Month: October 2018

રોડ ઉપર કામ કરનારા બાળકો માટે ટ્રાફિક સિગ્નલ શાળા એક વરદાન સમાન

સમર્થ ભારત વ્યાસપીઠના સીઈઓ બટુ સાવંતે થાણે નગરપાલિકા સાથે મળીને ટ્રાફિક સિગ્નલ પર બ્રિજના નીચે એક શાળાની શરૂઆત કરી છે. આ ભારતની પ્રથમ એવી શાળા છે જેની શરૂઆત ટ્રાફિક સિગ્નલ ઉપર કામ કરનારા અને રોડ ઉપર રહેનારા બાળકોના અભ્યાસ માટે થઈ હોય. આ શાળાનો હેતુ બાળકોની જીવનશૈલીમાં બદલાવની સાથે બાળકોને શિક્ષિત બનાવવાનો છે.

સમુદ્રી જહાજના એક જુના કન્ટેનરની મરમ્મત કરીને તેમાં બ્લેક બોર્ડ અને ખુરશી-ટેબલ મૂકી શાળાની શરૂઆત કરવામાં આવી છે. કન્ટેનરની બહાર એક નાનકડો બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે. સવારે જયારે બાળકો આવે છે ત્યારે સર્વ પ્રથમ તેમને શાળાનો યુનિફોર્મ આપી સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે, જેની સગવડ સ્કૂલમાં જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેમને સવારનો નાસ્તો પીરસીને તેમને તેમની ઉંમર પ્રમાણે અલગ અલગ ક્લાસરૂમમાં લઇ જવામાં આવે છે જ્યાં તેમના અભ્યાસની શરૂઆત થાય છે.

આ શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકોને તબીબી સુવિધા, સફાઈ પ્રત્યે જાગૃકતા તથા જીવનમાં આવનાર મુશ્કેલીઓ સામે લડવાની તાલીમ પણ આપવામાં આવે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ ના એક અહેવાલ અનુસાર પવારના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે પોતાનો અભ્યાસ ધોરણ ૯ પછી છોડી દીધો હતો. તે કહે છે કે, "મારા માતા-પિતા ઇચ્છતા હતા કે હું કુટુંબની મદદ માટે કામ કરું. આ શાળા જોઈને મેં મારું શિક્ષણ પૂર્ણ કરવાનું નક્કી કર્યું. હું મારી પરીક્ષાઓને પાસ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છું, અને આગળ જઈને આઇપીએસ પરીક્ષા આપવાનો વિચાર કરી રહ્યો છું, જેથી હું મોટો થઈને એક પોલીસ ઓફિસર બની શકુ."

આ શાળા ફક્ત એક કન્ટેનર સાથે બે વર્ષ પહેલા શરૂ થઈ હતી, તેમાં આજે એક પુસ્તકાલય, રમકડાંની લાઇબ્રેરી, એક કમ્પ્યુટર, એક અલગ નર્સરી વર્ગખંડ અને કેટલાક રોબોટિક સાધનો પણ વસાવવામાં આવ્યા છે. શાળાની જયારે શરૂઆત થઈ હતી ત્યારે આ શાળામાં ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અત્યારે આ શાળામાં ૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી ભણતા વિદ્યાર્થીઓની જીવનશૈલી બદલાઈ છે. રાત્રે આમાંથી મોટાભાગના બાળકો સ્ટ્રીટ લાઈટના પ્રકાશ હેઠળ પોતાનો અભ્યાસ કરે છે.

કચરાને પોતાની આવકનું સાધન બનાવતા વિયતનામના લોકો

દર વર્ષે એક અંદાજ મુજબ બે કરોડથી વધુ લોકો પ્રવાસ માટે વિયતનામ આવે છે. ખુબસુરત દરિયો, પૈગોડા, પ્રાચીન કુવા અને તેના જંગલોના કારણે વિયતનામ પ્રવાસ માટે ખુબ પસંદ કરવામાં આવે છે. યુનેસ્કોના એક અંદાજ મુજબ દર વર્ષે પ્રવાસીઓ અને આમ નાગરિકોના કારણે વિયતનામમાં ૨૭૦૦૦ ટન કચરો પેદા થાય છે આ કચરાને મહાસાગર, નદીઓ, અને ખીણોમાં નાખવામાં આવતો હતો જેના કારણે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય એમ બંને ઉપર માઠી અસર થતી હતી.

