શું શિક્ષણ દ્વારા હિંસક જૂથોમાં થતી યુવાનોની ભરતી ઘટાડી શકાય છે?

Uncategorized

છેલ્લા ૩૦ વર્ષથી ગૃહયુદ્ધમાં સપડાયેલા સોમાલિયાની ૭૦ ટકા જેટલી વસ્તી ૩૦ વર્ષથી ઓછી ઉંમરની છે, જ્યાં યુવાનો અને યુવા-શિક્ષણ દેશના શાંતિપૂર્ણ ભવિષ્ય માટે ચાવીરૂપ બની શકે છે.

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, યુદ્ધવાળા વિસ્તારોમાં શિક્ષણની વધતી જતી સવલતને લીધે સશસ્ત્ર જૂથોને મળતા સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. “મર્સી કોર્પ્સ” નામની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે સોમાલિયાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કે જ્યાં યુવાનોને માધ્યમિક શિક્ષણની સુવિધા મળે છે, ત્યાં હિંસક જૂથોને સમર્થન આપવાની શક્યતા બીજા અન્ય સંઘર્ષગ્રસ્ત વિસ્તારના યુવાનો કરતા લગભગ અડધી છે.

મર્સી કોર્પ્સના વરિષ્ઠ સંશોધક બેઝા તસફાયેએ જણાવ્યું કે, “અમે સામાન્ય રીતે જોયું કે, માધ્યમિક શિક્ષણ આપવાથી યુવાનો દ્વારા રાજકીય હિંસાને સમર્થન આપવાની શકયતા લગભગ ૪૮ ટકા સુધી ઘટી છે.” અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે નાગરિક સંલગ્નતાની તકો સાથે શિક્ષણને જોડવાથી યુવાનોમાં હિંસાને ટેકો આપવાની સંભાવનાઓ ૬૫ ટકા જેટલી ઓછી જોવા મળી છે.

અભ્યાસ માટે સોમાલિયાના સાઉથ સેન્ટ્રલ અને પન્ટલેન્ડ વિસ્તારમાં ૧૫ થી ૨૪ વર્ષની વયના ૧,૨૦૦થી વધુ યુવાનોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. "દેશના એક ભાગમાં રહીને અમે ફકત સલામત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને તારણો કાઢવા માંગતા ન હતાં. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જવું અમારી માટે પડકારજનક હતું." તસફાયેએ જણાવ્યું. "થોડાક વર્ષો અગાઉ અલ-શબાબના અંકુશ હેઠળ વાળા કેટલાક સમુદાયો સુધી પહોંચવામાં પણ અમે સફળ રહ્યા હતા."

મર્સી કોર્પ્સ દ્વારા રજુ કરવામાં આવેલા અહેવાલમાં યુએસએડ દ્વારા શરુ કરવામાં આવેલી “સોમાલી યૂથ લર્નર્સ” નામક પહેલની અસર માપવામાં આવી છે. આ પહેલનો હેતુ ૧,૦૦,૦૦૦થી વધુ યુવાનો માટે શાળાના બાંધકામ તથા પુઃનર્વસન અને શિક્ષકોના પ્રશિક્ષણ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. આ કાર્યક્રમે વિદ્યાર્થી ક્લબો તથા યુવાનોની આગેવાની હેઠળ અલગ અલગ સમુદાયોને જોડવાની તકો પણ ઉભી કરી છે.

દક્ષિણ સુદાનમાં વિવિધ એનજીઓ દ્વારા પણ સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં શિક્ષણની અસર નોંધવામાં આવી છે. “ગ્લોબલ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન” ના આયોજકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, "સશસ્ત્ર જૂથોને ઘટાડવા માટે શિક્ષણ શું કરી શકે છે તેનો અમે જાતેજ અનુભવ કર્યો છે."

દક્ષિણ સુદાનમાં જી.પી.ઈ.ના વડા ફઝલે રબ્બાનીએ જણાવ્યું કે, "શાળા સમુદાયો માટે આશાના પ્રતીક સમાન છે. માતાપિતા બાળકોને શાળાએ મોકલવા માંગે છે. શાળાએ જતા બાળકો સમુદાયમાં રહીને સમુદાય માટે યોગદાન આપે છે."

નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું છે કે સંઘર્ષને ઘટાડવા માટે ફકત શિક્ષણ આપવું પૂરતું નથી. શિક્ષણની સાથે-સાથે રોજગારીની તકો ઉભી કરવામાં ન આવે તો યુવાનો માર્ગ ભટકી શકે છે.

તસફાયેએ જણાવ્યું કે "શિક્ષણ મહત્વનું છે પરંતુ તે પૂરતું નથી, યુવાનોને રાજકીય અને આર્થિક રીતે જોડવા માટે તેમને વાસ્તવિક અર્થપૂર્ણ તકો સાથે પણ જોડવાની જરૂર છે. યુવાનોને આ પહેલમાં કેન્દ્ર બિંદુએ રાખવાની જરૂર છે કારણ કે તેઓ માત્ર લાભાર્થીઓ નથી, તેઓ તેમના સમુદાય માટે આવનારા સમયના નેતાઓ અને ચાવીરૂપ કાર્યકર્તાઓ પણ હશે."

This story, by Kate Roff, was originally published in Peace News Network in English. All translations are the responsibility of Prasannprabhat.com

Leave a Reply