એસ્ટોનિયા: નિઃશુલ્ક સાર્વજનિક પરિવહન યોજનાને અમલમાં મુકનારો વિશ્વનો પ્રથમ દેશ

Uncategorized

યુરોપના એસ્ટોનિયા દેશમાં જન-કલ્યાણની દિશામાં એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જ્યાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં બસ પરિવહન સેવા મફત કરી દેવામાં આવી છે, અને તેના માટે દેશમાં દુનિયાનું સૌથી મોટું મફત સાર્વજનિક પરિવહન નેટવર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ સાથે સ્થાનિકો તથા પ્રવાસીઓને દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં.

દેશની આર્થિક બાબતો તથા માળખાના મંત્રી કાદરી સિમ્સન જણાવે છે કે, “અમારો ધ્યેય એ છે કે સમગ્ર એસ્ટોનિયાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં લોકો માટે પરિવહનના અન્ય વિકલ્પો તથા સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે.”

એસ્ટોનિયાની સરકાર ખુબ પહેલેથી જ જાહેર પરિવહન માટે સહાયો આપી રહી છે. દેશની રાજધાની ટેલીનમાં વર્ષ ૨૦૧૩ થીજ પરિવહન મફત કરી દેવાયું હતું. અને આજે બીજા અન્ય શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિવહન મફત કરી દેવાયું છે. જો કે દેશમાં ટ્રેન વ્યવહાર માટે તથા દેશના કેટલાક શહેરોમાં બસ વ્યવહાર માટે હજુ પણ ભાડા વસુલવામાં આવશે.

કેટલાક નિષ્ણાતોના મત મુજબ મફત વાહનવ્યવહારથી રસ્તાઓ પરની વાહનોની ભીડ ઓછી થશે તથા પ્રદુષણમાં પણ ઘટાડો થશે, આ ઉપરાંત રોડ જાળવણી ખર્ચમાં પણ કેટલાક અંશે ઘટાડો કરી શકાશે. બેરોજગાર લોકોને નોકરી શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં, જેથી રોજગારી શોધવાની પ્રવૃતિઓને વેગ મળશે. અને આમ રોજગારી વધવાથી ટેક્ષ ઉઘરાણી વધશે જેના કારણે આર્થિક પ્રવૃતિઓને પણ પ્રોત્સાહન મળશે.

ટેલીન શહેરના પરિવહન યોજનાના પ્રવક્તા અલાન અલાકુલા જણાવે છે કે, “શહેરમાં મફત બસ સેવા લાગુ કર્યા પહેલા શહેરનો મધ્ય ભાગ ગાડીઓથી ભરચક રહેતો હતો, પણ હવે પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન મળ્યું છે અને આમ શહેરને એક નવું જીવન મળ્યું છે.”

તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે, ભાડા-મુક્ત પરિવહન લાગુ કર્યા પછી ટેલીન શહેરમાં બસ સેવાના વપરાશમાં ૧૪ ટકાનો વધારો થયો છે અને નાના વાહનોમાં થતી મુસાફરીમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે કેટલાક નિષ્ણાતો આ યોજના પર ચિંતા પણ જતાવી રહ્યા છે જેમ કે બસ સેવા મફત કરી દેવાથી બસોમાં વધુ પડતી ભીડ થઈ શકે છે અને જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

વિશ્વના બીજા દેશો પણ એસ્ટોનિયાના આ પ્રયોગ પર નજીકથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મે મહિના માં યુકે, ચીન, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિતના રાષ્ટ્રોના અધિકારીઓ આ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે ટેલીનમાં ભેગા થયા હતા. હાલમાં વિશ્વભરમાં આશરે ૧૦૦ જેટલા મફત પરિવહનના પ્રયોગો ચાલી રહ્યાં છે. પેરિસ પણ તેના ૧૧ મિલિયન નિવાસીઓ માટે મફત પરિવહન પૂરું પાડવા માટે એક મહત્વાકાંક્ષી યોજના વિષે વિચારી રહ્યું છે, જે અમલમાં આવ્યા પછી વધુ વસ્તી વાળા દેશો માટે એક નમુનારૂપ સાબિત થશે.

Image Source: skyscrapercity.com

Leave a Reply