કોફી અન્નાન: એક પ્રેરણાદાયક રાજદ્વારી

Uncategorized

જ્યારે કોફી અન્નાનને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમના શબ્દો હતા કે, "સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં શાંતિ લાવીએ" અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, "શાંતિની સૌથી વધુ જરૂર છે, કારણ કે લોકોના પરિવારોના દરેક સભ્યને ગૌરવ તથા સલામતીભર્યું જીવન જીવવા માટે શાંતિ અતિઆવશ્યક છે". ૮૦ વર્ષના કોફી અન્નાને સ્વિટ્ઝર્લેન્ડના બર્ન શહેરની એક હોસ્પિટલમાં ૧૮ ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા અને એ સાથે દુનિયાએ એક વૈશ્વિક રાજદ્વારી નેતા ગુમાવ્યો હતો.

ચર્ચા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા વિષે તેમણે કહ્યું હતું કે, "જો તમને આપસમાં કોઈ સમસ્યા હોય અને તમને તેનો કોઈ ઉકેલ મળતો ન હોય તો તમે આવતીકાલે ફરીથી મળો, અને જ્યાં સુધી તમને ઉકેલ ન મળે ત્યાં સુધી તમે વાત કરતા રહો. તમે વર્તન અથવા કોઈ ચોક્કસ મુદ્દા પર અસહમત થઈ શકો, પરંતુ તમે તમારા પ્રતિપક્ષીને નકામાં ન કહી શકો."

સળંગ બે કાર્યકાળ સુધી સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ- યુ.એન.)ના સેક્રેટરી જનરલ તરીકે ફરજ બજાવનારા કોફી અન્નાન એક સમયે તો સંયુક્ત રાષ્ટ્રના પર્યાય જ બની ગયા હતા અને કદાચ એટલે જ નોબેલ સમિતિએ ૨૦૦૧માં કોફી અન્નાન અને સંયુક્ત રાષ્ટ્રને સહિયારો શાંતિનો નોબેલ પારિતોષિક આપ્યો હતો! કોફી અન્નાન યુ.એન.ના એવા પહેલા ચૂંટાયેલા સેક્રેટરી જનરલ હતા, જેમની સંપૂર્ણ કારકિર્દી સંયુક્ત રાષ્ટ્રમાં જ ઘડાઈ હોય.

કોફી અન્નાનને અંગ્રેજી, ફ્રેન્ચ અને આફ્રિકન ભાષાઓનું જ્ઞાન હતું. ૮ એપ્રિલ, ૧૯૩૮માં ઘાનામાં જન્મેલા કોફી અન્નાને પોતાનો શરૂઆતનો અભ્યાસ કુમાસીમાં પૂરો કર્યો હતો અને ત્યારબાદ ૧૯૬૧માં મિનેસોટા(યુ.એસ.)માં સેન્ટ પૉલ કોલેજ ખાતે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. જિનિવાથી તેઓ આંતરરાષ્ટ્રીય બાબતોમાં સ્નાતક થયા પછી ઈ.સ. ૧૯૬૨માં યુએનની સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-જિનિવા ખાતે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બજેટ ઑફિસર તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં લાંબી કારકિર્દી દરમિયાન તેમણે જુદા જુદા હોદ્દાઓ પર રહીને અનેક મિશન પાર પાડ્યાં હતા. કોફી અન્નાને જાન્યુઆરી-૧૯૯૭ થી ડિસેમ્બર-૨૦૦૬ સુધી સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલનો સર્વોચ્ચ હોદ્દો સંભાળ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના વડા તરીકે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાની વિચારસરણી તથા કાર્યશૈલીથી માંડીને વ્યવસ્થાપનમાં ધરખમ ફેરફાર કરીને તેને વધારે પ્રગતિશીલ બનાવી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી શાંતિ સ્થાપના માટે રચાયેલી સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થા મોટે ભાગે યુદ્ધમુક્ત માહોલમાં પોતાની પ્રસ્તુતતા અને પ્રભાવ ગુમાવી રહી હતી ત્યારે કોફી અન્નાને માનવ અધિકાર, એઇડ્સ સહિતના મહારોગો સામે ઝુંબેશ, ગરીબી-ભૂખમરો નાબૂદી, ક્લાઇમેટ ચેન્જ તથા ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર વિશ્વનું ધ્યાન દોરીને તેનો વ્યાપ વધાર્યો હતો.

વર્ષ ૨૦૧૩માં નેલ્સન મંડેલા દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા “ધ એલ્ડર્સ ઓર્ગેનાઇઝેશન-અ ગ્રૂપ ઑફ સ્ટેટ્સમેન”ના વડા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬માં યુ.એન.ના વડા તરીકે નિવૃત્ત થયા ત્યારે કોફી અન્નાન ૭૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. તેમણે ધાર્યું હોત તો તેઓ આરામદાયક નિવૃત્ત જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે પોતાનું જીવન વિશ્વશાંતિનાં મૂલ્યો અને મુદ્દાઓને સમર્પિત કરેલું હતું અને એટલા જ માટે ૨૦૦૭માં તેમણે “કોફી અન્નાન ફાઉન્ડેશન” નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા થકી તેમણે માનવ અધિકાર, ગરીબી નાબૂદી, ન્યાય, સમાનતા, ટકાઉ વિકાસ, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર મહેનત કરવાનું ચાલું રાખ્યું હતું.

વૈશ્વીકરણના આ સમયમાં જે કોઈ મુદ્દાઓની ચર્ચા અને ચિંતાની ખરેખર જરૂર છે, તે અંગેની તેમની સ્પષ્ટ સમજ અને સમર્પણ ખરેખર પ્રસંશાને પાત્ર હતું તથા તેઓ એક પ્રેરણાદાયક રાજદ્વારી(ડિપ્લોમેટ) હતા.

Leave a Reply