લદ્દાખ જેવા અંતરિયાળ વિસ્તારમાં શૈક્ષણિક સુધારણા માટે સોનમ વાંગચુકનું મહત્વનું યોગદાન

Uncategorized

લદ્દાખ જેવા અંતરિયાળ વિસ્તારમાં શૈક્ષણિક સુધારણા તેમજ વિકાસ માટે સોનમ વાંગચુકનું મહત્વનું યોગદાન રહ્યું છે, અને લદ્દાખના યુવાનોને રોજગારીની તકો મળી રહે અને તેઓ દરેક ક્ષેત્રો સાથે સંકળાયેલા રહે તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા છે અને હજુ પણ પ્રયત્નો કરી રહ્યા છે.

સોનમ વાંગચુકે વર્ષ ૧૯૮૮માં લદ્દાખના બર્ફીલા રણના શિક્ષણના સ્તરમાં સુધાર લાવવા એન્જીનિયરીંગનો અભ્યાસ પૂરો કરી પોતાના ભાઈ અને કેટલાક મિત્રોના સહયોગથી આ માટે “સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ”(સેકમોલ) નામની સંસ્થાની સ્થાપના કરી, જેના દ્વારા ૧૯૯૪ માં સરકારી શિક્ષણ વિભાગ સાથે મળીને શૈક્ષણિક સુધારણા માટે “ઓપરેશન ન્યૂ હોપ”(ઓએનએચ) નામનું અભિયાન શરુ કર્યું.

ઘણા વર્ષો સુધી સેકમોલે સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થામાં સુધાર લાવવા માટે પ્રયત્નો કર્યા, જેની સાથે સાથે સેકમોલ સંકુલ પણ એક વૈકલ્પિક શાળા તરીકે વિકાસ પામતું ગયું. આ સંકુલને સંપૂર્ણ પણે ઈકો ફ્રેન્ડલી બનાવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયંસેવકો રહે છે, કામ કરે છે અને એકસાથે શીખે છે. આ શાળા પરંપરાગત શાળા નથી, પરંતુ વ્યવહારુ, પર્યાવરણીય, સામાજિક અને પરંપરાગત જ્ઞાન, મૂલ્યો અને કુશળતાને અનુસરવાની જગ્યા બની ગઈ છે, જેનું સંચાલન તથા જાળવણી મુખ્યત્વે ત્યાંના વિદ્યાર્થીઓ જ કરે છે.

સેકમોલ સંકુલની કેટલીક લાક્ષણિકતાઓ:

સંકુલની શાળાના મકાનોને મોટાભાગે કાદવ અને માટીના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે, જેના કારણે શિયાળા દરમિયાન જ્યારે બાહ્ય તાપમાન -૪૦ ડિગ્રીની નીચે જાય છે ત્યારે રૂમની અંદરનું તાપમાન ૧૦ ડિગ્રી રહે છે. આ કેમ્પસ દક્ષિણ દિશા તરફ બનાવવામાં આવ્યું છે, જેથી સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકાય. અહીં સ્નાન માટે સૌર પેનલના ઉપયોગથી પાણી ગરમ કરવામાં આવે છે. રસોડા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાની એક સરળ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેમાં એક ચોક્કસ કોણ પર મુકાયેલ કોન્સેવે મિરર દ્વારા સૂર્યપ્રકાશને એકીકૃત કરી રસોડામાં રસોઈ માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત વાદળછાયા વાતાવરણ દરમિયાન રસોઈ માટે કેમ્પસમાં બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે. રસોડામાં રસોઈ પકાવવાની જવાબદારી બાળકોમાં વહેંચવામાં આવે છે.

શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફળો અને શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. આ શાકભાજી અને ફળોનો ઉપયોગ શાળાના બાળકો કરે છે, અને બચેલા શાકભાજી અને ફળોને સ્થાનિક લોકોમાં વહેંચી દેવામાં આવે છે. અહીંયા બાળકોને લદ્દાખની પરંપરાગત વાનગીઓ બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે.

secmol-2

શાળામાં વીજળી માટે સોલાર પેનલો લગાવવામાં આવી છે. વાદળછાયા વાતાવરણમાં પણ વીજળીનો ઉપયોગ થઈ શકે તે માટે સોલાર પેનલ સાથે બૅટરીઓને જોડવામાં આવી છે. વિદ્યાર્થીઓને સોલારની બૅટરીઓ બદલવા તથા તેમાં આવનારી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તાલીમ પણ આપવામાં આવે છે.