પરિસ્થિતિ કપરી બનતા આ કચરાને યુનેસ્કો અને સ્થાનિક સરકારે સાથે મળીને રિસાઇકલિંગ કરવાની શરૂઆત કરી છે. સફાઈની જાગૃકતા માટે સંયુક્ત રાષ્ટ્રની સમિતિઓ અહીંયા કામ કરી રહી છે જેમાં મહિલાઓને કચરામાંથી ખાતર બનાવવાની તાલમી આપી સફાઈ માટે તેમની મદદ લેવામાં આવી રહી છે. બાયોડિગ્રેડેબલ કચરામાંથી ઘરેલું સ્તરે ખાતર બનાવવામાં આવે છે અને તેને સ્થાનિક ખેડૂતોને ખેતીમાં ઉપયોગ માટે આપવામાં આવે છે. પ્લાસ્ટિક, ધાતુ અને અન્ય પુનઃઉપયોગ થનાર કચરાને અલગ કરવામાં આવે છે, અને રિસાયક્લિંગ કેન્દ્રોમાં મોકલવામાં આવે છે તથા બિનઉપયોગી કચરાને સ્થાનિક સરકાર દ્વારા નિકાલ કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટથી કચરાના નિકાલની સાથે સાથે સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે અને જળ-વાયુ પ્રદુષણ અને પર્યાવરણના મુદ્દાઓ પ્રત્યે ઘણા અંશે લોકોમાં જાગૃકતા આવી છે.

વિયતનામના હૉઇ ઍનએ આઇએનએને સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું હતું કે, "મારો પરિવાર સંપૂર્ણપણે કચરાના સંગ્રહ અને તેના નિકાલ પર આધાર રાખે છે. આ અમારી આજીવિકાનું સાધન છે અને પર્યાવરણને બચાવવાનું પણ સાધન છે."

કચરાના નિકાલની વ્યવસ્થા ઉભી કરવાનો શ્રેય "ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી"(જીઈએફ)ને જાય છે, જેની સ્થાપના ૨૦૧૦ માં આધુનિકરણની સાથે પર્યાવરણની રક્ષા માટે કરવામાં આવી હતી. "ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી"એ મહિલા સંગઠનો માટે નાણાકીય મદદની સાથે કચરાના નિકાલ માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જઈએફ ના પ્રવક્તાએ મીડિયા સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે,"અમારો હેતુ ફક્ત કચરાને એકઠો કરી તેને અલગ કરી તેનો નિકાલ કરવાનો નથી પરંતુ ગરીબ મહિલાઓને આ કાર્યથી આર્થિક મદદ પોહાચાડવાનો પણ છે."

Image Source: saigoneer.com

૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખતા રામવીર કશ્યપ

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નન્હેડા ગામમાં રહેતા ૫૯ વર્ષના મિસ્ત્રી રામવીર કશ્યપ છેલ્લા ૨૫ વર્ષથી ૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખી રહ્યા છે. તેઓ આ કાર્યને પોતાનું ધાર્મિક કર્તવ્ય સમજે છે.

નન્હેડા ગામમાં જાટ સમુદાયના હિન્દૂ લોકો વસવાટ કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે થયેલ ચર્ચા માં ગામના પ્રધાન દારાસિંહએ જણાવ્યું હતું કે, "લગભગ ૫૦ વર્ષ પહેલાં ગામના છેલ્લા મુસ્લિમ પરિવારે ગામ છોડ્યું હતું. ત્યારબાદ કોઈ મુસ્લિમ પરિવાર અહીં આવીને વસ્યો નથી, પરંતુ રામવીર કશ્યપે મસ્જિદની દેખરેખમાં ક્યારેય પણ કોઈ કમી આવવા દીધી નથી."

