જર્મનીમાં એક લાખ ઘરોની બેટરી-સ્ટોરેજ સિસ્ટમને જોડીને તૈયાર થઈ રહેલો વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ

Uncategorized

જર્મનીએ દેશમાં સૌર ઊર્જાને સસ્તી બનાવવા માટે નાગરિકોને ઘણી મદદ પૂરી પાડી છે, જેના પગલે આ વર્ષે જૂનમાં લગભગ ૧૦ લાખ જેટલા ઘરોની છત પર સૌર પેનલો લગાવવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે જર્મનીમાં ખુબ જ વધુ માત્રામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેનું ઘણીવાર દેશની જરૂરિયાત કરતા પણ વધુ ઉત્પાદન થાય છે.

વધુ પ્રમાણમાં વીજ ઉત્પાદનને કારણે જર્મન વીજસંકલન(ગ્રીડ) સંચાલકોએ પાડોશી દેશો અથવા નજીકના વીજસંકલનોને આ વધારાની વીજળીનો ઉપયોગ કરવા માટે નાણા ચૂકવવા પડતા હતા. વધારાની વીજળીની સમસ્યાના ઉકેલ તરીકે જર્મનીએ હવે સૌર ઊર્જાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. ૨૮ ઑગસ્ટ ના રોજ, ઊર્જા મંત્રાલયના અધિકારીએ આ યોજનાના પ્રોત્સાહન સ્વરૂપે વીજસંકલન સાથે જોડાયેલ બેટરી-સ્ટોરેજ સિસ્ટમ લગાવનાર એક લાખમાં ઘરની જોડાણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

દિવસ દરમિયાન જ્યારે ઘરેલુ વપરાશ ઓછો હોય છે, ત્યારે બેટરી-સ્ટોરેજ સિસ્ટમ સૌર ઊર્જાનો સંગ્રહ કરે છે, અને સૂર્યાસ્ત પછી વીજળીનો વપરાશ જયારે વધારે હોય છે ત્યારે બેટરીમાં સંગ્રહાયેલી ઊર્જાનો ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૩ થી લિથિયમ-આયન બેટરીના ભાવમાં ૫૦% જેટલાં ઘટાડાને લીધે બેટરી-સ્ટોરેજ સિસ્ટમ તરફ લોકોનું આકર્ષણ વધ્યુ છે.

વીજસંકલન સાથે જોડેલી બેટરીઓનો ફાયદો એ છે કે, વીજસંકલન સંચાલકો દ્વારા આ ઘરોમાં રહેલા વિવિધ બેટરી-સ્ટોરેજ સિસ્ટમને એકબીજાથી જોડીને ઘરગથ્થુ વપરાશ પછીની વધારાની ઊર્જા દ્વારા વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ બનાવી શકાય છે. આ વ્યવસ્થાને લીધે જો ઘરની બેટરી-સ્ટોરેજ સિસ્ટમમાં ઘરમાલિક ના વપરાશ ની જરૂરિયાત કરતા વધુ ઊર્જા હોય, તો તે આ વધારાની ઊર્જાને વીજસંકલન સંચાલકને વેચી શકે છે, અને એવા ઘરો કે જેમની પાસે પોતાની બેટરી-સ્ટોરેજ સિસ્ટમ ન હોય તેમના દ્વારા તે ઊર્જાને ઉપયોગમાં લઈ શકાય છે. બીજી રીતે જોઇએ તો, વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ દ્વારા ઘણાં બધા ઘરોને અમુક લાભો પુરા પડી શકાય છે, જેવા કે ઓછી કિંમતમાં વીજળી, બેટરી લગાવવાના ખર્ચથી રાહત, વધારાની સૌર ઉર્જાની યોગ્ય ફાળવણી વગેરે.

જર્મન સોલર એસોસિયેશનનું કહેવું છે કે તેમનું લક્ષ્ય આગામી બે વર્ષોમાં લગભગ બે લાખ જેટલા ઘરોમાં બેટરી-સ્ટોરેજ સિસ્ટમ લગાવવાનું છે, અને વર્તમાન સમયને જોતા આ લક્ષ્ય સંભવિત પણ લાગે છે.

Image Source: wikimedia.org

Leave a Reply