નિયમિત શાળાના દીવસે બાળકોને દિવસ દરમિયાન અડધા કલાક માટે ચર્ચાનો ક્લાસ હોય છે જેમાં તેમને લદ્દાખી સિવાયની અન્ય ભાષાઓ શીખવવામાં આવે છે અને એક બીજા સાથે ચર્ચા કરવાનું કહેવામાં આવે છે જેના પછી અડધા કલાકનો કમ્પ્યુટર ક્લાસ હોય છે. ત્યારબાદ ૧ કલાક માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિની સાથે વિદ્યાર્થીઓ તેમના પસઁદગીના વિષયનો અભ્યાસ કરે છે, આ ઉપરાંત તેમને ૧ કલાક માટે લદ્દાખના ઇતિહાસ તથા અન્ય વિષયો ભણાવવામાં આવે છે. બપોરના ભોજન પછી દરેક બાળકોને બે-માસિક ધોરણે સોંપવામાં આવેલ કાર્યો કરવાનું કહેવામાં આવે છે, જેમાં તે પોતાની ટુકટી સાથે શાળામાં ખેતી, પશુપાલન તથા રસોડામાં મદદ કરે છે. આ કાર્યો ઉપર દેખરેખ રાખવા માટે વિધાર્થીઓ વચ્ચે ચૂંટણી કરીને કેટલાક વિધાર્થીઓને ચૂંટવામાં આવે છે.

આ બે મહિનામાં વિદ્યાર્થીઓએ પોતાના કાર્યોની જવાબદારી કઈ રીતે નિભાવી અને કઈ રીતે જુદા જુદા પડકારોનો તેમણે સામનો કર્યો તેના વિષે અહેવાલ તૈયાર કરવામાં આવે છે જેનો ઉપયોગ આવનાર સમયમાં તેમના ક્ષેત્રોની ઓળખ માટે કરવામાં આવે છે.

ટૂંકમાં સેકમોલ વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ આપવા માટે શરુ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત વાસ્તવિક દુનિયામાં જવાબદાર નાગરિકો બનવા માટે પણ તૈયાર થઈ શકે, અને પોતાના વિચારોથી તેમની આસપાસની પરિસ્થિતિઓ માટે નવીનતમ ઉકેલો તથા વિવિધ સમસ્યાઓનું નિવારણ લાવી શકે. આ વિદ્યાર્થીઓ લદ્દાખ છોડીને બીજા કોઈ પ્રદેશમાં જવા માંગતા નથી અને કહે છે કે તેઓ વતનમાં રહી તેનો વિકાસ કરવા માંગે છે.

વાંગચુક ઈચ્છે છે કે સ્કૂલના પાઠ્યક્રમમાં બદલાવ આવે, પુસ્તકો કરતા વધારે પ્રયોગો પર વિદ્યાર્થીઓ ધ્યાન આપે. તેમના કહેવા મુજબ દેશની શિક્ષણ પ્રણાલીમાં બદલાવની અત્યંત જરૂર છે જેમાં સ્કૂલો અને કોલેજોમાં માત્ર નંબર્સ પર ધ્યાન આપવામાં આવે છે જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કે ફેલ કરવામાં આવે છે. હાલની શિક્ષણ પ્રણાલીને કારણે એક બાજુ કોલેજથી બહાર નીકળીને વિદ્યાર્થીઓ પાસે રોજગારની પૂરતી તકો હોતી નથી તો બીજી બાજુ ઉદ્યમો પાસે યોગ્ય કર્મચારીઓની અછત હોય છે.

વાંગચુક પોતાના આ વિચારોને આગળ વધારીને એક એવા વૈકલ્પિક વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યાં છે જે શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવાના તેમના અભિયાનને આગળ વધારે. આ વિશ્વવિદ્યાલય તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે, જ્યાં વિદ્યાર્થીઓ ગોખવાની જગ્યાએ પ્રેક્ટીકલ રીતે અભ્યાસ કરશે.

આ સિવાય સોનમ વાંગચુકે લદ્દાખ જેવા વિસ્તારમાં પાણીની સ્થાનિક સમસ્યાને નિવારવા માટે “આઈસ સ્તૂપ” જેવા જળસંગ્રહ માટેના એક ઉત્તમ નમૂનાની શોધ પણ કરી છે, જેના કારણે તે વિસ્તારમાં આજે ખેતી સરળ બની શકી છે. સોનમ વાંગચૂક ને તેમના અમૂલ્ય કાર્યો માટે તાજેતરમાં રેમન મેગ્સેસે પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Leave a Reply