3-ડી પ્રિન્ટિંગથી ખુબ જ ઓછી કિંમતમાં માટી અને ચોખાનાં ફોતરામાંથી તૈયાર થતું ઘર

Uncategorized

આજકાલ દુનિયાના દરેક ખૂણામાં ઘરોના ભાવ આસમાન સુધી પહોંચી રહ્યા છે, જેના પગલે ઇટાલીયન ૩-ડી પ્રિન્ટીંગ કંપની ડબલ્યુએએસપી(વર્લ્ડ્સ એડવાન્સ્ડ સેવિંગ પ્રોજેક્ટ) ઘરોના ભાવ ઓછા કરવા માટે કામ કરી રહી છે. આ કંપનીએ ૩-ડી પ્રિન્ટેડ કોંક્રિટ અને કાદવના મિશ્રણનો તથા ક્રેન વડે લટકાવેલ ૩-ડી પ્રિન્ટરનો ઉપયોગ કરી એક ઞૂંપડા જેવુ માળખું તૈયાર કર્યું છે. આ માળખાને તૈયાર કરવાનો ખર્ચ અંદાજે એક હજાર ડોલર્સ(આશરે ૭૪૦૦૦ રૂપિયા હજાર) જેટલો થયો છે.

ઇમારતના પાયામાં માટી અને ચોખા આધારિત મિશ્રણ ઉપરાંત, કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે કે છત લાકડાની બનેલી છે. ડબ્લ્યુએસપીના સીઇઓ મસિમો મોરેટીએ ડિજિટલ ટ્રેન્ડ્સને જણાવ્યું હતું કે, "ચીકણી માટી, ચોખાના તણખલા અને ચોખાના ફોતરાંનો ઉપયોગ કરી આ સામગ્રી બનાવવામાં આવે છે. કુદરતી રેસાઓ આ મિશ્રણના સંકોચનને ઘટાડવા અને દીવાલને મજબૂતી પુરી પાડવા માટે મદદરૂપ થાય છે."

આ ઘર ઓછા ખર્ચે તૈયાર થતા મકાનનુ એક ઉદાહરણ રજૂ કરે છે, ખાસ કરીને એવા મકાનોની સરખામણીમાં કે જેમાં સામાન્ય રીતે ઘરની અંદરના તાપમાનને જાળવી રાખવા વિવિધ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વર્ષમાં કોઈ પણ સમય દરમિયાન આ ઘર કોઇ પણ પ્રકારના હીટર અથવા એર કંડિશનરના ઉપયોગ વગર તેની અંદરનું તાપમાન જાળવી રાખે છે.

૨૧૫-ચોરસ ફૂટ બાંધકામને પૂર્ણ થવા માટે આશરે ૧૦ દિવસનો સમય લાગે છે, જો કે આના કરતા વધુ સમય મકાનની આંતરિક સજાવટ કરવામાં લાગે છે. ઉપર જણાવેલ કિંમતમા ફક્ત બાંધકામની સામગ્રીનો સમાવેશ થાય છે, તેમાં મજૂરીને જોડતા બાંધકામની કિંમત એક હજાર ડોલર્સ કરતા કેટલાક અંશે વધી જાય છે.

ડબલ્યુએએસપી આ ક્ષેત્રમાં કામ કરતું એક માત્ર જૂથ નથી. એસ્ટોનિયામાં યુનિવર્સિટી ઓફ ટાર્ટુ અને એસ્ટોનિયન યુનિવર્સિટી ઓફ લાઇફ સાયન્સિસના વૈજ્ઞાનિકોએ ૩-ડી પ્રિન્ટ કરી શકાય તેવી કોંક્રિટ જેવી બાંધકામ સામગ્રી વિકસાવી છે, જે નવા મકાનો બનાવવાના ખર્ચને ઘણો ઘટાડી શકે તેમ છે.

વિશ્વની વધતી જતી વસ્તી ને ઝડપી તથા સસ્તા મકાનો પૂરા પાડવા બાંધકામ ક્ષેત્રમાં આવા ઘણાં સ્પર્ધાત્મક ઉત્પાદનોની જરુર છે. આ ઉપરાંત કુદરતી આફત પછી લોકોના પુનર્વાસ માટે પણ આ પદ્ધતિ રાહત સમાન છે.

Image Source: http://www.3dwasp.com

Leave a Reply