રામવીર કશ્યપ દરરોજ મસ્જિદમાં જાડું લગાવીને રાત્રે મીણબતી સળગાવે છે. મસ્જિદમાં વર્ષમાં એક વખત પવિત્ર રમઝાન માસ પહેલા કલર કામ પોતાના ખર્ચે કરાવે છે, જેમાં તેમનો પરિવાર પણ તેમની મદદ કરે છે. ૨૦૧૩માં જ્યારે મુઝફ્ફરનગરમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે દંગો થયો હતો ત્યારે કેટલાક લોકો આ મસ્જિદને તોડવાના ઇરાદેથી આવ્યા હતા, ત્યારે રામવીરે પોતાના જીવને જોખમમાં નાખી કેટલાક ગામના લોકોની મદદથી આ મસ્જિદની રક્ષા કરી હતી. રામવીર કશ્યપ કહે છે કે, "તેઓ દરેક ધર્મનું સન્માન કરે છે અને માનવતા, ભાઈચારો અને માનવ સેવા મારા આદર્શ છે."

રામવીર મસ્જિદની નજીકમાં જ રહે છે, તેઓ કહે છે કે, "હું નાનપણમાં હંમેશા મસ્જિદની આસપાસ રમતો હતો, મારા માટે આ પૂજા(ઈબાદત)ની જગ્યા છે જેનું સન્માન થવું જ જોઈએ. મસ્જિદની દેખરેખ રાખનાર કોઈ ન હતું, તેથી મેં આ જવાબદારી લીધી. છેલ્લા ૨૫ વર્ષથી હું દરરોજ તેને સાફ કરું છું અને સમારકામની સંભાળ રાખું છું."

નવભારત ટાઈમ્સ સાથે ચર્ચા દરમિયાન બાજુના ગામ ફિરોઝાબાદના રહેવાસી ખુશનસીબ અહેમદે જણાવ્યું હતું કે, "હું થોડા વર્ષ પહેલા નન્હેડા ગામમાં ગયો હતો. તે જોઈને મને નવાઈ લાગી કે એક હિન્દૂ ભાઈ મસ્જિદની દેખરેખ રાખી રહ્યા છે. આ પ્રકારનું કાર્ય નફરતને દૂર કરી પ્રેમ અને કોમી એકતામાં વધારો કરે છે."

રામવીરના આ વિચારનો આદર તેમના ગામના લોકો પણ કરે છે, અને જરૂરતના સમયે તેમની મદદ પણ કરે છે. ભારત અનેકતામાં એકતાનું પ્રતીક છે. અહીંયા અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, વિચારો ધરાવનાર લોકો મળીને રહે છે જેમાં રામવીર જેવા લોકો આ એકતાને મજબૂત બનાવે છે.

અંબિકાપુરનું સ્વછતા અભિયાન સમગ્ર ભારત માટે એક મિસાલ

છત્તીસગઢના સુરગુજા જિલ્લાના કલેકટર ઋતુ સૈને પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા અંબિકાપુરને સ્વચ્છ બનાવવાની શરૂઆત રૂપે કાર્ય શરુ કર્યું હતું, જેમાં સ્વછતા માટે સફાઈ કર્મચારીઓની સાથે સાથે આમ નાગરિકોને પણ જોડવામાં આવ્યા છે.

સુરગુજા જિલ્લાના પાટનગર અંબિકાપૂરની વસ્તી એક અંદાજ અનુસાર દોઢ લાખની છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે ચર્ચા દરમિયાન કલેક્ટર ઋતુ સૈને જણાવ્યું હતું કે, "જયારે મેં આ શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે દુર્ગંધ આવવા લાગી હતી અને અંબિકાપુરમાં આપનું સ્વાગત છે (WELCOME TO AMBIKAPUR) નામના પાટિયાની સામે જ કચરાનો ઢગલો પડયો હતો. આ જોઈને અંબિકાપૂરની સફાઈ વિષે મેં વિસ્તારથી વિચારવાનું શરુ કર્યું હતું."

શહેરની પાસે સફાઈના પૂરતા સાધનોનો અભાવ હોવાથી આ એક પડકારરૂપ કાર્ય હતું. આ સાથે ઋતુ સૈન સફાઈને અંબિકાપુરની આમ જનતાના વ્યહવારમાં ઉતારવા માંગતા હતા. લોકો આ સફાઈમાં ભાગીદાર બને તો સફાઈની કામગીરી આસાન થઈ શકે તેમ હતી. સતત બે મહિના સુધી શહેરના અલગ અલગ વિસ્તારના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને સફાઈ અંગેની યોજના બનાવવામાં આવી જેમાં કર્મચારીઓની સાથે ભાગીદારી રૂપે આમ નાગરિકોને જોડવામાં આવ્યા.

