અંબિકાપુરનું સ્વછતા અભિયાન સમગ્ર ભારત માટે એક મિસાલ

Uncategorized

છત્તીસગઢના સુરગુજા જિલ્લાના કલેકટર ઋતુ સૈને પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા અંબિકાપુરને સ્વચ્છ બનાવવાની શરૂઆત રૂપે કાર્ય શરુ કર્યું હતું, જેમાં સ્વછતા માટે સફાઈ કર્મચારીઓની સાથે સાથે આમ નાગરિકોને પણ જોડવામાં આવ્યા છે.

સુરગુજા જિલ્લાના પાટનગર અંબિકાપૂરની વસ્તી એક અંદાજ અનુસાર દોઢ લાખની છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે ચર્ચા દરમિયાન કલેક્ટર ઋતુ સૈને જણાવ્યું હતું કે, "જયારે મેં આ શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે દુર્ગંધ આવવા લાગી હતી અને અંબિકાપુરમાં આપનું સ્વાગત છે (WELCOME TO AMBIKAPUR) નામના પાટિયાની સામે જ કચરાનો ઢગલો પડયો હતો. આ જોઈને અંબિકાપૂરની સફાઈ વિષે મેં વિસ્તારથી વિચારવાનું શરુ કર્યું હતું."

શહેરની પાસે સફાઈના પૂરતા સાધનોનો અભાવ હોવાથી આ એક પડકારરૂપ કાર્ય હતું. આ સાથે ઋતુ સૈન સફાઈને અંબિકાપુરની આમ જનતાના વ્યહવારમાં ઉતારવા માંગતા હતા. લોકો આ સફાઈમાં ભાગીદાર બને તો સફાઈની કામગીરી આસાન થઈ શકે તેમ હતી. સતત બે મહિના સુધી શહેરના અલગ અલગ વિસ્તારના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને સફાઈ અંગેની યોજના બનાવવામાં આવી જેમાં કર્મચારીઓની સાથે ભાગીદારી રૂપે આમ નાગરિકોને જોડવામાં આવ્યા.

આ યોજના હેઠળ એક પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી અને તે માટે એક વિસ્તારને પસંદ કરી સેલ્ફ હેલ્પ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી, જેમાં કેટલીક મહિલાઓને ત્રણ ટુકડીઓમાં વહેંચવામાં આવી. આ દરેક ટુકડી લગભગ ૧૦૦ ઘરોમાં જઈને કચરાને એકઠો કરતી હતી. આ ઉપરાંત નાગરિકોને કચરાના નિકાલ માટે લાલ અને લીલા રંગના ડબ્બા આપવામાં આવ્યા હતા, જેમાં લાલ ડબ્બામાં અજૈવિક કચરો અને લીલા ડબ્બામાં જૈવિક કચરો નાખવાનું સૂચન આપવામાં આવ્યું. આ પ્રારંભિક પ્રક્રિયા પછી કચરાને ‘કચરા ક્લિનિક્સ’ માં લાવી ૨૪ અલગ અલગ જૈવિક અને અજૈવિક ભાગોમાં જુદા પાડવામાં આવ્યા. આ પાઇલટ પ્રોજેક્ટ ઘણા અંશે સફળ થતા આ યોજનાને સંપૂર્ણપણે શરુ કરવામાં આવી.

હવે અંબિકાપુરમાં કચરાને અલગ કરવામાં આવ્યા પછી રિસાયક્લિંગ થઈ શકે તે કચરો અને રિસાયક્લિંગ ન થઈ શકે તેવા કચરાને અલગ અલગ પેક કરવામાં આવે છે. આ કચરામાંથી પ્લાસ્ટિક, લોંખડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓને અલગ કરીને તેના સંબંધિત ઉત્પાદકોને રિસાયક્લિંગ માટે કાચા માલ તરીકે વેચવામાં આવે છે. જૈવિક કચરાને પશુ, બતક અને મરઘીઓના ચારા માટે વેચવામાં આવે છે, જ્યારે અન્ય અવશેષોને બાયોગેસ ડાયજેસ્ટર અને ખાતર બનાવવા માટે વાપરવામાં આવે છે.

મે ૨૦૧૬ થી સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ ૪૮ વોર્ડને શામેલ કરવામાં આવ્યા છે. આજે ૪૪૭ મહિલાઓ શહેરમાં કચરો અલગ પાડનારા આઠ કેન્દ્રોમાં સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી કામ કરે છે. આ મહિલાઓની નિયમિતપણે સરકાર દ્વારા આયોજિત આરોગ્ય તપાસ પણ કરાવવામાં આવે છે, અને સાથે સાથે તેમને આવશ્યક સુરક્ષા સાધનો જેમ કે માસ્ક, મોજા, એપ્રોન અને જેકેટ પણ આપવામાં આવે છે.

આજે ઋતુ સૈને આમ નાગરિકોના સહયોગથી શરુ કરેલ સ્વછતા માટેનો આ પ્રયત્ન સફળ થયો છે, અને શહેરની સાથે સાથે શહેરના પ્રવેશદ્વાર ની સામે આવેલ ૧૬ એકર ખુલ્લી જમીનમાં જ્યાં કચરાનો ઢગલો હતો, ત્યાં હવે "સ્વચ્છતા જાગૃતિ પાર્ક" તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply