પ્લાસ્ટિક બેંક- જ્યાં પ્લાસ્ટિકનો કચરો જમા કરાવીને યોગ્ય વળતર મેળવી શકાય છે

Uncategorized

પ્લાસ્ટિકનો નિકાલ આજે સમગ્ર વિશ્વ સામે એક મોટો પડકાર બની ગયો છે. તેનો આહાર-શ્રુંખલામાં પ્રવેશ થવાથી અસંખ્ય જીવો તેનો ભોગ બની રહ્યા છે, જેની સૌથી ખરાબ અસર દરિયાઈ જીવો પર થઈ રહી છે. આ મુદ્દા પર વિશ્વના લગભગ બધા જ દેશો ખુબ ગંભીરતાથી વિચારી રહ્યા છે, તથા ઘણાં જાગૃત લોકો પણ પોત પોતાની રીતે આની પાછળ મહેનત કરી રહ્યા છે. તેવા લોકોમાંથી એક છે કેનેડાના ડેવિડ કેટ્સ કે જેમણે દરિયામાં તથા નદીઓમાં જતા પ્લાસ્ટિકને રોકવા માટે "પ્લાસ્ટિક બેંક"ની સ્થાપના કરી છે, જ્યાં લોકો પાસેથી પ્લાસ્ટિક સ્વીકારવામાં આવે છે અને તેના બદલામાં તેમને નાણું ચુકવવામાં આવે છે.

ડેવિડના માનવા પ્રમાણે દરિયામાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા કરતા પહેલા એ અત્યંત જરૂરી છે કે સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રદેશોમાંથી દરિયામાં જતા પ્લાસ્ટિકને પ્રથમ રોકવામાં આવે, કેમકે જો તેવું નહિ કરવામાં આવે તો દરિયામાં પ્લાસ્ટિકના કચરાનો ક્યારેય અંત આવશે નહિ. વિકસિત દેશો કદાચ મોટા પાયે પ્લાસ્ટિકની રીસાયકલીંગ સુવિધાઓ સ્થાપીને પોતાના દેશમાંથી દરિયામાં જતો કચરો રોકી લે, પરંતુ દુનિયામાં ઘણાં એવા ગરીબ દેશો પણ છે કે જે પ્લાસ્ટિકના રીસાયકલીંગ મથકો સ્થાપી શકતા નથી, અને ત્યાં પણ કોઈ ને કોઈ સુવિધા એવી હોવી જોઈએ કે જેના દ્વારા આ દેશોમાં પણ પ્લાસ્ટિકના કચરાનું નિકાલ લાવી શકાય અને તેને દરિયામાં જતો અટકાવી શકાય.

આ જ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિડે પ્લાસ્ટિક બેંકની સ્થાપના કરી, જ્યાં કોઈ પણ માણસ પ્લાસ્ટિકનો કચરો જમા કરાવી શકે છે અને તેના બદલામાં પૈસા મેળવી શકે છે અને તે સિવાય સ્ટોરમાં રહેલી કોઈ પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદી શકે છે. આજે ઘણાં લોકો ઠેર ઠેરથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને રાબેતા મુજબ પ્લાસ્ટિક બેંકમાં જમા કરાવે છે અને તેના બદલામાં મળતા નાણાં દ્વારા સરળતાથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આમ આ સંસ્થા પ્લાસ્ટીકના કચરાનું નિવારણ લાવવાની સાથે સાથે ગરીબી મીટાવવાની દિશામાં પણ કાર્ય કરી રહી છે.

જે પ્લાસ્ટિક ભેગું કરવા આવે છે તેનું વર્ગીકરણ કરી તેમાંથી બિનજરૂરી વસ્તુઓ, લેબલ તથા ઢાંકણ અલગ તારવી લેવામાં આવે છે. આ પ્લાસ્ટિકના નાના નાના ટુકડા કરી તેમને ગાંસડીઓમાં બાંધીને નિકાસ માટે તૈયાર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકને “માર્ક્સ એન્ડ સ્પેન્સર”, "શેલ" તથા “હેન્કલ” જેવી મોટી કંપનીઓને વેચી દેવામાં આવે છે જેઓ તેનો ઉપયોગ પોતાના ઉત્પાદનમાં કરે છે. ૨૦૧૩માં શરુ થયેલી આ પ્લાસ્ટિક બેન્કે આજ સુધી લાખો ટન પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો છે, અને અસંખ્ય લોકોને તેના દ્વારા ફાયદો થયો છે, જેના કારણે આ પ્લાસ્ટિક “સામાજિક પ્લાસ્ટિક”(સોશિયલ પ્લાસ્ટિક) તરીકે જાણીતું થયું છે.

જયારે રસ્તા પર નકામાં પડેલા પ્લાસ્ટિકની કિંમત મળતી હોય તો તેને લોકો કચરારૂપે જોતા નથી, અને નદીઓમાં કે દરિયામાં ફેંકવાની જગ્યાએ તેને નજીકની પ્લાસ્ટિક બેંકમાં જમા કરાવીને તેનું વળતર મેળવી લે છે. આમ પર્યાવરણમાંથી પ્લાસ્ટિક તો સાફ થાય જ છે પરંતુ સાથે સાથે લોકોની ગરીબી પણ દૂર થાય છે. કેટલીક કંપનીઓ તો વળી પોતાની સામાજિક ફરજ સમજીને આ પ્લાસ્ટીકને બજાર કિંમત કરતા વધુ કિંમત આપીને ખરીદી લે છે, અને આમ પ્લાસ્ટિક જમા કરાવનારને પણ સામે વધુ કિંમત આપી શકાય છે.

પ્લાસ્ટિક બેંક આજે હૈતી, બ્રાઝીલ અને ફિલિપાઇન્સમાં કાર્યરત છે, તથા ઇન્ડોનેશિયા સાથે પણ તાજેતરમાં કરાર થતા ટૂંક સમયમાં ત્યાં પણ પ્લાસ્ટિક બેંક સ્થાપવામાં આવશે. આ સિવાય ભારત અને ઇથોપિયામાં પણ પ્લાસ્ટિક બેંકની સ્થાપના અંગે વિચારણા થઈ રહી છે.

Image Source: http://www.unenvironment.org

Leave a Reply