આ યોજના હેઠળ એક પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી અને તે માટે એક વિસ્તારને પસંદ કરી સેલ્ફ હેલ્પ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી, જેમાં કેટલીક મહિલાઓને ત્રણ ટુકડીઓમાં વહેંચવામાં આવી. આ દરેક ટુકડી લગભગ ૧૦૦ ઘરોમાં જઈને કચરાને એકઠો કરતી હતી. આ ઉપરાંત નાગરિકોને કચરાના નિકાલ માટે લાલ અને લીલા રંગના ડબ્બા આપવામાં આવ્યા હતા, જેમાં લાલ ડબ્બામાં અજૈવિક કચરો અને લીલા ડબ્બામાં જૈવિક કચરો નાખવાનું સૂચન આપવામાં આવ્યું. આ પ્રારંભિક પ્રક્રિયા પછી કચરાને ‘કચરા ક્લિનિક્સ’ માં લાવી ૨૪ અલગ અલગ જૈવિક અને અજૈવિક ભાગોમાં જુદા પાડવામાં આવ્યા. આ પાઇલટ પ્રોજેક્ટ ઘણા અંશે સફળ થતા આ યોજનાને સંપૂર્ણપણે શરુ કરવામાં આવી.

હવે અંબિકાપુરમાં કચરાને અલગ કરવામાં આવ્યા પછી રિસાયક્લિંગ થઈ શકે તે કચરો અને રિસાયક્લિંગ ન થઈ શકે તેવા કચરાને અલગ અલગ પેક કરવામાં આવે છે. આ કચરામાંથી પ્લાસ્ટિક, લોંખડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓને અલગ કરીને તેના સંબંધિત ઉત્પાદકોને રિસાયક્લિંગ માટે કાચા માલ તરીકે વેચવામાં આવે છે. જૈવિક કચરાને પશુ, બતક અને મરઘીઓના ચારા માટે વેચવામાં આવે છે, જ્યારે અન્ય અવશેષોને બાયોગેસ ડાયજેસ્ટર અને ખાતર બનાવવા માટે વાપરવામાં આવે છે.

મે ૨૦૧૬ થી સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ ૪૮ વોર્ડને શામેલ કરવામાં આવ્યા છે. આજે ૪૪૭ મહિલાઓ શહેરમાં કચરો અલગ પાડનારા આઠ કેન્દ્રોમાં સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી કામ કરે છે. આ મહિલાઓની નિયમિતપણે સરકાર દ્વારા આયોજિત આરોગ્ય તપાસ પણ કરાવવામાં આવે છે, અને સાથે સાથે તેમને આવશ્યક સુરક્ષા સાધનો જેમ કે માસ્ક, મોજા, એપ્રોન અને જેકેટ પણ આપવામાં આવે છે.

આજે ઋતુ સૈને આમ નાગરિકોના સહયોગથી શરુ કરેલ સ્વછતા માટેનો આ પ્રયત્ન સફળ થયો છે, અને શહેરની સાથે સાથે શહેરના પ્રવેશદ્વાર ની સામે આવેલ ૧૬ એકર ખુલ્લી જમીનમાં જ્યાં કચરાનો ઢગલો હતો, ત્યાં હવે "સ્વચ્છતા જાગૃતિ પાર્ક" તૈયાર કરવામાં આવ્યો છે.

કેરળ પૂરગ્રસ્ત લોકો માટે ફેરો સિમેન્ટ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી રહેલા સસ્તા અને મજબૂત ઘર

કેરળમાં આ વર્ષે સદીના સૌથી ભયંકર પુરના કારણે ૪૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦ લાખથી પણ વધુ લોકો ઉપર પૂરની આર્થિક અને સામાજિક અસર થઈ હતી. આ સાથે ૪૫૦૦૦ હજાર હેક્ટર ખેતીની જમીનમાં ચોખા, કેળા, મસાલા અને અન્ય પાકોને પણ નુકસાન થયુ હતું.

