રોડ ઉપર કામ કરનારા બાળકો માટે ટ્રાફિક સિગ્નલ શાળા એક વરદાન સમાન

Uncategorized

સમર્થ ભારત વ્યાસપીઠના સીઈઓ બટુ સાવંતે થાણે નગરપાલિકા સાથે મળીને ટ્રાફિક સિગ્નલ પર બ્રિજના નીચે એક શાળાની શરૂઆત કરી છે. આ ભારતની પ્રથમ એવી શાળા છે જેની શરૂઆત ટ્રાફિક સિગ્નલ ઉપર કામ કરનારા અને રોડ ઉપર રહેનારા બાળકોના અભ્યાસ માટે થઈ હોય. આ શાળાનો હેતુ બાળકોની જીવનશૈલીમાં બદલાવની સાથે બાળકોને શિક્ષિત બનાવવાનો છે.

સમુદ્રી જહાજના એક જુના કન્ટેનરની મરમ્મત કરીને તેમાં બ્લેક બોર્ડ અને ખુરશી-ટેબલ મૂકી શાળાની શરૂઆત કરવામાં આવી છે. કન્ટેનરની બહાર એક નાનકડો બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે. સવારે જયારે બાળકો આવે છે ત્યારે સર્વ પ્રથમ તેમને શાળાનો યુનિફોર્મ આપી સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે, જેની સગવડ સ્કૂલમાં જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેમને સવારનો નાસ્તો પીરસીને તેમને તેમની ઉંમર પ્રમાણે અલગ અલગ ક્લાસરૂમમાં લઇ જવામાં આવે છે જ્યાં તેમના અભ્યાસની શરૂઆત થાય છે.

આ શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકોને તબીબી સુવિધા, સફાઈ પ્રત્યે જાગૃકતા તથા જીવનમાં આવનાર મુશ્કેલીઓ સામે લડવાની તાલીમ પણ આપવામાં આવે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ ના એક અહેવાલ અનુસાર પવારના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે પોતાનો અભ્યાસ ધોરણ ૯ પછી છોડી દીધો હતો. તે કહે છે કે, "મારા માતા-પિતા ઇચ્છતા હતા કે હું કુટુંબની મદદ માટે કામ કરું. આ શાળા જોઈને મેં મારું શિક્ષણ પૂર્ણ કરવાનું નક્કી કર્યું. હું મારી પરીક્ષાઓને પાસ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છું, અને આગળ જઈને આઇપીએસ પરીક્ષા આપવાનો વિચાર કરી રહ્યો છું, જેથી હું મોટો થઈને એક પોલીસ ઓફિસર બની શકુ."

આ શાળા ફક્ત એક કન્ટેનર સાથે બે વર્ષ પહેલા શરૂ થઈ હતી, તેમાં આજે એક પુસ્તકાલય, રમકડાંની લાઇબ્રેરી, એક કમ્પ્યુટર, એક અલગ નર્સરી વર્ગખંડ અને કેટલાક રોબોટિક સાધનો પણ વસાવવામાં આવ્યા છે. શાળાની જયારે શરૂઆત થઈ હતી ત્યારે આ શાળામાં ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અત્યારે આ શાળામાં ૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી ભણતા વિદ્યાર્થીઓની જીવનશૈલી બદલાઈ છે. રાત્રે આમાંથી મોટાભાગના બાળકો સ્ટ્રીટ લાઈટના પ્રકાશ હેઠળ પોતાનો અભ્યાસ કરે છે.

Leave a Reply