મુંબઈના દાદારાવ બીલ્હોરેનું નિઃસ્વાર્થ અને પ્રેરણાદાયક કાર્ય

Uncategorized

દ્રઢ નિશ્ચયી એવા મુંબઈના રહેવાસી દાદારાવ બીલ્હોરે અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની યાદમાં રોડ પરના ખાડાઓનું પોતાની જાતે જ સમારકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં તેમણે બિલ્ડિંગ સાઇટ્સમાંથી એકત્ર કરેલ રેતી અને કાંકરાનો ઉપયોગ કરીને આશરે ૬૦૦ જેટલા ખાડાઓ પુર્યા છે.

એક આશાસ્પદ વિદ્યાર્થી, પ્રકાશ બીલ્હોરે માત્ર ૧૬ વર્ષની વયે જુલાઇ ૨૦૧૫માં મુંબઈમાં રોડ પર પડેલા ખાડાના લીધે થયેલા અકસ્માતમાં અવસાન પામ્યો હતો. આ દુ:ખદ ઘટના બન્યા બાદ તેના પિતા દાદારાવે નક્કી કર્યું કે હવે તે મુંબઈના રસ્તાઓ માટે એવું કંઇક કરશે કે જેથી જેવી દુર્ઘટના એમના દીકરા સાથે ઘટી એવી દુર્ઘટના કોઈ બીજા સાથે ન ઘટે. ૪૮ વર્ષીય શાકભાજી વિક્રેતા તેમના પુત્રના પ્રેમમાં આ કામ કરે છે અને લોકોનો જીવ બચાવવા માટે પોતાનાથી થઈ શકે એટલા પ્રયત્નો કરે છે.

ખાડાઓની આ સમસ્યા ફક્ત મુંબઈ પુરતી સીમિત નથી. ભારતભરમાં ખાડાઓની સંખ્યા એટલી વિશાળ છે કે સરકારી આંકડા મુજબ ગયા વર્ષે સમગ્ર ભારતમાં ૩૫૯૭ લોકોના મોત માટે રોડ પરના ખાડા જવાબદાર હતા. જે રોજના સરેરાશ ૧૦ મૃત્યુની સરેરાશ થાય.

AFP સાથેના ઇન્ટરવ્યૂમાં દાદારાવ બીલ્હોરે જણાવે છે કે, "અમારા કામને મળેલો આદર મને પીડાથી દૂર રહેવાની તાકાત આપે છે, અને જ્યાં પણ હું જાઉ છું ત્યાં મને લાગે છે કે પ્રકાશ મારી સાથે જ છે."
તેઓ કહે છે કે, તેમણે ૫૮૫ ખાડાઓનું સમારકામ કર્યું છે, તેમાંના ઘણા એકલા હાથે તો ઘણા અન્ય સ્વયંસેવકોની મદદથી કે જેઓ તેમની વાર્તા દ્વારા પ્રેરિત થયેલા છે.

આ વાત મજરૂહ સુલતાનપુરીની પ્રખ્યાત શાયરી દ્વારા પણ દર્શાવી શકાય તેમ છે.

“મૈ અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર,
લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.”

Image Source: http://www.latimes.com

Leave a Reply