આ વિનાશના કારણે હજારો લોકો બેઘર બન્યા છે જેમાંથી ઘણા લોકો હજુ પણ રાહત કેમ્પમાં રહે છે. જે લોકોના ઘર સંપૂર્ણ પણે નષ્ટ પામ્યા છે, તે લોકો માટે પોતાના ઘર ફરીથી બનાવવા એક મુશ્કેલ કાર્ય છે. જો કે આ લોકોનું જીવન ફરીથી સામન્ય સ્થિતિમાં આવે તે હેતુસર કાર્ય થઈ રહ્યું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન ઇન્ટેરિયર ડિઝાઇનર્સ નામની શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને ફેરો સિમેન્ટ ટેક્નોલોજીની મદદ વડે એક ઘરની ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં બે શયનખંડ(રૂમ) સાથે એક રસોડું અને હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ ૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. આ ડિઝાઈન એ લોકો માટે એક વરદાન સમાન છે જેમની આર્થિક હાલત સારી નથી.

ફેરો-સિમેન્ટ ટેકનોલોજી મારફતે તૈયાર થયેલ આ ઘરની ડીઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે કુદરતી આફત જેવી કે ધરતીકંપ, પૂર જેવી સ્થિતિમાં પણ પોતાની મજબૂતાઈ જાળવી રાખે. આ સિદ્ધાંતની શરૂઆત ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં થઈ હતી જેમાં સિમેન્ટ અથવા કોંક્રિટમાંથી ઘરના માળખાને ફેરો-સિમેન્ટ, તાર અને સિમેન્ટ મોર્ટાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઘરને તૈયાર થતા અંદાજિત એક મહિનાનો સમય લાગે છે. ફેરો સિમેન્ટ ટેક્નોલોજીના અનેક ફાયદા છે જેમકે, બાંધકામ સામગ્રીની પડતર કિંમતમાં ઘટાડો, બાંધકામના વજનમાં ઘટાડો, મજબૂતાઈની સાથે આકાર આપવામાં સરળતા, સમય ની બચત, નહિવત જાળવણી ખર્ચ વગેરે.

અલપ્પુઝ્હા જિલ્લા પંચાયતના અધ્યક્ષ આર. નઝર દ્વારા રામંકારી નામના સમારંભમાં એક વ્યક્તિને આ તકનીકથી બનાવેલું ઘર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. ધ હિંદુ ના એક આર્ટિકલ અનુસાર ટેકનિકલ કોઓર્ડિનેટર કે.એમ.કુંજમણે જણાવ્યું હતું કે, ૨૧૦ ચોરસ ફૂટ વિસ્તારના ફેરો-સિમેન્ટ હાઉસના બાંધકામની કિંમત રૂ. ૮૨૦૦૦ થઈ હતી. આ અનુસાર તેની કિંમત રૂ. ૩૯૦પ્રતિ ચોરસ ફૂટ થાય છે, જે પરંપરાગત કોંક્રિટ હાઉસની પ્રતિ વર્ગ ફીટથી ઘણી જ ઓછી કિંમત છે.

કેરળ માં આવેલ આ પૂરમાં નાશ પામેલા અથવા નુકસાન પામેલા ઘરોને ફરીથી બનાવવા માટે આ તકનીકની મદદ લેવામાં આવશે. સ્માર્ટ સિટિઝ કાઉન્સિલ ના એક રિપોર્ટ મુજબ એન્જિનિયર અને બાંધકામ ક્ષેત્રના નિષ્ણાંત જિજી થોમસ આ નિર્માણ પ્રોજેક્ટનો ભાગ બનશે. આશરે ૧૦ વર્ષ પહેલાં થ્રિસુરની આસપાસ બનાવેલા ઘણાં ઘરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ-થ્રિસુરના ચેરમેન અને આર્કિટેક્ટ રંજીત રોય અનુસાર, જો સરકાર અને અન્ય એજન્સીઓ બાંધકામ ખર્ચને સહન કરવા તૈયાર થાય, તો તેમની સંસ્થા વિના મુલ્યે પોતાની સેવા આપવા માટે તૈયાર છે.

