મેગ્સેસે અવોર્ડ વિજેતાઓની યાદીમાં ભારતના બે ખ્યાતનામ વ્યક્તિઓની પસંદગી

Uncategorized

પોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવેલ, સમાજના લાભાર્થે કાર્ય કરનાર તથા વિશ્વ વિખ્યાત ખ્યાતીઓ હાસિલ કરનાર વ્યક્તિઓને જુદા-જુદા પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે. જેવા કે, ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી વગેરે. ફિલીપાઈન્સના સાતમાં પ્રેસિડેન્ટ રેમન મેગ્સેસેના નામ પરથી “ધ રેમન મેગ્સેસે અવોર્ડ ફાઉન્ડેશન” દર વર્ષે ૩૧ ઓગસ્ટના દિવસે એશિયાઈ દેશોના ખ્યાતનામ વ્યક્તિઓને એવોર્ડ આપે છે, જેમણે સમાજના વિકાસ અને લોકોના ઉદ્ધારણનાં કાર્યોમાં મહત્વનો ફાળો આપ્યો હોય.

૨૬ જુલાઈ, ૨૦૧૮ ના દિવસે “ધ રેમન મેગ્સેસે અવોર્ડ ફાઉન્ડેશન” દ્વારા છ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી જેમને આગામી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ એવોર્ડ પુરસ્કૃત કરવામાં આવશે. જાહેર થયેલી આ યાદીમાં ભારતના બે મહાનુભાવો ભરત વટવાણી અને સોનમ વાંગચુકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

“ધ રેમન મેગ્સેસે અવોર્ડ ફાઉન્ડેશન” ના જણાવ્યા અનુસાર ભરત વટવાણી મુંબઈમાં મનોચિકિત્સક છે, જેમને ગરીબ અને ભટકી ગયેલા માનસિક ક્ષતિગ્રસ્ત લોકોની સારવાર કરી તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા કાર્યના બદલામાં એવોર્ડ આપવામાં આવશે. વટવાણી અને તેમના પત્ની છેલા ઘણાં વર્ષોથી રસ્તા પર ભટકી રહેલા મનોરોગિયો કે જે પોતાના ઘરે પાછા જઈ શકતા નથી, તેવા લોકોને પોતાના ક્લિનિક પર લાવી તેમની સારવાર કરે છે. આ માટે તેમણે ૧૯૮૮માં “શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશન” ની સ્થાપના કરી હતી, જ્યાં આવા માનસિક ક્ષતિગ્રસ્ત લોકોને મફતમાં ભોજન અને આશ્રયની સુવિધા આપવા ઉપરાંત તેમને પોતાના પરિવાર સાથે મેળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ એવોર્ડના બીજા ભારતીય વિજેતા સોનમ વાંગચુક જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારના રહેવાસી છે, અને પોતે એક મિકેનીકલ એન્જીનિયર છે. વાંગચુકની આગવી શૈલી અને કાર્યપ્રણાલીના લીધે મેગ્સેસે એવોર્ડ યાદીમાં તેમનું નામ શામિલ કરવામાં આવ્યુ છે. વાંગચુકે લદ્દાખ જેવા અંતરિયાળ વિસ્તારના વિકાસ માટે મહત્વનું યોગદાન પૂરું પાડ્યું છે. લદ્દાખના યુવાનોને રોજગારીની તકો મળી રહે અને તેઓ દરેક ક્ષેત્રો સાથે સંકળાયેલા રહે તેના માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા છે. ૧૯૮૮ મા એન્જીનિયરીંગનો અભ્યાસ પૂરો કરી વાંગચુકે પોતાના ભાઈ અને કેટલાક મિત્રોના સહયોગથી “સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચર મુવમેન્ટ ઓફ લદ્દાખ” ની સ્થાપના કરી હતી, જેના દ્વારા ૧૯૯૪ માં સરકારી શિક્ષણ વિભાગ સાથે મળીને શૈક્ષણિક સુધારણા માટે “ઓપરેશન ન્યૂ હોપ”(ઓએનએચ) નામનું અભિયાન શરુ કર્યું હતું. આ સિવાય લદ્દાખ જેવા વિસ્તારમાં પાણીની સ્થાનિક સમસ્યાને નિવારવા માટે તેમણે “આઈસ સ્તૂપ” જેવા જળસંગ્રહ માટેના એક ઉત્તમ નમૂનાની શોધ કરી છે, જેના કારણે તે વિસ્તારમાં આજે ખેતી સરળ બની શકી છે. તેમના ઉમદા કાર્યોના કારણે તેમને ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે જેવા કે,

• ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેઇનેબલ આર્કિટેક્ચર (૨૦૧૭)
• રોલેક્ષ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ (૨૦૧૬)
• રીયલ હીરોઝ એવોર્ડ (૨૦૦૮)
• અશોકા ફેલોશિપ ફોર સોશિયલ એન્ટરપ્રિનરશીપ (૨૦૦૨)

રેમન મેગ્સેસે પુરસ્કારના અન્ય વિજેતાઓમાં યુક ચાંગ (કમ્બોડિયા), મારીયા ડી લોર્ડ્સ માર્ટીન્સ ક્રૂઝ (પૂર્વ તિમોર), હોવર્ડ ડી (ફિલીપાઈન્સ) અને વો થી હ્વાંગ યેન (વિયતનામ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply