કેરલામાં ધાબળાના એક નાનકડા વેપારીએ સંપૂર્ણ સ્ટૉક પૂરગ્રસ્ત લોકોને દાનમાં આપી દીધો

Uncategorized

અત્યારે કેરલામાં લોકો ભયંકર પૂરનો સામનો કરી રહ્યા છે, જેમાં હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ પણ ઘુમાવ્યા છે. દેશભરમાં વિવિધ જગ્યાઓથી લોકો વ્યક્તિગત રીતે તથા સંસ્થાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડીને માનવસેવા કરી રહ્યા છે.

આવા જ એક વ્યક્તિ વિષ્ણુ કછાવા કે જે ધાબળાઓના વેપારી છે તેમને પણ પોતાની દુકાનમાં રહેલા ધાબળાનો સંપૂર્ણ સ્ટૉક(માલ) પૂરગ્રસ્ત લોકો માટે દાનમાં આપી દીધો છે. વિષ્ણુના આ ઉમદા કાર્યની સોશિયલ મિડિયા પર પણ ખુબ પ્રસંશા થઈ રહી છે, અને લોકો આ માનવસેવાના કાર્યને ખૂબ વધાવી રહ્યા છે.

આ વખતે જયારે વેપાર માટે ધાબળાઓની ખરીદી કરીને તેઓ કેરલા પાછા ફર્યા ત્યારે તેમને પૂર વિષે જાણ થઈ હતી. રાજ્યમાં કેટલી હદ સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની જાણ તેમને ઇરિટ્ટી વિસ્તારના તાલુકા ઓફીસની મુલાકાત લેતા થઈ હતી. જયારે ત્યાંના અધિકારીએ તેમને રાજ્યની ભયંકર પરિસ્થિતિ વિષે પરિચિત કર્યા ત્યારે તેમણે પોતાની દુકાનમાં રહેલો ધાબળાઓનો સંપૂર્ણ સ્ટૉક કલેકટર દ્વારા સંચાલિત રાહત કેમ્પમાં દાનમાં આપી દીધો હતો, અને માલ વગર પોતે કઈ રીતે વેપાર કરશે તેના વિષે તેમણે જરા પણ વિચાર કર્યો ન હતો.

વિષ્ણુ મૂળ મધ્યપ્રદેશના વતની છે, જેઓ નિયમિતરૂપે હરિયાણાથી ધાબળા ખરીદીને કન્નુર જિલ્લાના ઇરિટ્ટી વિસ્તારમાં વેચે છે, અને ત્યાંજ તેઓ પોતના કુટુંબ સાથે પણ રહે છે.

“ઓનમનોરમા” નામના સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં વિષ્ણુ જણાવે છે કે, *“કન્નુર મારું બીજું ઘર છે. કેરલાએ મને બધું જ આપ્યું છે- રહેવા માટેનું સ્થળ, મારા પરિવારનું ભરણપોષણ તથા બાળકોના ઉછેર માટે આજીવિકા વગેરે. મારી પાસે જે હતું એ જ મેં આપ્યું છે.” *

Leave a Reply