જર્મનીમાં એક લાખ ઘરોની બેટરી-સ્ટોરેજ સિસ્ટમને જોડીને તૈયાર થઈ રહેલો વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ

જર્મનીએ દેશમાં સૌર ઊર્જાને સસ્તી બનાવવા માટે નાગરિકોને ઘણી મદદ પૂરી પાડી છે, જેના પગલે આ વર્ષે જૂનમાં લગભગ ૧૦ લાખ જેટલા ઘરોની છત પર સૌર પેનલો લગાવવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે જર્મનીમાં ખુબ જ વધુ માત્રામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેનું ઘણીવાર દેશની જરૂરિયાત કરતા પણ વધુ ઉત્પાદન થાય છે.

વધુ પ્રમાણમાં વીજ ઉત્પાદનને કારણે જર્મન વીજસંકલન(ગ્રીડ) સંચાલકોએ પાડોશી દેશો અથવા નજીકના વીજસંકલનોને આ વધારાની વીજળીનો ઉપયોગ કરવા માટે નાણા ચૂકવવા પડતા હતા. વધારાની વીજળીની સમસ્યાના ઉકેલ તરીકે જર્મનીએ હવે સૌર ઊર્જાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. ૨૮ ઑગસ્ટ ના રોજ, ઊર્જા મંત્રાલયના અધિકારીએ આ યોજનાના પ્રોત્સાહન સ્વરૂપે વીજસંકલન સાથે જોડાયેલ બેટરી-સ્ટોરેજ સિસ્ટમ લગાવનાર એક લાખમાં ઘરની જોડાણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

દિવસ દરમિયાન જ્યારે ઘરેલુ વપરાશ ઓછો હોય છે, ત્યારે બેટરી-સ્ટોરેજ સિસ્ટમ સૌર ઊર્જાનો સંગ્રહ કરે છે, અને સૂર્યાસ્ત પછી વીજળીનો વપરાશ જયારે વધારે હોય છે ત્યારે બેટરીમાં સંગ્રહાયેલી ઊર્જાનો ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૩ થી લિથિયમ-આયન બેટરીના ભાવમાં ૫૦% જેટલાં ઘટાડાને લીધે બેટરી-સ્ટોરેજ સિસ્ટમ તરફ લોકોનું આકર્ષણ વધ્યુ છે.

વીજસંકલન સાથે જોડેલી બેટરીઓનો ફાયદો એ છે કે, વીજસંકલન સંચાલકો દ્વારા આ ઘરોમાં રહેલા વિવિધ બેટરી-સ્ટોરેજ સિસ્ટમને એકબીજાથી જોડીને ઘરગથ્થુ વપરાશ પછીની વધારાની ઊર્જા દ્વારા વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ બનાવી શકાય છે. આ વ્યવસ્થાને લીધે જો ઘરની બેટરી-સ્ટોરેજ સિસ્ટમમાં ઘરમાલિક ના વપરાશ ની જરૂરિયાત કરતા વધુ ઊર્જા હોય, તો તે આ વધારાની ઊર્જાને વીજસંકલન સંચાલકને વેચી શકે છે, અને એવા ઘરો કે જેમની પાસે પોતાની બેટરી-સ્ટોરેજ સિસ્ટમ ન હોય તેમના દ્વારા તે ઊર્જાને ઉપયોગમાં લઈ શકાય છે. બીજી રીતે જોઇએ તો, વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ દ્વારા ઘણાં બધા ઘરોને અમુક લાભો પુરા પડી શકાય છે, જેવા કે ઓછી કિંમતમાં વીજળી, બેટરી લગાવવાના ખર્ચથી રાહત, વધારાની સૌર ઉર્જાની યોગ્ય ફાળવણી વગેરે.

જર્મન સોલર એસોસિયેશનનું કહેવું છે કે તેમનું લક્ષ્ય આગામી બે વર્ષોમાં લગભગ બે લાખ જેટલા ઘરોમાં બેટરી-સ્ટોરેજ સિસ્ટમ લગાવવાનું છે, અને વર્તમાન સમયને જોતા આ લક્ષ્ય સંભવિત પણ લાગે છે.

