‘ટ્રેન-૧૮’: ભારતીય રેલવેનું આધુનિકતા તરફ નવીન કદમ

Uncategorized

ભારતીય રેલવેની ઈન્ટીગ્રલ કોચ ફેકટરી(ICF) દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ટ્રેન-૧૮’ ભારતીય રેલવે માટે આધુનિકતા તરફનું નવીન કદમ છે. ‘ટ્રેન-૧૮’ ને રેલવે બોર્ડના ચેરમેન અશ્વનિ લોહાનીએ તાજેતરમાં લીલી ઝંડી દેખાડી ટ્રાયલની શરૂઆત કરી હતી. આ ટ્રાયલ ફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેન વાળા રૂટ પર કરવામાં આવશે.

૧૬ કોચની આ સેમી હાઈ-સ્પીડ ટ્રેન માત્ર અઢાર મહિનામાં રૃા. ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ છે. ભારતના રેલવે ટ્રેક પર દોડતી બીજી બધી ટ્રેનોથી એકદમ અનોખી એવી ટ્રેન-૧૮ એન્જીન વગરની ટ્રેન છે. આ ટ્રેનના બન્ને છેડે મોટર કોચ બનવવામાં આવ્યા છે જેના કારણે આ ટ્રેન બંન્ને દિશાઓમાં ચાલી શકશે જેથી સમયની બચત થશે.

આ ટ્રેનના ૮૦ ટકા ભાગ ભારતમાં બનાવવામાં આવ્યો છે, જેમાં બે ડ્રાઈવિંગ ટ્રેલર કોચ સાથે બંને છેડે ડ્રાઈવર માટે કેબિન તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનની ક્ષમતા ૧૧૨૮ પ્રવાસીઓની છે અને તેમાં રહેલી સીટો ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી રાખવામાં આવી છે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં કેટલીક ઉત્તમ સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજા મેટ્રો ટ્રેનની જેમ જ ઓટોમેટિક હશે, એટલે કે સ્ટેશનના આગમન સમયે બંધ થઈ જશે અને ખુલશે. ટ્રેન પ્લેટફોર્મ પર રોકાય ત્યારે ફૂટ સ્ટેપ ખુલી જશે. ટ્રેન માં બાયો-વેક્યૂમ સિસ્ટમ સાથે મોડ્યુલર શૌચાલયની વ્યવસ્થા, દિવ્યાંગો માટે અલગ જગ્યા, વાઈફાઈ, સુંદર આંતરિક સજાવટ, એર-કંડિશન ની સાથે સાથે મુસાફરોને ઝટકા ન લાગે તે માટે કપલર્સ પણ લગાવવામાં આવ્યા છે. ટ્રેનમાં મુસાફરોને સુચના આપવા માટે સ્પિકર, સામાન રાખવા માટેની જગ્યા, GPS બેઝ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ સિવાય ડિફ્યૂઝ્ડ લાઇટિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ટ્રેનનું નામ ટ્રેન-૧૮ એટલા માટે છે કે તેને ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવી રહી છે.

આ ટ્રેનની મહત્તમ સ્પીડ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ તેના માટે આ ટ્રેનને અનુકુળ ટ્રેકની જરૂર પડશે. તેથી પહેલા ટ્રેકને ટ્રેન માટે અનુકૂળ બનાવવામાં આવશે ત્યાર બાદ આ ટ્રેન આ સ્પીડ પર ચાલી શકશે.

આ ટ્રેનનું ટ્રાયલ ફેક્ટરીની બહાર ત્રણ-ચાર દિવસ માટે થશે. જે બાદ તેને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓર્ગેનાઇઝેશને ટ્રાયલ માટે સોંપવામાં આવશે. આ ટ્રેનમાં સેલ્ફ પ્રોપલ્શન છે, જેના કારણે આ ટ્રેન ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે, જેથી મુસાફરી માટે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન કરતા આ ટ્રેનમાં ૧૫% ઓછો સમય લાગશે.

Image Source: dnaindia.com

Leave a Reply