કેરળ પૂરગ્રસ્ત લોકો માટે ફેરો સિમેન્ટ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી રહેલા સસ્તા અને મજબૂત ઘર

Uncategorized

કેરળમાં આ વર્ષે સદીના સૌથી ભયંકર પુરના કારણે ૪૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦ લાખથી પણ વધુ લોકો ઉપર પૂરની આર્થિક અને સામાજિક અસર થઈ હતી. આ સાથે ૪૫૦૦૦ હજાર હેક્ટર ખેતીની જમીનમાં ચોખા, કેળા, મસાલા અને અન્ય પાકોને પણ નુકસાન થયુ હતું.

આ વિનાશના કારણે હજારો લોકો બેઘર બન્યા છે જેમાંથી ઘણા લોકો હજુ પણ રાહત કેમ્પમાં રહે છે. જે લોકોના ઘર સંપૂર્ણ પણે નષ્ટ પામ્યા છે, તે લોકો માટે પોતાના ઘર ફરીથી બનાવવા એક મુશ્કેલ કાર્ય છે. જો કે આ લોકોનું જીવન ફરીથી સામન્ય સ્થિતિમાં આવે તે હેતુસર કાર્ય થઈ રહ્યું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન ઇન્ટેરિયર ડિઝાઇનર્સ નામની શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને ફેરો સિમેન્ટ ટેક્નોલોજીની મદદ વડે એક ઘરની ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં બે શયનખંડ(રૂમ) સાથે એક રસોડું અને હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ ૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. આ ડિઝાઈન એ લોકો માટે એક વરદાન સમાન છે જેમની આર્થિક હાલત સારી નથી.

ફેરો-સિમેન્ટ ટેકનોલોજી મારફતે તૈયાર થયેલ આ ઘરની ડીઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે કુદરતી આફત જેવી કે ધરતીકંપ, પૂર જેવી સ્થિતિમાં પણ પોતાની મજબૂતાઈ જાળવી રાખે. આ સિદ્ધાંતની શરૂઆત ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં થઈ હતી જેમાં સિમેન્ટ અથવા કોંક્રિટમાંથી ઘરના માળખાને ફેરો-સિમેન્ટ, તાર અને સિમેન્ટ મોર્ટાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઘરને તૈયાર થતા અંદાજિત એક મહિનાનો સમય લાગે છે. ફેરો સિમેન્ટ ટેક્નોલોજીના અનેક ફાયદા છે જેમકે, બાંધકામ સામગ્રીની પડતર કિંમતમાં ઘટાડો, બાંધકામના વજનમાં ઘટાડો, મજબૂતાઈની સાથે આકાર આપવામાં સરળતા, સમય ની બચત, નહિવત જાળવણી ખર્ચ વગેરે.

અલપ્પુઝ્હા જિલ્લા પંચાયતના અધ્યક્ષ આર. નઝર દ્વારા રામંકારી નામના સમારંભમાં એક વ્યક્તિને આ તકનીકથી બનાવેલું ઘર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. ધ હિંદુ ના એક આર્ટિકલ અનુસાર ટેકનિકલ કોઓર્ડિનેટર કે.એમ.કુંજમણે જણાવ્યું હતું કે, ૨૧૦ ચોરસ ફૂટ વિસ્તારના ફેરો-સિમેન્ટ હાઉસના બાંધકામની કિંમત રૂ. ૮૨૦૦૦ થઈ હતી. આ અનુસાર તેની કિંમત રૂ. ૩૯૦પ્રતિ ચોરસ ફૂટ થાય છે, જે પરંપરાગત કોંક્રિટ હાઉસની પ્રતિ વર્ગ ફીટથી ઘણી જ ઓછી કિંમત છે.

કેરળ માં આવેલ આ પૂરમાં નાશ પામેલા અથવા નુકસાન પામેલા ઘરોને ફરીથી બનાવવા માટે આ તકનીકની મદદ લેવામાં આવશે. સ્માર્ટ સિટિઝ કાઉન્સિલ ના એક રિપોર્ટ મુજબ એન્જિનિયર અને બાંધકામ ક્ષેત્રના નિષ્ણાંત જિજી થોમસ આ નિર્માણ પ્રોજેક્ટનો ભાગ બનશે. આશરે ૧૦ વર્ષ પહેલાં થ્રિસુરની આસપાસ બનાવેલા ઘણાં ઘરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ-થ્રિસુરના ચેરમેન અને આર્કિટેક્ટ રંજીત રોય અનુસાર, જો સરકાર અને અન્ય એજન્સીઓ બાંધકામ ખર્ચને સહન કરવા તૈયાર થાય, તો તેમની સંસ્થા વિના મુલ્યે પોતાની સેવા આપવા માટે તૈયાર છે.

Leave a Reply