સમાજમાં પુસ્તકાલયનું મહત્વ

Uncategorized

પુસ્તકાલય એટલે અનેક પુસ્તકોનો સંગ્રહ, જેને બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનનો અખૂટ ભંડાર જ્યાં કોઈપણ વ્યક્તિ આવીને જ્ઞાનરૂપી ઝરણાથી પોતાની તરસ છીપાવી શકે. પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોમાં માહિતીનો ભંડાર ભરેલો હોય છે, જ્યાં જે વિષય પર અભ્યાસ કરવો હોય તે કરી શકાય છે. જે વિષયમાં રસ હોય એવા પુસ્તકો વાંચીને અવનવું જાણી તથા શીખી શકાય છે. સારા પુસ્તકોના વાંચનથી લોકોના મંતવ્ય, સમજશક્તિ અને વિચારશક્તિને સારી રીતે ઉજાગર કરી શકાય છે જેની સીધી અસર સમાજ પર થતી હોય છે, અને વળી એ સર્વસ્વીકાર્ય પણ છે કે સમાજ તથા દેશના ઘડતરમાં પુસ્તકાલયો ખુબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.

આધુનિક યુગમાં પુસ્તકાલયનું મહત્વ:

આજના ટેકનોલોજીના યુગમાં ઘણાં લોકો માને છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોના અસ્તિત્વમાં આવવાથી વાંચન માટે પુસ્તકાલયમાં જવું એ એક જૂની પદ્ધતિ બની ગઈ છે, અને ઘણી બધી પુસ્તકો ઈન્ટરનેટ પર સરળતાથી મળી જવાથી કેટલાક લોકો પુસ્તકાલય જવાનું પણ ટાળતા હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી છે. પુસ્તકાલયનો ઉપયોગ કેવળ વાંચન પુરતો જ હોતો નથી. વાંચન ઉપરાંત જરૂરી જ્ઞાન મેળવવા, સંશોધન કરવા, સમાન રસ ધરાવતા લોકો સાથે જ્ઞાનની આપ-લે કરવા તથા સમાજમાં વિવિધ સમુદાયોને નજીક લાવવા માટે પણ પુસ્તકાલય એક ઉત્તમ માધ્યમ બને છે. તથા અલગ અલગ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો એક જગ્યાએ ભેગા થવાથી ઘણી આર્થિક તથા સામાજિક તકો પણ ઊભી થઈ શકે છે.

હાલના ટેકનોલોજીના સમયમાં પુસ્તકાલયો પણ વિવિધ ટેકનોલોજી અપનાવીને પોતાની સેવાઓનો વિસ્તાર દિનપ્રતિદિન વધારી રહ્યા છે. ઘણા પુસ્તકાલય આજે વાંચકોને ઈ-લાઈબ્રેરી/ડીજીટલ લાઈબ્રેરીની પણ સેવાઓ આપી રહ્યા છે જેમાં વાંચકોને પુસ્તકોના ઘણા બધા વિકલ્પો મળી રહે છે. આ સિવાય ઈન્ટરનેટ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સ્થાનિક સમુદાયો પર પુસ્તકાલયની અસર:

પુસ્તકાલયમાં સ્થાનિક સમસ્યાઓના નિવારણને લગતા પુસ્તકોને રાખવાથી આસપાસ રહેતા લોકોમાં એ સમસ્યાઓનો ઉકેલ શોધવાની વૃત્તિ વિકસાવીને યોગ્ય દિશાસૂચન કરી શકાય છે. સંઘર્ષશીલ તથા પરેશાનીઓથી ઘેરાયેલા વિસ્તારમાં પુસ્તકાલય ઘણીવાર તે ક્ષેત્રને પુનર્જીવિત કરવાનું કાર્ય કરતા હોય છે. ઘણી જગ્યાએ પુસ્તકાલયો માત્ર પુસ્તકો અને માહિતી પૂરતા જ હોતા નથી, પરંતુ તેઓ બીજા અન્ય વિશિષ્ટ સંગ્રહો પણ પુરા પાડતા હોય છે જે સ્થાનિક લોકોની જરૂરિયાતોના આધારે વિકસેલા હોય. જેમકે “ઑકલેન્ડ પબ્લિક લાયબ્રેરી” જેવી પુસ્તકાલય કુદરતી આફતો દ્વારા થયેલા નુકશાન પછી આસપાસના સ્થાનિક લોકોને જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડે છે, જે દર્શાવે છે કે કઈ રીતે સમુદાય-કેન્દ્રિત લાઇબ્રેરી સ્થાનિકરૂપે ઉપયોગી નીવડી શકે.

લાઈબ્રેરિયન(ગ્રંથપાલ)નો અગત્યનો ફાળો:

આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના સમુદાયોનો સ્વભાવ જાણવામાં લાઈબ્રેરિયન(ગ્રંથપાલ) ખુબ મોટો ફાળો આપતા હોય છે, કારણ કે સમાજના લોકો સાથે તેઓ દૈનિક ધોરણે વાતચીત કરતા હોય છે જેથી તેઓ સમાજને સારી રીતે સમજતા હોય છે. આમ ઘણીવાર પુસ્તકાલયો સમુદાયોની સામાજિક જરૂરિયાતો તરફ ધ્યાન દોરવાનું પણ કાર્ય કરતા હોય છે જેથી સરકાર તથા અન્ય સામાજિક સંસ્થાઓ સાથે મળીને આવી જરૂરિયાતોને પૂરી કરવા માટે જરૂરી પગલા લઈ શકે.

વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય:

વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય ઘણી રીતે મદદરૂપ થતા હોય છે, અને તેથી લગભગ બધી જ શાળાઓ તથા કોલેજોમાં પુસ્તકાલય રાખવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષકો દ્વારા પીરસવામાં આવતા જ્ઞાન સિવાય પણ જીવનમાં બીજું જ્ઞાન લેવું વિદ્યાર્થીઓ માટે અત્યંત આવશ્યક હોય છે. પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને તેમના પાઠ્યપુસ્તકોના અભ્યાસ સિવાય કારકિર્દીને લગતી માર્ગદર્શિકાઓ તથા પોતાના રસ મુજબના બીજા અન્ય ક્ષેત્રોના પુસ્તકો પણ સરળતાથી મળી રહે છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને રાબેતા મુજબ પુસ્તકાલયની મુલાકાત લેવડાવવામાં આવતી હોય છે અને તેના માટે પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે, જેથી વિદ્યાર્થીઓ પોતાને કયા વિષયમાં અથવા ક્ષેત્રમાં રસ છે તે શોધી શકે અને તે દિશામાં પ્રગતિ કરી શકે.

એક સારું પુસ્તકાલય ચોક્કસપણે અનેક શિક્ષકોની ગરજ સારી શકે છે. પુસ્તાકાયથી થતા અસંખ્ય લાભ મેળવવા આપણે રાબેતા મુજબ તેની મુલાકાત લેતા રહેવું જોઈએ અને તેમાં રહેલા અમૂલ્ય જ્ઞાનથી તૃપ્ત થતું રહેવું જોઈએ. અને આપણા બાળકોને પણ તેમના તથા સમાજના સારા ભવિષ્યના નિર્માણ માટે નાનપણથી જ તેની ટેવ પડાવવી જોઈએ.

Leave a Reply