Image Source: wikimedia.org

જાદવ પેયેંગ, જેમણે ૪૦ વર્ષ સુધી સતત વૃક્ષારોપણ કરીને ઉજ્જડ જમીન પર જંગલ ઊભુ કર્યું

ફક્ત ૧૬ વર્ષની ઉંમરથી જ જાદવ પેયેંગ નામના એક ભારતીય વ્યક્તિએ દરરોજ એક વૃક્ષ રોપવાનું શરુ કર્યું હતુ. જ્યાં હાલમાં લગભગ ૪૦ વર્ષ પછી ન્યુયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્ક કરતા પણ મોટું જંગલ વિકાસ પામ્યું છે. ૧૩૬૦ એકર જમીનમાં ફેલાયેલું આ જંગલ એક સમયે ઉજ્જડ અને ધોવાણ પામેલી જમીન હતી.

જાદવ પેયેંગ માજુલી નામના વિશ્વના સૌથી મોટા નદી-દ્વીપ પર રહે છે અને તેઓ 3 બાળકોના પિતા છે. ૧૬ વર્ષની ઉંમરમાં એક કિશોર તરીકે જ્યારે તેમણે જોયું, કે ટાપુ પર દુકાળ વચ્ચે ઘટતી જતી હરિયાળીથી હજારો પ્રાણીઓ મરી રહ્યા છે, ત્યારે તેમણે મનોમન નિર્ણય કર્યો હતો કે તેઓ દરરોજ એક છોડનું રોપાણ કરશે.

તેમણે વાંસ અને કોટનવુડ જેવા એક સરળ બોટનિકલ પાવરહાઉસ સાથે શરૂઆત કરી હતી. લગભગ ચાર દાયકાના વિકાસ પછી, આ વનમાં હવે સેંકડો હાથીઓ, વાઘ, ગેંડા, ડુક્કર, હરણ, સરિસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. પેયેંગ કહે છે કે તેમણે કેટલાં વૃક્ષો વાવ્યા છે તેની કોઈ ગણતરી નથી, પરંતુ તેઓ માને છે કે હવે આ લાખો વૃક્ષો વન્યજીવનને છાંયડો અને આશ્રય પૂરો પાડે છે.

એનપીઆર (NPR) સાથેની વાતચીતમાં જણાવતા પેયેંગ કહે છે કે, "એવું નથી કે આ મેં એકલા એ જ આ કાર્ય કર્યું છે. જયારે વૃક્ષ વાવવામાં આવે છે ત્યારે તેને બીજ આવે છે, અને ત્યાર બાદ પવન દ્વારા તેમનું રોપાણ થાય઼ છે. તથા પક્ષીઓ, ગાયો, હાથીઓ જેવી સમગ્ર ઇકોસિસ્ટમ પણ તેની વૃદ્ધિ માં મદદ કરે છે."

પેયેંગની આ પ્રકારની મહત્વાકાંક્ષા જોઇને શરૂઆતમાં ટાપુના સ્થાનિક લોકો તેમને પાગલ કહીને બોલાવતા હતા. પરંતુ ૨૦૦૭માં એક વન્યજીવન પત્રકાર દ્વારા આકસ્મિક રીતે તેમને શોધી કાઢવામાં આવ્યા બાદ ભારત સરકારે તેમને "ફોરેસ્ટ મેન ઑફ ઈન્ડિયા" ના નામથી નવાજ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ રોલ મોડેલ તરીકે પણ તેઓ ઓળખાયા હતા.

આજે પણ પેયેંગ દરરોજ એક છોડનું રોપાણ કરે છે. તેઓ પોતાના નજીકના ગામમાં ગાયના દૂધનું વેચાણ કરીને પૈસા કમાય છે તેમ છતાં તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી વૃક્ષો રોપવાનું ચાલુ રાખવા માંગે છે. વનસ્પતિ નિષ્ણાંત માને છે કે એક દિવસ આસામમાં આખો ૫૦૦૦ એકર ટાપૂ વૃક્ષો સાથે ફરીથી પુનર્જીવિત થશે.

તેમણે એક સમાચારમાં કહ્યું હતું કે, *"હું પ્રકૃતિમાં ભગવાનને જોઉં છું, કુદરત ભગવાન છે. તે મને પ્રેરણા આપે છે. તે મને શક્તિ આપે છે. જ્યાં સુધી તે અસ્તિત્વમાં છે, ત્યાં સુધી હું ટકી રહીશ."
*

Image Source: steemit.com