૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખતા રામવીર કશ્યપ

Uncategorized

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નન્હેડા ગામમાં રહેતા ૫૯ વર્ષના મિસ્ત્રી રામવીર કશ્યપ છેલ્લા ૨૫ વર્ષથી ૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખી રહ્યા છે. તેઓ આ કાર્યને પોતાનું ધાર્મિક કર્તવ્ય સમજે છે.

નન્હેડા ગામમાં જાટ સમુદાયના હિન્દૂ લોકો વસવાટ કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે થયેલ ચર્ચા માં ગામના પ્રધાન દારાસિંહએ જણાવ્યું હતું કે, "લગભગ ૫૦ વર્ષ પહેલાં ગામના છેલ્લા મુસ્લિમ પરિવારે ગામ છોડ્યું હતું. ત્યારબાદ કોઈ મુસ્લિમ પરિવાર અહીં આવીને વસ્યો નથી, પરંતુ રામવીર કશ્યપે મસ્જિદની દેખરેખમાં ક્યારેય પણ કોઈ કમી આવવા દીધી નથી."

રામવીર કશ્યપ દરરોજ મસ્જિદમાં જાડું લગાવીને રાત્રે મીણબતી સળગાવે છે. મસ્જિદમાં વર્ષમાં એક વખત પવિત્ર રમઝાન માસ પહેલા કલર કામ પોતાના ખર્ચે કરાવે છે, જેમાં તેમનો પરિવાર પણ તેમની મદદ કરે છે. ૨૦૧૩માં જ્યારે મુઝફ્ફરનગરમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે દંગો થયો હતો ત્યારે કેટલાક લોકો આ મસ્જિદને તોડવાના ઇરાદેથી આવ્યા હતા, ત્યારે રામવીરે પોતાના જીવને જોખમમાં નાખી કેટલાક ગામના લોકોની મદદથી આ મસ્જિદની રક્ષા કરી હતી. રામવીર કશ્યપ કહે છે કે, "તેઓ દરેક ધર્મનું સન્માન કરે છે અને માનવતા, ભાઈચારો અને માનવ સેવા મારા આદર્શ છે."

રામવીર મસ્જિદની નજીકમાં જ રહે છે, તેઓ કહે છે કે, "હું નાનપણમાં હંમેશા મસ્જિદની આસપાસ રમતો હતો, મારા માટે આ પૂજા(ઈબાદત)ની જગ્યા છે જેનું સન્માન થવું જ જોઈએ. મસ્જિદની દેખરેખ રાખનાર કોઈ ન હતું, તેથી મેં આ જવાબદારી લીધી. છેલ્લા ૨૫ વર્ષથી હું દરરોજ તેને સાફ કરું છું અને સમારકામની સંભાળ રાખું છું."

નવભારત ટાઈમ્સ સાથે ચર્ચા દરમિયાન બાજુના ગામ ફિરોઝાબાદના રહેવાસી ખુશનસીબ અહેમદે જણાવ્યું હતું કે, "હું થોડા વર્ષ પહેલા નન્હેડા ગામમાં ગયો હતો. તે જોઈને મને નવાઈ લાગી કે એક હિન્દૂ ભાઈ મસ્જિદની દેખરેખ રાખી રહ્યા છે. આ પ્રકારનું કાર્ય નફરતને દૂર કરી પ્રેમ અને કોમી એકતામાં વધારો કરે છે."

રામવીરના આ વિચારનો આદર તેમના ગામના લોકો પણ કરે છે, અને જરૂરતના સમયે તેમની મદદ પણ કરે છે. ભારત અનેકતામાં એકતાનું પ્રતીક છે. અહીંયા અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, વિચારો ધરાવનાર લોકો મળીને રહે છે જેમાં રામવીર જેવા લોકો આ એકતાને મજબૂત બનાવે છે.

Leave a Reply