ હાસિલ કરી લીધી હતી, પરંતુ તેની પાસે ફીસ ભરવા માટે પૈસા ન હતા. તેના પિતાનું અવસાન થઈ ગયું હતું, અને તેની માતા પણ બીમારીની અવસ્થામાં હતા, જે પોતાના પરિવારનું ગુજરાન શાકભાજી વહેચીને ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતાની બીમારીના કારણે તે પણ કામ પર જઈ શક્યા ન હતા.

જે અધ્યાપક એડમીશનનું કામકાજ સંભાળે છે, તે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, "તમને શું લાગે છે? આપણે શું કરવું જોઈએ?”. આ વિષય ઉપર અમે તરતજ ફેસલો કર્યો અને સૌથી પહેલા અમારા પ્રિન્સિપાલે પોતાના બટવામાંથી પૈસા નીકાળીને આપી દીધા, અને અડધા કલાકમાં તો એડમિશનનું કામકાજ સંભાળતા સ્ટાફના દરેક લોકો ભેગા થઈને તેની ફીસ ભરવાનો નિર્ણય લીધો, તથા અમારામાંથી એક અધ્યાપકને તેની ફીસ ઓનલાઈન ભરવાની જવાબદારી સોપવામાં આવી.

ત્યારબાદ એક અધ્યાપકે ફોન કરીને તેની માતા ને કહ્યું કે, "તમારી દીકરીની મદદ માટે અમે હાજર છીએ, મહેરબાની કરીને તેનો અભ્યાસ ચાલુ રહેવા દેજો."

ભારતી કોલેજના અધ્યાપકો પાસે વિશાળ હૃદય છે, જે ફરીથી ગઈ કાલે સાબિત થઈ ગયું. યુનિવર્સીટી અને શિક્ષકોના વિષે ઘણું બધું લખવામાં આવે છે, પરંતુ આવી નાની નાની વાતો કે જેમાં શિક્ષકો પોતાની ફરજથી એક કદમ આગળ વધીને વિદ્યાર્થીઓની મદદ કરે છે, તેના વિષે ખુબ ઓછા લોકો જાણતા હોય છે.
અને આજ કારણે મને મારી નોકરી ખુબ પસંદ છે”

Leave a Reply